Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

મેયરના વોર્ડમાં કરોડોની વરસાદી પાણી નિકાલની પાઈપ લાઈન શોભાનો ગાંઠિયોઃ મનસુખ કાલરિયા

માત્ર ૧ થી ૨ ઈંચ વરસાદમાં વોર્ડ નં. ૧૦ની સોસાયટીઓમાં ગોંઠણબુડ પાણી ભરાયાઃ વિપક્ષી ઉપનેતાનો આક્રોશ

રાજકોટ, તા. ૨૨ :. મેયર બીનાબેન આચાર્ય જે વોર્ડમાં ચૂંટાયા છે તે વોર્ડ નં. ૧૦માં કરોડો રૂપિયાના ખર્ચે નાખેલી વરસાદી પાણી નિકાલની પાઈપ લાઈન (સ્ટોર્મ વોટર ડ્રેનેજ) શોભાનો ગાંઠિયો સાબિત થયાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના ઉપનેતા મનસુખ કાલરિયાએ કર્યો છે.ઙ્ગ

આ અંગે મનસુખ કાલરિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે મેયરશ્રીના મત વિસ્તાર એવા વોર્ડ નં. ૧૦ના સત્ય સાંઈ હોસ્પીટલ રોડ, મારૂતિ ચોક, મારૂતિ પાર્ક સોસાયટી, શિવ આરાધના, અલય રેસીડન્સ વગેરે વિસ્તારના મેઈન રોડ તથા શેરીઓમાં ગોઠણડુબ પાણી ભરાતા સોસાયટીવાસીઓ વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.

જયારે વરસાદ પડે ત્યારે બીગબજારની સામેનો વિસ્તાર, ૧પ૦ ફુટ રીંગ રોડ, નાનામવા સર્કલ, નાના મવા રોડ તરફના વિસ્તારો વગેરે ખૂબ મોટા સ્ત્રાવવિસ્તારમાંથી બધુ પાણી ચંદ્રપાર્ક મેઇન રોડ, તથા સત્યસાંઇ હોસ્પિટલ રોડ પરથી પસાર થાય છે. વાસ્તવમાં અગાઉ ભૂતકાળમાં અહીં વોંકળો હતો જે નવા બાંધકામોની આડેધડમંજુરીઓના કારણે પુરાઇ ગયેલ છે. ખૂબ મોટા જથ્થામાં આવતા પાણીના ના નિકાલ માટે તંત્ર દ્વારા બે વર્ષ પહેલા અહીં કરોડો રૂપિયાના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખેલ છે. છતાં વરસાદી પાણીની આ સમસ્યામાં બહુ ફરક પડેલ નથી.

સ્ટોર્મ વોટર ડ્રેનેજેમાં પાણી ઉતારવા માટે જાળીઓ છે, પરંતુ તેની ડિઝાઇન ભૂલ ભરેલી લાગે છે. જાળીઓ સાઇઝ, ડિઝાઇન એવી કે વરસાદી પાણી ડ્રેનેજમાં જવાના બદલે ઉપરથી વહી જાય છે એટલે કે ઓવર ટોપીંગ થઇ જાય છે. ઉપરાંત રોડની બંન્ને બાજુ મુકેલી જાળીઓ નવા બાંધકામના કારણે બંધ થઇ ગઇ છે.

મનસુખભાઇએ વધુમાં જણાવ્યું છે કે, સત્યસાંઇ રોડ ઉપર હોસ્પિટલ પાસે તથા મારૂતિ ચોકમાં મૂકવામાં આવેલ જાળીઓની સાઇઝ જરૂર કરતા નાની છે. વળી વરસાદ અગાઉ કે ચાલુ વરસાદે આ જાળીઓની સફાઇ થતી નથી જેથી કચરો ભરાઇ જવાથી પાણી પૂરતા પ્રમાણમાં અંદર ઉતરી શકતુ નથી.

આ ઉપરાંત મારૂતી પાર્ક અને શિવઆરાધના સોસાયટીની શેરીઓ કરતા મેઇન રોડ ઉચા છે. આ બધા કારણોસર થોડા વરસાદે પણ અહીં વધુ પાણી ભરાઇ છે. વરસાદી પાણીની આ સમસ્યાથી સ્થાનિકો તથા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. છતાં તેના નક્કર ઉકેલ માટેલ મેયશ્રી સહિતના ચૂંટાયેલા કોર્પોરેટરોને સહેજપણ લોકોની દરકાર નથી અને વિપક્ષ તરીકેની રજૂઆતોને 'નાટક' ગણી ઉપેક્ષા કરે છે તેમ વિપક્ષી ઉપનેતા તથા વોર્ડ નં.૧૦ના કોંગી કોર્પોરેટર મનસુખભાઇ કાલરીયાએ નિવેદનના અંતે જણાવ્યું છે.

(9:00 am IST)