Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કોર્પોરેશન હવે સોસાયટીઓમાંથી એંઠવાડ નહીં ઉપાડે : નવો ફતવો

સોસાયટીઓએ હવે ભીનો કચરાનું ખાતર બનાવવાની વ્યવસ્થા ફરજીયાત કરવી પડશે અન્યથા દંડ સહિતના પગલાઃ મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની કલમ ૪(૬) મુજબ જાહેરનામુ બહાર પાડયું

રાજકોટ, તા. ર૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા હાલમાં ઘરે ઘરેથી કચરો ઉપાડવા માટે ટીપરવાનની વ્યવસ્થા ચાલુ છે. આ ટીપરવાન દ્વારા શહેરની રહેણાંક સોસાયટીઓમાંથી સુકો અને ભીનો (એંઠવાડ) કચરો બંન્ને લેવામાં આવે છે, પરંતુ હવે પછી રેસીડેન્સીયલ સોસાયટીઓમાંથી કોર્પોરેશનની ટીપરવાન ભીનો કચરો (એંઠવાડ) નહીં સ્વીકારે આ કચરામાંથી ખાતર બનાવવાની વ્યવસ્થા સોસાયટીઓએ ફરજીયાત કરવી પડશે. તેમ મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યું છે અને આ માટે જાહેરનામુ પણ પ્રસિદ્ધ કર્યું છે.

   આ અંગે મ્યુ કમિશનરશ્રીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે અને આ રૂલ્સની કલમ ૪(૬) મુજબ તમામ રેસીડેન્સીયલ વેલફેર એસોસિએશન (RWA) ને બલ્ક વેસ્ટ જનરેટર્સમાં ગણાવેલ છે. તેઓ દ્વારા સુકો અને ભીના કચરાનું વર્ગીકરણ કરવાનું તથા ભીના કચરાને તેમની જગ્યામાં ગાર્ડન કમ્પોસ્ટીંગ અથવા બાયોમીથેનેશન પધ્ધતિથી નિકાલ કરવા તથા સુકા કચરાને અર્બન લોકલ બોડી (ULB) સૂચવે તે એજન્સીને આપવાનું જણાવવામાં આવેલ છે, આ રૂલ્સની કલમ અંતગર્ત રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા રાજકોટ શહેરમાં આવેલ તમામ તમામ રેસીડેન્સીયલ વેલફેર એસોસિએશન (RWA) ને તેમની જગ્યાએ ભીનો કચરો અને સુકા કચરાને અલગ-અલગ વર્ગીકૃત કરવા તથા ભીના કચરાને ગાર્ડન કમ્પોસ્ટીંગ / પીટ કમ્પોસ્ટીંગ અથવા બાયોમીથેનેશન પધ્ધતિ દ્વારા દિવસ-૩૦ માં નિકાલ કરવાનું તથા રાજકોટ મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન કરાવવા જણાવવામાં આવે છે, અન્યથા સંબધીતો સસ્મે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ તથા ધી.જી.પી.એમ.સી. એકટની કલમ-૩૭૬ એ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(3:12 pm IST)