Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કેટરર્સવાળી કરીનાને કારણે સાજીદે ભાઇ મુસ્તાક અને મિત્ર સાથે મળી રઝાકને રહેંસી નાંખ્યોઃ ત્રણેય ઝડપાયા

શાસ્ત્રી મેદાનથી નજીક ગેલેકસી હોટેલ નીચે જવાહર રોડ પર સેંકડો લોકોની હાજરીમાં લોથ ઢળીઃ ઘટના સીસીટીવીમાં કેદ : સાજીદને કરીના સાથે પ્રેમ હોઇ તેના વિશે રઝાક દોઢેક મહિના પહેલા ખરાબ બોલતાં માથાકુટ થતાં રજાકે સાજીદને ધોલધપાટ કરી'તીઃ તેનો બદલો લેવા ઢાળી દેવાયોઃ વળતા હુમલામાં મુસ્તાકને રજાકના મિત્ર શાહરૂખે ચા હલાવવાના તાવીથાથી ફટકાર્યો : પહેલા રઝાકે રિક્ષામાંથી ઉતરી સાજીદને લાફો મારી લેતાં વાત વણસી અને હત્યા સુધી પહોંચી : બે હત્યારા સાજીદ અને મુસ્તાક મુળ અમરેલીના વતનીઃ બંને ઇમરાન સાથે અમરેલી તરફ ભાગે એ પહેલા ગોંડલ રોડ ચોકડીએથી પકડી લેવાયા : ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા અને કોન્સ. મહેશભાઇ મંઢ તથા હરદેવસિંહ રાણાની બાતમી પરથી પકડી લેવાયા

વધુ એક લોથ ઢળીઃ ભગવતીપરાના ભંગારના ધંધાર્થી રઝાક જૂણેજાને હોસ્પિટલે ખસેડાયો ત્યારે વિલાપ કરતાં સ્વજનો, રઝાકનો નિષ્પ્રાણ દેહ, તેના શોકમય પિતા યુસુફભાઇ જૂણેજા સહિતના સ્વજનો તથા નીેચની તસ્વીરમાં રઝાકનો ફાઇલ ફોટો અને સીસીટીવીનું દ્રશ્ય તથા આરોપીઓ સાજીદ, મુસ્તાકને ઝડી લેનાર ક્રાઇમ બ્રાંચની ટીમ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

ડીસીપી રવિકુમાર સૈની,એસીપી એસ.આર. ટંડેલ, પી.આઇ. એન. કે. જાડેજાએ આરોપીઓની વિગત આપી હતી ત્યારની તસ્વીર

રાજકોટ તા. ૨૩: શહેરમાં ગત સાંજે પાંચેક વાગ્યે શાસ્ત્રીમેદાન નજીક જવાહર રોડ પર ગેલેકસી હોટેલ નીચે મોમાઇ ટી સ્ટોલની નજીકમાં ભગવતીપરાના સંધી મુસ્લિમ યુવાન રજાક યુસુફભાઇ જૂણેજા (ઉ.૨૧)ને ભગવતીપરાના જ બે સગા ભાઇઓ સાજીદ રજાકભાઇ ભટ્ટી, મુસ્તાક રજાકભાઇ ભટ્ટી તથા તેના મિત્ર મોરબી રોડ ચામડીયા ખાટકીવાસમાં રહેતાં ઇમરાન મહેબુબભાઇ ભાડુલા (ઉ.૨૦) સાથે મળી છરીના ઘા ઝીંકી તેમજ રિક્ષાની કીકથી ફકટારી સરાજાહેર હત્યા નિપજાવતાં સનસનાટી મચી ગઇ હતી. હત્યાની આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતાં. ક્રાઇમ બ્રાંચની ટીમે ગણત્રીના કલાકોમાં ત્રણેય આરોપીઓ વતન ધારી તરફ ભાગી જાય એ પહેલા ગોંડલ રોડ ચોકડીએથી દબોચી લીધા હતાં. હત્યા પાછળ કેટરર્સવાળી કરીના કારણભુત બન્યાનું બહાર આવ્યું છે. સાજીદ કરીનાના પ્રેમમાં હતો, દોઢ-બે મહિના પહેલા રઝાક કરીના વિશે એલફેલ બોલ્યો હતો અને માથે જતાં સાજીદને મારકુટ કરી લીધી હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હોઇ વાત હત્યા સુધી પહોંચ્યાનું ખુલ્યું છે.

હત્યાની ઘટનામાં એ-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનેલા રઝાકના પિતા ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસે શિવ શકિત કરિયાણા પાસે રહેતાં અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે બીએમડબલ્યુના શો રૂમમાં નોકરી કરતાં યુસુફભાઇ જમાલભાઇ જૂણેજા  (ઉ.૫૦)ની ફરિયાદ પરથી સાજીદ, તેના ભાઇ મુસ્તાક અને મિત્ર ઇમરાન ખાટકી સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

યુસુફભાઇના કહેવા મુજબ તેને સંતાનમાં બે પુત્રી રૂબીનાબેન, શાયરાબેન તથા બે પુત્ર અબ્દુલ અને રઝાકમાં રઝાક સોૈથી નાનો અને કુંવારો હતો. તે ભંગારનો છુટક ધંધો કરતો હતો. સોમવારે સાંજે પોતે નોકરી પર હતાં ત્યારે લત્તામાં રહેતાં આરીફ જૂણાચે ફોન કરી રઝાકને છરી લાગી ગયાનું અને સિવિલ હોસ્પિટલે હોવાનું કહેતાં પોતે નવાગામ આવાસમાં પત્નિ ફરિદા હોઇ તેને તેડી દવાખાને જવા નીકળ્યા હતાં. રસ્તામાં દિકરી રૂબીનાએ ફોન કરી રઝાક ગુજરી ગયાનું અને લાશ પી.એમ. રૂમે લઇ ગયાનું જણાવ્યું હતું.

રઝાકને કોણે માર્યો? તે અંગે તેની સાથે  ઘટના વખતે હાજર તેના મિત્રો આરીફ હાસમભાઇ જૂણાચ તથા શાહરૂખ ઇશાકભાઇ સાંધને પુછતાં તેણે કહ્યું હતું કે રઝાક તથા આ બંને શાહરૂખની રિક્ષામાં બેસી ગેલેકસી હોટેલ મોમાઇ ટી સ્ટોલ ખાતે ચા પીવા સાંજે ગયા હતાં. ત્યારે કાળા કલરની રિક્ષા ૬૨૪૫માં ત્રણ જણા સાજીદ ભટ્ટી, તેનો ભાઇ મુસ્તાક ભટ્ટી તથા મિત્ર ઇમરાન આવ્યા હતાં અને રઝાકને ગાળો દેતાં ઝઘડો થયો હતો.

એ પછી મુસ્તાક અને સાજીદે રિક્ષામાંથી ઉતરી ગાળાગાળી કરી હતી. ત્યારે ઇમરાન રિક્ષામાં પાછળ બેઠો હતો, તે પણ નીચે ઉતર્યો હતો. સાજીદે નેફામાંથી છરી કાઢી રઝાકને વાંસામાં ઝીંકી દીધી હતી. ઇમરાન અને મુસ્તાકે તેને પકડી રાખ્યો હતો. એ પછી મુસ્તાક દોડીને રિક્ષામાંથી શીટ નીચેથી કિક લાવ્યો હતો અને રઝાકને વાંસામાં ફટકારી દીધી હતી. સાજીદ બીજો ઘા મારવા જતાં રઝાકે હાથ આડો રાખતાં હાથમાં ઇજા થઇ હતી. એ દરમિયાન શાહરૂખ બાજુની ચાની હોટેલમાંથી ચા હલાવવાનો તાવીથો લાવતાં  ત્રણેય જણા તું કેમ વચ્ચે પડ્યો, હવે તને પણ મારી નાંખવો છે કહી તેની પાછળ દોડતાં શાહરૂખ ભાગી ગયો હતો. આરીફ રઝાકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે લઇ ગયો હતો. પણ ડોકટરે રઝાકને મૃત જાહેર કર્યો હતો. આ મારામારીમાં શાહરૂખને પણ હાથની આંગળીમાં ઇજા થઇ હતી.

ઉપરોકત વાત યુસુફભાઇને રઝાકના મિત્રોએ જણાવી હતી. તેના આધારે પી.આઇ. એન. કે. જાડેજા, એએસઆરઇ રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, દિપકભાઇ રાઠોડ સહિતે ગુનો નોંધ્યો હતો. પોલીસે કિક, છરી તથા આરોપીઓના લોહીવાળા કપડા કબ્જે લીધા છે.

સામા પક્ષે મુસ્તાકની રઝાકના મિત્ર શાહરૂખ વિરૂધ્ધ ફરિયાદ

સામા પક્ષે આરોપી મુસ્તાક રઝાકભાઇ ભટ્ટી (પીંજારા) (ઉ.૨૩-રહે. ભગવતીપરા સ્વામિનારાયણ ડેરી સામે, મુળ લીલાનગર મફતીયાપરા સાવરકુંડલા રોડ, અમરેલી)ની  ફરિયાદ પરથી ભગવતીપરામાં રહેતાં શાહરૂખ ઇશાકભાઇ સાંધ સામે આઇપીસી૩૨૩, ૫૦૪, ૩૭ (૧) ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. મુસ્તાકે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ફેબ્રીકેશનનું કામ કરુ છું. અમે બે ભાઇઓ છીએ જેમાં હું મોટો છું. સાજીદ (ઉ.૧૯) નાનો છે. તે જીજે૦૩-૬૨૪૫ નંબરની રિક્ષા હંકારે છે. મારા પિતાજી હયાત નથી. માતાનું નામ કુલસુમબેન છે અને બહેનો રૂકશાના તથા રોઝના છે.

સોમવારે સાંજે હું તથા મારો ભાઇ સાજીદ રિક્ષા લઇ મોમાઇ હોટલે ચા પીવા જતાં હતાં ત્યારે રસ્તામાંથી ચામડીયા ખાટકીવાસમાં રહેતો મિત્ર ઇમરાન ખાટકી પણ સાથે બેઠો હતો. અમે મોમાઇ ચા પાસે પહોંચી અમારી રિક્ષામાં બેઠા હતાં ત્યારે ભગવતીપરાના રઝાક જૂણેજા અને શાહરૂખ તથા આરીફ પણ તેની રિક્ષા જીજે૩એયુ-૨૮૧૮ લઇને આવ્યા હતાં અને રઝાકે ઉતરીને મારા ભાઇ સાજીદને ઝાપટ મારી લેતાં ઝઘડો થતાં સામ-સામા આવી ગયા હતાં. જેમાં મને શાહરૂખે ચાવાળાનો મોટો તાવીથો લાવીને કોણી અને ખભા પર ઇજા કરી હતી. જેમાં રઝાકને છરી વાગી જતાં અમે ભાગી ગયા હતાં. ઇમરાન જુદો પડી ગયો હતો. હું અને મારો ભાઇ રિક્ષામાં ભાગ્યા હતાં. મારામારીમાં સાજીદે રઝાકને છરીના ઘા અને રિક્ષાની કિક માર્યા હતાં. મેં અને ઇમરાને રઝાકને પકડી રાખ્યો હતો. એ પછી ડીસીબી પોલીસે અમને પકડીને એ-ડિવીઝનમાં સોંંપ્યા હતાં.

મુસ્તાકે હત્યા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે મારા ભાઇ સાજીદને કેટરર્સવાળી છોકરી કરીના સાથે પ્રેમસંબંધ હતો. મારો ભાઇ કેટરર્સમાં રિક્ષા લોડીંગ કરવા જતો હોઇ તેની ઓળખાણ આ છોકરી સાથે થઇ હતી. દોઢ-બે મહિના પહેલા રઝાકે કરીના વિશે ખરાબ બોલતાં તેને અને સાજીદને માથાકુટ થતાં તેણે સાજીદને માર મારી લીધો હતો. ત્યારે અમે ફરિયાદ કરી નહોતી. એ મનદુઃખમાં સોમવારે સાંજે રઝાકે આવી પહેલા મારા ભાઇને લાફા મારી લેતાં બાદમાં મારામારી થઇ હતી અને તેમાં રઝાકની હત્યા થઇ હતી.

હત્યા કરી આરોપીઓ વતન અમરેલી તરફ ભાગી જવાની વેતરણમાં હોઇ તેની બાતમી ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, કોન્સ. મહેશભાઇ મંઢ અને હરદેવસિંહ રાણાને મળતાં  પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ એ.એસ. સોનારા, પીએઅસાઇ પી.એમ. ધાખડા, હેડકોન્સ. નિલેષભાઇ ડામોર, નિશાંતભાઇ પરમાર, અજીતસિંહ પરમાર તથા બાતમી મળી એ તમામ સહિતની ટીમે ત્રણેયને દબોચી લીધા હતાં.

(3:44 pm IST)
  • રતન ટાટા સામે ક્રિમીનલ પ્રોસીડીંગ્સ હાઈકોર્ટે રદ્દ કર્યા : તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટા, હાલના ચેરમેન એન. ચંદ્રશેખરન અને આઠ ડાયરેકટોરેટરો સામે નસલી વાડીઓએ દાખલ કરેલ બદનક્ષીની ફોજદારી કાર્યવાહીના પ્રોસીડીંગ્સ મુંબઈ હાઈકોર્ટે કવોસ - રદ્દ બાતલ કર્યા છે access_time 4:57 pm IST

  • વોશિંગ્ટન પોસ્ટનો હેવાલ : બે વર્ષમાં ટ્રમ્પ ૮૧૫૮ વખત જુઠૂં બોલ્યાઃ રોજ ૬ વખત લોકોને ગુમરાહ કરે છેઃ પ્રથમ વર્ષ રોજ ૬ વખત અને બીજા વર્ષે રોજ ૧૭ વખત જુઠા વાદાઓ કર્યાઃ કાશ્મીર પ્રશ્ને નરેન્દ્રભાઇને વિવાદમાં ઘસડયા પછી યુએસ વિદેશ ખાતાઓએ સ્પષ્ટતા કરવી પડી !! access_time 4:51 pm IST

  • જામનગરના સિક્કામાં જીએસએફસી દ્વારા દિવાલ બનાવતા ગ્રામજનોનો વિરોધ : ઘર્ષણ : સોમવારે ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, હુમલો થતા હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા access_time 5:47 pm IST