Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શહિદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિઃ પૂષ્પવંદના

પ્રેમ મંદિર સામે ચંદ્રશેખર આઝાદ ઉદ્યાનમાં મોર્નિંગ વોકર્સ ફેમીલી દ્વારા શહિદ વંદના

રાજકોટ, તા. ૨૩ :. ભારત દેશને બ્રિટીશ શાસનની ચુંગાલમાંથી મુકિત અપાવવા માટે અનેક ક્રાંતિકારી યુવાનોએ પોતાની જાનની આહુતી આપી હતી. જેમાં શ્રી ચંદ્રશેખર આઝાદનું નામ પુરા સન્માનથી લેવાય છે. આજે શહિદ ચંદ્રશેખર આઝાદની જન્મ જયંતિ નિમિતે રાજકોટના કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે આવેલ ચંદ્રશેખર આઝાદ ઉદ્યાન ખાતે આવેલ શહિદ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને મોર્નિંગ વોકર્સ ફેમીલી દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને તેમની શહિદીની યાદ કરવામાં આવી હતી.

કાલાવડ રોડ પર આવેલ પ્રેમ મંદિર સામેના બગીચા ખાતે દરરોજ સવાર-સાંજ મોટી સંખ્યામાં શહેરીજનો આવે છે અને કુદરતી વાતાવરણનો લાભ લઈને આરોગ્યની સુખાકારી માટે કસરત અને વોકીંગ કરે છે અને અહીં મોર્નિંગ વોકર્સ ફેમીલી પણ બનાવવામાં આવ્યુ છે.

શહિદ ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્ય પ્રદેશના ભાવરા ખાતે તા. ૨૩-૭-૧૯૦૬ના રોજ થયો હતો. તેઓના માતાનું નામ શ્રીમતિ જગરાણી દેવી અને પિતાનું નામ શ્રી સીતારામ તિવારી હતું. ચંદ્રશેખર આઝાદે મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ ખાતે અભ્યાસ કર્યો હતો.

પૂ. મહાત્મા ગાંધીએ ૧૯૨૧માં આંદોલનની જાહેરાત કરી ત્યારે ભારત માતાના આ સપૂતે માત્ર ૧૫ વર્ષની વયે વિદ્યાર્થી અવસ્થામાં જ ઝંપલાવવામાં આવ્યુ હતું. બ્રિટીશ સરકાર દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે તેઓનું નામ પૂછતા પોતાનું નામ આઝાદ, પિતાનું સ્વતંત્ર અને રહેવાસી જેલ જણાવ્યુ હતું ત્યારથી ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાવા લાગ્યા હતા. મેજીસ્ટ્રેટે તેઓને ૧૫ કોરડાની સજા ફટકારી ત્યારે દરેક કોરડે તેઓએ ભારત માતાની જયના નાદ લગાવ્યા હતા.

તા. ૨૭-૨-૧૯૩૧ના અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં એક ક્રાંતિકારી મિત્રને ચંદ્રશેખર આઝાદ મળવા ગયા હતા ત્યારે બ્રિટીશ પોલીસ તેને ઓળખી જતા ઘેરી લીધા હતા અને એકબાજુ એકલા ચંદ્રશેખર આઝાદ બીજી બાજુ સંખ્યાબંધ હથીયારધારી બ્રિટીશ પોલીસ. આઝાદે એક ઝાડની ઓથે જીવનનું છેલ્લુ યુદ્ધ આરંભ્યું અને સામસામા ગોળીબાર થયા આ દરમિયાન ચંદ્રશેખર આઝાદે પોતાની આ છેલ્લી લડતમાં ૩ બ્રિટીશ પોલીસને મોતને ઘાટ ઉતારી દીધા. છેવટે જીવતા જીવે કયારે બ્રિટીશરોને હાથે પકડાઈશ નહી તેવી પ્રતિજ્ઞા લેનાર ચંદ્રશેખર આઝાદે પોતાની પાસે રહેલ બંદુકમાંથી ક્રાંતિકારી જીવનનો અંત આણ્યો હતો.

ચંદ્રશેખર આઝાદે ૨૪ વર્ષ, ૭ મહિના અને ૪ દિવસનું અલ્પ આયુષ્ય નહિ પરંતુ અમાપ આયુષ્ય લઈને કુરબાની આપી દીધી હતી. આવા મહાન ક્રાંતિકારી તથા બીજા ક્રાંતિકારીઓની કુરબાનીના કારણે આપણે આઝાદીના મીઠા ફળ ખાઈએ છીએ.

(4:02 pm IST)