Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

ઘાંચીવાડમાં વિજચેકીંગ વખતે એન્જીનિયર પર હુમલો

શેરી નં.૨/૭ના ખુણાના મકાનમાં વિજમીટરનું સીલ તૂટેલુ હોઇ વિજ ચોરી થયાનું જણાતાં મીટર કબ્જે કરતાં ત્રણ પુરૂષ અને એક મહિલાએ એન્જિનીયરની ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ ધોલધપાટ કરીઃ સારવાર માટે દાખલ થતાં એ-ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૩: શહેરમાં આજે વહેલી સવારથી પીજીવીસીએલની ટૂકડીઓએ ઠેકઠેકાણે ઓચિંતા વિજચેકીંગ શરૂ કર્યુ હતું. જેમાં ઘાંચીવાડમાં એક મકાનમાં મિટર ચેક કરવા ગયેલા પોરબંદરથી આવેલા ચેકીંગ સ્કવોડના જુનિયર એન્જિનિયર સાથે ત્રણ પુરૂષ અને એક મહિલાએ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ મારકુટ કરી લેતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં એ-ડિવીઝન પોલીસ મથકના હેડકોન્સ. આર. એલ. વાઘેલા અને મોૈલિક પટેલે હોસ્પિટલમાં દાખલ થયેલા પોરબંદર જીઇબી કોલોની બિરલા રોડ કવાર્ટર નં. ડી-૨૨માં રહેતાં અને પોરબંદર પીજીવીસીએલમાં જુનિયર એન્જિનીયર તરીકે ફરજ બજાવતાં શકીલઅહેમદ અયુબભાઇ વ્હોરા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી ત્રણ અજાણ્યા પુરૂષ અને એક અજાણી સ્ત્રી સામે આઇપીસી ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ફરજમાં રૂકાવટ કરી ગાળો દઇ હુમલો કરવા સબબ ગુનો નોંધ્યો છે.

શકિલઅહેમદે ફરિયાદમાં જણાવ્યું છે કે હાલમાં છએક માસથી હું ચેકીંગ સ્કવોડમાં ફરજ બજાવુ છું. આજે સવારે છ વાગ્યે અમે કનક રોડ પર પીજીવીસીએલ સીટી ડિવીઝન-૧ ખાતે રિપોર્ટિંગ માટે આવ્યા હતાં. ત્યાંથી પ્રહલાદ પ્લોટ સબ ડિવીઝન હેઠળ આવતાં ઘાંચીવાડ વિસ્તારમાં વિજ ચેકીંગ માટે જવાનો ઓર્ડર મળતાં હું તથા સાથે હેલ્પર કમલેશભાઇ ભીખુભાઇ બાસુકીયા તથા લોકલ પોલીસ સ્ટાફને સાથે લઇ ચેકીંગમાં નીકળ્યા હતાં.

સવારે સાડા સાતેક વાગ્યે ઘાંચીવાડ-૨/૭ના ખુણે આવેલા મકાનમાં હું તથા કમલેશભાઇ ચેકીંગ માટે ગયા હતાં. સાથેના પોલીસ કર્મચારી કોૈશિકભાઇ ગઢવી ગેઇટ પાસે ઉભા હતાં. મીટરમાં સીલ તૂટેલુ હોઇ તપાસ માટે મકાનમાં હાજર બહેનને આ બાબતે જાણ કરી હતી. તેમજ વધુ તપાસ માટે મિટર ઉતારવાનું હોઇ ખુરશી માંગતા બહેને ખુરશી આપતાં અમે મિટર ઉતાર્યુ હતું. તે વખતે મકાનમામંથી ત્રણ ભાઇઓ આવ્યા હતાં અને મેં તેને કહેલ કે મીટર ડેમેજ કરી પાવર ચોરી કરી છે. આ સાંભળતા જ ત્રણેય ઉશ્કેરાઇ ગયા હતાં અને 'અમારા ઘરમાંથી બહાર નીકળી જાવ, અમે કોઇ ચોરી કરતાં નથી' તેમ કહેતાં હું તથા હેલ્પર કમલેશભાઇ ચેકીંગ કરેલુ મિટર તેના હાથમાં હોઇ તે લઇને બહાર નીકળી ગયા હતાં.

પાછળથી ત્રણેય પુરૂષે આવી મને ગાળો દીધી હતી અને બે જણાએ ઢીકા-પાટુનો માર મોઢા-છાતીમાં માર્યો હતો. એ પછી હેલ્પરના હાથમાંથી મીટર ઝુંટવી લીધુ હતું અને એક બહેન પણ આવી ગયા હતાં અને તેણે પણ ઝપાઝપી કરી હતી. જેથી મારા ચશ્મા પડી ગયા હતાં. એ દરમિયાન પોલીસ સ્ટાફ આવી જતાં અમે મીટર પરત મેળવી લીધું હતું અને મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પોલીસે આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

(2:00 pm IST)