Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

૯.૮૪ લાખનો દારૂ ભરેલુ વાહન ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

બૂટલેગરો પર ધોંસ યથાવતઃ માંડા ડુંગર પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરિયાના શેડમાં 'કટીંગ' થાય એ પહેલા પોલીસ ત્રાટકીઃ ૨૪૬૦ બોટલ દારૂ જપ્ત : આઇશર સાથે મધ્યપ્રદેશના શ્રીપાલસિંગ અને 'માલ' મંગાવનારા માંડા ડુંગર માધવ વાટીકાના જયસુખ વાઘેલાની ધરપકડઃ કુલ ૧૯.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે : હેડકોન્સ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. મહેશભાઇ મંઢ તથા હરદેવસિંહ રાણાની બાતમી

પી.આઇ. એચ.એમ. ગઢવી, પીએસઆઇ એ. એસ. સોનારા અને કામગીરી કરનાર ટીમ, ઝડપાયેલા બંને શખ્સો, કબ્જે થયેલો દારૂનો જથ્થો અને આઇશર જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: છેલ્લા ત્રણ દિવસથી શહેર પોલીસે ફરીથી બૂટલેગરો પર ધોંસ બોલાવવાનું ચાલુ કર્યુ છે. આ કામગીરી યથાવત રહી છે. શહેર ક્રાઇમ બ્રાંચે આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર પાસે મોડી રાતે દરોડો પાડી રૂ. ૯,૮૪,૦૦૦નો ૨૪૬૦ બોટલ દારૂ ભરેલા આઇશર સાથે મધ્યપ્રદેશના શખ્સને અને માંડા ડુંગર પાસેની માધવ વાટીકામાં રહેતાં કોળી શખ્સને દબોચી લઇ કુલ રૂ. ૧૯,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એ.એસ. સોનારા અને ટૂકડી રાતે પેટ્રોલીંગમાં હતી ત્યારે સાથેના હેડકોન્સ. સમીરભાઇ શેખ, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. મહેશનભાઇ મંઢ તથા હરદેવસિંહ રાણાને  ચોક્કસ બાતમી મળી હતી કે માંડા ડુંગર નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શેરી નં. ૩માં આવેલા એક શેડમાં દારૂ ભરેલુ વાહન આવ્યું છે. આ બાતમીને આધારે પીએસઆઇ સોનારા, બાતમી મળી એ કર્મચારીઓ તથા સાથે નિલેષભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, નિશાંતભાઇ પરમાર સહિતે દરોડો પાડી એમએચ૦૪-જેકે-૮૩૧૪ નંબરનું આઇશર કબ્જે કર્યુ હતું. જેમાં એપિસોડ બ્રાન્ડનો રૂ. ૯,૮૪,૦૦૦નો ૨૪૬૦ બોટલ દારૂ હતો. આ દારૂ તથા ૧૦ લાખનું આઇશર તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ ૧૯,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી આઇશરના ડ્રાઇવર શ્રીપાલસિંગ અમરસિંગ ખાતી (ઉ.૩૨-રહે. ધાલારાયગામ તા. ઇચ્છાવર જી. સિહોર મધ્યપ્રદેશ) તથા માંડા ડુંગર પાસે માધવ વાટીકા-૨માં રહેતાં દારૂનો જથ્થો મંગાવનારા જયસુખ વલ્લભભાઇ વાઘેલા (કોળી) (ઉ.૩૦)ને પકડી લીધા હતાં. જયસુખે આ માલ મંગાવ્યો હતો અને રાતે જ કટીંગ કરવાનો હતો. પણ છુટક બુટલેગરો આવે એ પહેલા ક્રાઇમ બ્રાંચની ટૂકડી પહોંચી ગઇ હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની સુચના અને પી.આઇ. એચ. એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા અને ટીમે આ કામગીરી કરી હતી. વલ્લભ અને શ્રીપાલસિંહની વિશેષ પુછતાછ થઇ રહી છે.

(1:21 pm IST)