Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

રૂ.૧૫ લાખના ચેક રીટર્ન કેસમાં શિવમ ટુલ્સના માલીકને ૧ વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ

૬૦ દિવસમાં ૧૫ લાખ ન ચુકવે તો આરોપીને વધુ છ માસની વધુ સજા

રાજકોટ તા.૨૩: અગાઉ ૧ કરોડ ૩૮ લાખના ચેક રીટર્નના ત્રણ કેસોમાં બે-બે વર્ષની સજા સાથે ર કરોડ ૭૪ લાખનો દંડ ફટકારવામાં આવેલ, જે કેસોમાં જેલવાસ ભોગવી આવેલા શીવમ મશીન ટુલ્સના માલીક મહેશ શીવાભાઇ ટીલારાને ફરી ૧૫ લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા સાથે ૧૫ લાખ ફરીયાદીને ૬૦ દિવસમાં વળતર સ્વરૂપે ચુકવવા અને તેમા કસુર કર્યે તો વધુ છ માસની સજા ફરમાવતો ચુકાદો રાજકોટના એડી.ચીફ. જયુડી.મેજી. શ્રે એચ.એસ.દવે એ ફરમાવતા કોર્ટ પરીસરમાં સન્નાટો ફેલાઇ ગયો હતો અને ચેક રીટર્ન કેસમાં આરોપીઓ વિરૂધ્ધ લાલબતી સમાન ચુકાદો ફરમાવતા આરોપીઓમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

 

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટમાં મવડી પ્લોટમાં પટેલ બોડીંગની બાજુમાં સરદાર નગરમાં રહેતા અને અટીકા ઇન્ડસ્ટ્રીટ એરીયામાં શિવમ મશીન ટુલ્સના નામે કારખાનું ધરાવતા આરોપી મહેશભાઇ શીવાભાઇ ટીલારાએ પોતાના ધંધા ઉપરાંત પોતાના ફાઇનાઇન્સમાં રકમની જરૂરીયાત અન્વયે મશીન ટુલ્સના ધંધા સાથે સંકળાયેલ અને યુનિવર્સિટી રોડ પર રહેતા ફરીયાદી લલીતભાઇ તારાચંદ્રભાઇ શાહ પાસેથી સંબંધના દાવે રૂપિયા ૧૫ લાખ મેળવી પહોંચ લખી આપી વહેલામાં વહેલી તકે વળતર સાથે રકમ પરત કરવા વચન આપી રકમ ચુકવવા ચેક ઇસ્યુ કરી આપી ચેક રીટર્ન થશે નહી, તેવા વાયદા આપી આપેલ વચન વાયદાનું ભંગ કરી ચેક પાસ થવા ન દઇ ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગુનો આચરતા રાજકોટની અદાલતમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવેલ.

ફરીયાદપક્ષ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેની ફરીયાદ પુરવાર કરવામાં સફળ રહેલ હોય અને તેનું ખંડન કરવામાં આરોપી નિષ્ફળ ગયેલ હોય, જેથી આરોપીને તકસીરવાન ઠરાવી સમાજમાં દાખલો બેસાડવો જરૂરી બની જાય છે, જેથી આરોપીને એક વર્ષની સજા અને ચેકની રકમ રૂ. ૧૫ લાખ ૬૦ દિવસમાં ફરીયાદીને વળતર સ્વરૂપે ચુકવવા અને તેમાં કસુર કર્યે વધુ છ માસની સજા ફરમાવતો હુકમ રાજકોટના મહે. એડી. ચીફ. જયુડી. મેજી. સાહેબે ફરમાવેલ છે.

ઉપરોકત કામે ફરીયાદી લલીતભાઇ શાહ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, કરણ ડાભી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી રોકાયેલા હતા. (૧.૨૭)

(3:57 pm IST)