Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

'ગીર ગોલ્ડ' એ તન-મન-બુધ્ધિને તંદુરસ્ત બનાવતો પ્રોજેકટ : વિજયભાઇ રૂપાણી

અરવિંદભાઇ મણીઆર ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ઘરે બેઠા દુધ, ઘી, છાસ પહોંચતા કરવાના 'ગીર ગોલ્ડ' અભિયાનનો પ્રારંભઃ ગૌપાલન ઉપરનું અર્થતંત્ર વિખેરાયુ હતુ, પણ હવે ફરી આશા ઉજવળ બની : ડો. કૃષ્ણગોપાલજીઃ નવી પેઢીને સાત્વીક આહાર મળે અને ગોપાલકોને વ્યાજબી દામ મળે તેવો આવકારદાયી પ્રોજેકટ : ડો. વલ્લભભાઇ કથીરીયાઃ અરવિંદભાઇ મણીઆર ફાઉન્ડેશને ઉદ્દાત ભાવના જાળવી રાખી સારૂ કાર્ય આરંભ્યુ : કૃષ્ણમણીજી મહારાજઃ ગીર ગોલ્ડ કલ્પકભાઇ મણીઆરનું સ્વપ્ન હતુ જે આજે સાકાર થવા જઇ રહ્યુ છે : સ્વામી પરમાત્માનંદજીઃ દુધ દોહવાના સ્થળથી ઘરે દુધ પહોંચે ત્યા સુધીની સમગ્ર પ્રક્રિયા મોબાઇલ પર નિહાળી શકાય તેવા પ્રોજેકટને સૌએ વધાવ્યો

રાજકોટ : આરોગ્યનું અમૃત, ગીર ગોલ્ડનો ઉદ્દઘાટન સમારોહ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. અરવિંદભાઇ મણીઆર ચેરીટેબલ ફાઉન્ડેશનના આ અભિયાનને શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધેલ. અહીં વિજયભાઇએ યોજનાની માહીતી આપતા જણાવેલ કે સંસ્થાએ શુધ્ધ-સાત્વીક અને પોષણયુકત દૂધ, છાશ અને ઘી મળી રહે તેવી વૈજ્ઞાનિક સીસ્ટમ વિકસાવી છે. તન મન બુધ્ધિ તંદુરસ્ત બને તેવા શુભ આશયથી સમગ્ર પ્રોજેકટ છે. દુધ દોહવાથી લઇ આપના ઘરે પહોંચે ત્યાં સુધી સમગ્ર પ્રક્રિયા મોબાઇલ ફોન ઉપર જોઇ શકાય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઇ.સી. ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી થાય તે ઉદેશ્યથી અનેક આયોજનો કર્યા છે. કૃષિ પશુપાલન વગેરેને તેમાં આવરી લેવાયા છે. ગુજરાત સરકાર પણ ડેરી ઉદ્યોગને પ્રમોટ કરી આગળ વધવા માંગે છે. ડેરી ઉદ્યોગ પ્રમોટ કરવાનો નિર્ણય મોદી સરકારે લીધો હતો. અમુલ સફળ મોડેલ છે. દુધના ભાવ પૂરતા મળે. દુધનું ઉત્પાદન ૨૦ વર્ષમાં સાત ગણુ વધ્યું છે. પશુપાલકોને દુધના પૂરતા ભાવ મળે તેવી તકેદારી સરકારે રાખી છે. ગીર ગાય આપણી ઉત્તમ નસલ છે. આપણી ગાયની નસલ સુધરે તે માટે કામધેનુ યોજના સરકારે બનાવી છે. આપણો દેશ સોનેકી ચીડીયા કહેવાતો, ઘી-દુધની નદીઓ વહેતી તે સમય પાછો લાવવાની સરકારની ઇચ્છા છે. ગાયની ચિંતા સરકાર કરે છે. ગૌવંશ હત્યા અંગે કડક કાયદો ગુજરાતમાં છે. ગાયોના સંવર્ધન માટે પ્રયાસ છે. સરકારે કરૂણા એમ્બ્યુલન્સ બનાવી છે. પશુ રોગ નિદાન કેમ્પ કરે છે. પશુપાલક ઉદ્યોગને ધમધમતો રાખવા માંગે છે. ગીર ગોલ્ડથી ગાયનું મહત્વ વધશે. આની સાથે અરવિંદભાઇનું નામ જોડયું એટલે સફળતા મળવાની જ છે. છેવાડાના માનવીની ચિંતા તેઓ કરતા. આ પ્રોજેકટ સફળ થાય એ જ શુભકામના. આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ ગીર ગોલ્ડ દુધ-ઘી નો શુભારંભ બોટલ નિર્દેશન દ્વારા કરેલ. ડો. કૃષ્ણગોપાલજીએ પોતાની વાત રજુ કરતા જણાવેલ કે 'આપણા દેશમાં આપણે ગાયના દુધ ઘી અંગે ચર્ચા કરવી એ દુર્ભાગ્ય છે. ભારતમાં ગાય પ્રચલિત હતી. આજે નિર્વાસિત બની છે. વિદેશી ગાયને જોતા જોતા આપણા મગજમાં તે બેસી ગઇ છે. વિદેશી ગાય અને દેશી ગાયના અવાજમાં અને તેની શરીર રચનામાં અનેક તફાવત છે. ગાયના બ્રીડીંગ ઉપર ધ્યાન આપવું જોઇતુ હતુ. વેટરનરી વિજ્ઞાનિકો ભુલ થયાનું માને છે. ગોપાલન ઉપર અર્થતંત્ર વિખેરાઇ ગયું. જમીન પ્રદુષિત બની. ખાતર, દવાઓની આયાત થઇ, સ્વાવલંબી કૃષિનો નાશ થયો એ એના પરિણામો આપણે જોઇ રહ્યા છીએ. ત્યારે હવે ગીર ગોલ્ડની અનેકવિધ યોજનાઓથી એક નવી આશા બંધાધીણ છે. ડો. વલ્લભભાઇ કથીરીયાએ જણાવેલ કે ગીર ગોલ્ડની કામગીર સંસ્થા દ્વારા નોટ ફોર પ્રોફીટ કંપની તરીકે થશે. ફાઉન્ડેશનની સ્થાપના સામાજિક કાર્યો માટે થઇ છે. ડો. હિતેષભાઇ જાની ગૌ વિજ્ઞાનિક તરીકે કાર્યરત છે. અરવિંદભાઇ મૂલ્યોના માનવી હતા. ગૌસંસ્કૃતિ આધારીત સમાજ હતો. વેદ, પૂરાણમાં ભારત ભવ્ય હતુ. ગાય આધારીત સમાજ સેવા અમે કરવાના છીએ અને એનું આજે પહેલું પગથિયુ છે. ગોપાલકોને વ્યાજબી ભાવ મળે, નવી પેઢી સાત્વીક ખોરાક લે તે ઉદેશ્યથી આ પ્રોજેકટ હાથ ધરાયો છે. માધાવપ્રિયદાસજીએ આશીર્વચનો આપતા જણાવેલ કે હિંદુ એકતા માટે અમે સંત સમુદાય સાથે કામ કરીએ છીએ. એ-૧ દુધના સેવનથી જે રોગ થાય તે એ-૨ દુધથી દુર થાય છે. આ ગાય માતા છે. અરવિંદભાઇ અને ચીમનભાઇએ રાજકોટમાં જનસંઘના બીજ રોપ્યા. આપણી સંસ્કૃતિમાં પિતાના દેહાવસાન બાદ ગાયના દાનનો મહિમા પ્રચલિત છે. કલ્પકભાઇ ગાયની સેવા કરીને સાચા અર્થમાં પિતૃ ઋણ અદા કરી રહ્યા છે. ગાયની રક્ષા આપણી જવાબદારી છે. ગાયની પૂજા કરવાથી બધા દેવોની પૂજા થઇ જાય છે. ઋષિમુનિઓ વૈજ્ઞાનિકો હતા. તેઓ અધ્યાત્મ અને મેટલ બંનેને નજર સામે રાખતા. તેમનું સાધન ચિત્તશુધ્ધિ હતુ. ગાયની પ્રદક્ષિણા કરવાની ઋષિમુનિઓ આજ્ઞા કરી તેનું કારણ તેની ઓરા ર થી ૩ મીટરમાં પ્રસરેલી હોય છે. સાધનો વધ્યા તેમ માણસ અંદરથી સાંકડો થયો. આ યોજનાથી ધરતી પુત્રોને ફાયદો મળશે. તેને દુધના યોગ્ય ભાવ મળશે. ગીર ગોલ્ડ દ્વારા ગામડાના શહેરના લોકોનું કલ્યાણ થશે. કૃષ્ણમણીજી મહારાજે આશીર્વચન આપતા જણાવેલ કે 'સમાજનું હિત થાય તેવા ઉદેશ્યથી ગીર ગોલ્ડ પ્રકલ્પ શરૂ થાય છે. ફાઉન્ડેશન દ્વારા બધાનું હિત જળવાઇ રહે તેવો ખ્યાલ રાખ્યો છે. હાલમાં માર્કેટ જોઇને રીસર્ચ કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં બધા પ્રકલ્પો સર્વજન હિતાય રાખવામાં આવતા. ઉદ્દાત ભાવના જાળવી રાખવાથી ફાઉન્ડેશન સારૂ કાર્ય કરી રહેલ છે. સમાજના નબળા વર્ગના લોકોનું ઉત્થાન થશે. ડો. હિતેશભાઇ જાનીએ સમગ્ર પ્રોજેકટની અને ગાય અંગેની માહીતી આપી ભારતમાં કૃષિ પશુપાલનને મહત્વ મળ્યુ તે અંગે ખુશી વ્યકત કરી હતી. ગોકુળ કોને કહેવાય, વ્રજ કોને કહેવાય તે અંગે વિસ્તૃત માહીતી આપી હતી. આ પ્રસંગે ડાયમંડ મેમ્બરશીપ યોજના શરૂ થતાં ડો. હર્ષદભાઇ પંડીતે અને રમેશભાઇ ઠકકરે રૂ. ૫૧ હજાર આપી મેમ્બર બન્યા હતા. આ પ્રસંગે સ્વાગત અને અભિવાદન અભિનવ પ્રયોગ સાથે ગીર ગાયનું ઘી અને ગાયની મૂર્તિ અર્પણ કરાઇ હતી. મહાનુભાવઓએ ભારત માતા, અરવિંદભાઇ મણીઆર અને ગાયની તસ્વીર સામે દીપ પ્રાગટય કર્યુ હતુ. સ્વામી શ્રી પરમાત્માનંદજીએ જણાવેલ કે ઇ.સી. ૨૦૦૭ થી ગીર ગાયના સંવર્ધન અને દૂધ અંગે ચર્ચા વિચારણા ચાલતી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આખો પ્રોજેકટ સમજાવ્યો અને તેમણે કામધેનુ આયોગ અંગે હકારાત્મક કાર્યો કર્યા. આપણે સૌરાષ્ટ્રના ગામડા જર્સીમુકત અને ભેંસમુકત બને તેવું આયોજન કરીશુ. ગોર ગોલ્ડ કલ્પકભાઇ મણીઆરનું સ્વપ્ન છે. આ પ્રસંગે જાણીતા શિક્ષણશાસ્ત્રી અપૂર્વભાઇ મણીઆરે ગાયનું મહત્વ દર્શાવતુ વ્યકિતગત ગીત રજુ કર્યુ હતુ. સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ કૃષ્ણગોપાલજી, એસ.જી.વી.પી. છારોડી ગુરૂકુળના શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, કૃષ્ણપ્રણામી સંપ્રદાય જામનગરના આચાર્યશ્રી સ્વામી કૃષ્ણમણીજી મહારાજ, રાજકોટના સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાજપ મહીલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, આર્ષ વિદ્યામંદિર મુંજકાના શ્રી પરમાત્માનંદજી, કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયા, રાજકોટ નાગરીક સહકારી બેંકના ડીરેકટર સીએ કલ્પકભાઇ મણીઆર, ગુજરાત આયુર્વેદ યુનિ.ના પૂર્વ પ્રિન્સીપાલ ડો. હિતેશભાઇ જાની, નાફકબના અધ્યક્ષ જયોતીન્દ્રભાઇ મહેતા, જાણીતા યુરોલોજીસ્ટ ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, હંસીકાબેન મણીઆર, મુકેશભાઇ મલકાણ, નરેન્દ્રભાઇ દવે, ગોપી ગૌ ગુરૂકુળના સંચાલક દીલીપભાઇ સખીયા, ફયુચર ફાર્મ એલએલપીના વિશાલભાઇ ચાવડા, રાજકોટ નાગરીક બેંકના ડીરેકટર હરીભાઇ ડોડીયા ઉપરાંત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં સંસ્થા દ્વારા ગોપાલક ગીર ગાયની જાળવણી સારી રીતે કરે, ગાયની માવજત માટે શાસ્ત્રોકત ઢબે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર અભિયાનમાં જોડાવા અને વધુ માહીતી માટે મો.૯૪૦૯૭ ૨૪૪૪૪ ઉપર સંપર્ક કરવા કરવા જણાવાયુ છે. કાર્યક્રમના અંતે અભારદર્શન કલ્પકભાઇ મણીઆરે અને સમગ્ર સંચાલન દીપકભાઇ અગ્રવાલ તથા નિલેશભાઇ શાહે કર્યુ હતુ.

(12:02 pm IST)