Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઓવરટેક કરવા બાબતે વડોદના કેટરર્સના ધંધાર્થી હરેશભાઇ ચાવડાને માર માર્યો

હરેશભાઇ કારીગરને પૈસા આપવા રાજકોટ આવ્યાં'તા : પાંચ શખ્સો રૂ.૧ લાખ લૂંટી ગયાનો આક્ષેપઃ CCTV ફૂટેજના આધારે તપાસ

રાજકોટ તા.૨૩: એસી ફુટ રોડ પુલ પાસે ઓવરટેક કરવા બાબતે બાઇક પર જઇ રહેલા પાંચ શખ્સોએ માથાકુટ કરી વડોદના કેટરર્સના ધંધાર્થીને માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પાંચ શખ્સોએ ક્રાઇમબ્રાંચના માણસો હોવાની ઓળખ આપી ૧ લાખ લૂંટી ગયાનો આક્ષેપ કરતા થોરાળા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે.

મળતી વિગત મુજબ જસદણના વડોદ ગામમાં હાલ રાજકોટ કાલાવડ રોડ પર રંગોલી હોટલ સામે ભાડે રહેતા હરેશભાઇ ખીમાભાઇ ચાવડા (ઉ.વ.૩૦) રાત્રે પોતાની ઇકો કાર લઇને તેના કારીગર ઇમરાનને પૈસા આપવાના હોઇ તેથી બસ સ્ટેન્ડે પૈસા આપવા માટે જતા હતા ત્યારે એંસી ફુટ રોડ પર હયુન્ડાઇના શોરૂમ પાસે ત્રણ બાઇક સવાર પાંચ શખ્સો જઇ રહયાં હતાં ત્યારે હરેશભાઇએ ઓવરટેક કરવા માટે હોર્ન વગાડતા બાઇક પરના પાંચેય શખ્સોએ કારને રોકી ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો. બાદ હરેશભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

હોસ્પિટલના બીછાને હરેશભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, પોતે કેટરર્સનો વ્યવસાય કરે છે. રાત્રે પોતાની કાર લઇને કારીગરને પૈસા આપવા જતો હતો ત્યારે બાઇક સવાર પાંચ શખ્સોએ મને રોકી ક્રાઇમ બ્રાંચના માણસો હોવાની ઓળખ આપી માર મારી રૂ. ૧ લાખ પડાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. બનાવીની જાણ થતાં થોરાળા પોલીસ મથકના એેએસઆઇ મગનભાઇએ આ બનાવ ખરેખર લૂંટનો છે કે કેમ તે માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી છે. (૧.૩૦)

(3:46 pm IST)