Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમવાર ECMO અને CRRTની સંયુકત મદદથી દર્દીને મોતના મુખમાંથી પાછા લાવતા ગોકુલ હોસ્પિટલની ક્રિટીકલ કેર ટીમ

રાજકોટ : તાજેતરમાં ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગર રોડ ખાતે રપ વર્ષના નવયુવાન અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દાખલ થયેલ હતા તેમણે ઘઉંમાં નાખવાના ચાર ટીકડા ખાઇ લીધા હતા. સામાન્ય રીતે એક ટીકડો ખાવાથી પણ તે ચોકકસ જીવલેણ સાબિત થતો હોય છે. દર્દી જયારે ગોકુલ હોસ્પિટલ પહોચ્યા ત્યારે તેમનું બ્લડ પ્રેશર માપી ન શકાય તે હદે નીચુ હતુ અને હૃદયનું પંપીંગ માત્ર ૧૦% જ હતુ. આ ઉપરાંત શરીરમાં એસીડનું પ્રમાણ ભયજનક સ્થિતિમાં હતુ. આ સંજોગોમાં ડોકટરોની ટીમ દ્વારા દર્દીને સગાને દર્દીનો જીવ બચાવવા માટે ઇસીએમઓ મશીનના ઉપયોગ અંગે માહિતી આપવામાં આવેલ અને તાત્કાલીક નિર્ણય લઇ અને દર્દીને ઇસીએમઓ મશીન ઉપર મુકવામાં આવેલ. ઇસીએમઓ મશીન કે જેમાં હૃદય અને ફેફસાનો સંપુર્ણ કંટ્રોલ મશીન ઉપર લઇ લેવામાં આવે છે તેનાથી દર્દીની પરિસ્થિતિ સુધરી રહી હતી પરંતુ શરીરમાં એસીડનુ પ્રમાણ ભયજનક સ્થિતિમાં હતુ તે પરિસ્થિતિમાં સીઆરઆરટી મશીનની મદદ પણ લેવામાં આવી હતી. પાંચ દિવસની સઘન સારવારને અંતે દર્દી ભયજનક પરિસ્થિતિમાંથી બહાર આવી ગયેલ અને તેની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળેલ. બીજા પાંચ દિવસ બાદ દર્દીને ખુબ સારી પરિસ્થિતિમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ઇસીએમઓ અને સીઆરઆરટી જેવા અતિઆધુનીક સાધનોનો એક જ દર્દી ઉપર ઉપયોગ કરવામાં આવ્યો હોય અને જીવન બચાવવામાં સફળતા પ્રાપ્ત થઇ હોય તેવો આ પ્રથમ કેસ છે. ડો.તેજન મોતીવરસ એમ.ડી.મેડીસીન ઉપરાંત યુરોપીયન ડીપ્લોમા ઇન ઇન્ટેન્સીવ કેર મેડીસીન ક્રિટીકલ કેરમાં ઉચ્ચતમ પદવી ધરાવે છે. તેમણે હોંગકોંગ ખાતે આવેલ કવીન મેરી હોસ્પિટલમાંથી ઇસીએમઓની સર્ટીફાઇડ ટ્રેનીંગ પણ પ્રાપ્ત કરેલ છે અને ગોકુલ હોસ્પિટલ હાઇએસ્ટ કવોલીફાઇડ ઇસીએમઓ ટીમ દ્વારા મેનેજ કરવામાં આવતુ ઇસીએમઓ સેન્ટર તરીકે વિકસીત થયેલ છે.

દર્દીના સગા અને સ્નેહીઓ દ્વારા જણાવવામાં આવેલ કે, ગોકુલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ઇસીએમઓ સીઆરઆરટી અને અતિઆધુનીક સાધનો તથા ડોકટરોની સ્કીલના સમન્વયને કારણે દર્દીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી તેમણે ગોકુલ હોસ્પિટલ વિદ્યાનગરની ક્રીટીકલ કેર અને ઇસીએમઓ ટીમના ડો.તેજશ મોતીવરસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા, ડો.તેજશ કરમટા, ડો.તુષાર ભટ્ટી (કાર્ડીયોલોજીસ્ટ), ડો.પ્રિયંકા જાડેજા, ડો.હાર્દિક વેકરીયા અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

(11:30 am IST)