Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

હમારી માંગે પૂરી કરો...

રાજકોટમાં ટ્રાન્સપોર્ટરોની મૌન રેલીઃ હાઈ-વે ચક્કાજામની ચિમકી

જીલ્લાના ૩૦૦થી વધુ ટ્રકોનાં પૈડા થંભેલાઃ બટેટા સહિતની જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની તંગી : કાળાબજાર થવા લાગ્યા : દેશવ્યાપી ટ્રક હડતાલ ચોથા દિવસમાં પ્રવેશી : ઈ-વે બીલ, સરકારની જટીલ પ્રક્રિયામાં સરળતા સહિતના પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા કલેકટરને આવેદન પાઠવતા ટ્રાન્સપોર્ટ એસો.ના હસુભાઈ ભગદેવ-પરમરાજસિંહ રાણા સહિતના આગેવાનો

ટ્રાન્સપોર્ટરો દ્વારા ત્રિકોણબાગથી મૌન રેલી યોજી કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું તે વખતની તસ્વીરમાં ટ્રાન્સપોર્ટ એસો.ના હસુભાઈ ભગદેવ, શાન્તુભાઈ રૂપારેલીયા વગેરે દર્શાય છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ર૩ :.  દેશ વ્યાપી ટ્રક હડતાલ આજે ચોથા દિવસમાં પ્રવેશી છે. ત્યારે દેશભરમાં આ ટ્રક હડતાલની માઠી અસર જનજીવન ઉપર પડવા લાગી છે. દરમિયાન આજે રાજકોટ જીલ્લાનાં ટ્રાન્સપોર્ટરોએ મૌન રેલી યોજી કલેકટરશ્રીને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી અને ટ્રાન્સપોર્ટરોના પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી હતી અને આ આવેદનપત્રમાં હાઈવે પર ચક્કાજામની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના અગ્રણી હસુભાઇ ભગદેવ (જલારામ ટ્રાન્સપોર્ટ)નાં જણાવ્યા મુજબ આજે ૧૧ વાગ્યે ત્રિકોણબાગ ખાતે ટ્રાન્સપોર્ટરો એકત્રીત થઇ અને ત્યાંથી મૌન રેલી યોજી અને કલેકટર કચેરીએ કૂચ કરી જીલ્લા કલેકટરશ્રી મારફત સરકારશ્રીને આવેદન પત્ર પાઠવીને ટ્રાન્સપોર્ટરોના પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવી હતી. આ આવેદનપત્રમાં જણાવાયુ હતુ કે ૨૦મીથી દેશવ્યાપી ટ્રક હડતાલ ચાલુ છે ત્યારે રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટ એસોસીએશનની સૂચના અનુસાર રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પેટ્રોલીયમ પેદાશ, શાકભાજી, દવા અને દૂધ વગેરેના વાહનોને મુકિત આપી, બાકી અન્ય માલ પરિવહન વાહનોનો ગમે તે સ્થળે, ગમે તે સમયે હાઈ-વે ઉપર ચક્કાજામ કરાશે.

આ ચક્કાજામમા જોડાવા માટે રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો.ના સભ્યો તમામ વાહન ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવટથી પોતાનું વાહન ન ચલાવવા માટે અપીલ કરશે. સરકારશ્રીને અનેકો રજૂઆતો કરી કોઈ પણ જવાબ ન મળતા હડતાલમાં જવુ એ માત્ર છેલ્લો ઉકેલ હતો. આ બંધ

દરમિયાન કોઈ અસામાજિક તત્વો રસ્તા પર જાનમાલને નુકશાન કરે તો આ વાત ટ્રાન્સપોર્ટર સાથે ના જોડવી કારણ કે રાજકોટ ગુડસ ટ્રાન્સપોર્ટ એસો. માત્ર શાંતિપૂર્ણ રીતે અને સમજાવટથી પોતાની લડત ચાલુ રાખવાનો પ્રયાસ કરશે. આ ઉપરોકત દેશવ્યાપી ચક્કાજામને સમર્થન આપવા માટે રાજકોટના તમામ ટ્રક-ટેમ્પો ટ્રાન્સપોર્ટર સંચાલકો સ્વયંભુ પોતાના વ્યવસાય બંધ રાખશે અને ઓલ ઈન્ડીયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા જ્યારે હડતાલ પૂર્ણ થયાની જાહેરાત થાય બાદ જ સામાન્ય કાર્યો કરશે.

આવેદન પત્રમાં ટ્રાન્સપોર્ટરોએ માંગ ઉઠાવી છે કે (૧) ડીઝલની કિંમતોમાં ઘટાડો તેમજ દરેક રાજ્યમાં સમાન કિંમત અને રોજેરોજ ભાવફેરને બદલે ત્રિમાસિક ધોરણે ભાવની સમીક્ષા (૨) ટોલ બેરીયર ફ્રી ભારત, સરકારશ્રીને એડવાન્સ ટોલ ફ્રી આપી ટોલ બેરીયર મુકત રસ્તા, (૩) થર્ડ પાર્ટી પ્રિમીયમ માં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પાર જીએસટી નાબુદી, (૪) ટ્રાન્સપોર્ટ ભાડા પર ટીડીએસ નાબુદી ઈન્કમટેક્ષના અધિનિયમ ધારા ૪૪ એઈમાં અનુમાનીત આવકમાં તર્કસંગત ઘટાડો અને ઈ-વે બીલમાં પડતી તકલીફની સમીક્ષા, (૫) બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ આપવી વગેરે માંગણીઓ ઉઠાવાઈ છે. 

આમ આજે ટ્રક હડતાલનાં ચોથા દિવસે રાજકોટ શહેર જીલ્લાનાં ૩૦૦ થી વધુ ટ્રકોના પૈડા થંભેલા રહ્યા હતા.

દરમિયાન બટેટા સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓની તંગી સર્જાઇ રહી છે અને બટેટાનાં ભાવો રૂ. ર૭ થી ર૮નાં કિલો લેખે કાળા બજાર થવા લાગ્યા છે.

ટ્રાન્સપોર્ટરો સાથે સમાધાન કરી હડતાલ પૂર્ણ કરાવોઃ ચેમ્બરની સરકારને રજૂઆત

રાજકોટ, તા. ૨૩ :. અત્રેની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી પાસે રાજકોટ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશનની આવેલ રજૂઆત મુજબ અખીલ ભારતીય ટ્રાન્સપોર્ટ સંગઠન દ્વારા ટ્રાન્સપોટર્સની માંગણી સરકાર દ્વારા ન સ્વિકારાતા તા. ૨૦થી દેશના ટ્રાન્સપોટર્સ અનિશ્ચિત મુદતની હડતાલ પર ગયેલ છે. આ હડતાલની પડનાર ગંભીર અસરો ધ્યાનમાં લઈ ટ્રાન્સપોર્ટ હડતાલનો તુરંત નિરાકરણની, આ વશ્યકતા અંગે કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈ-વે મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાત રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુ અને રાજ્ય કક્ષાના ટ્રાન્સપોર્ટ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સમક્ષ ચેમ્બરે રજુઆત કરી છે.

રાજકોટ ચેમ્બરે રોડ-ટ્રાન્સપોટર્સ દ્વારા જીવન જરૂરી એવી ચીજવસ્તુઓનું દેશના એક ભાગથી બીજા ભાગના શહેરો અને ગામડાઓના જોડાણ કરતું પરિવહન આસાન અને સરળતાથી મળી રહે છે. આથી જરૂરી ચીજવસ્તુની અછત સર્જાતી નથી અને ભાવ નિયંત્રણમાં રહે છે પરંતુ આ હડતાલ જો થોડા સમય પણ લંબાશે તો આમ પ્રજાને ઘણી જ મુશ્કેલીઓ-પરેશાની ભોગવવી પડશે તે બાબત મંત્રીશ્રીઓના ધ્યાન ઉપર મુકેલ છે.

વધુમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દ્વારા સેવાઓની કામગીરી પણ નિભાવવામાં આવે છે. જેમા ડ્રાઈવર-કલીનર અને મજુરો જેવા સામાન્ય વર્ગને રોજગારી પુરી પાડે છે અને ટ્રક સંચાલકો-ટ્રક ચાલકોને રોડ ઉપર પરીવહન દરમ્યાન પોલીસતંત્ર/ આર.ટી.ઓ. અને વિવિધ ટેક્ષ એજન્સીઓ દ્વારા બીનજરૂરી હેરાનગતિનો ભોગ બનવું પડે છે ત્યારે ટ્રાન્સપોર્ટસ એસોસીએશનની માંગ મુજબ ડીઝલ, વિમા, ઓટોપાર્ટસ અને જીએસટીની જટીલ કાર્યવાહી, દર વગેરે બાબત સરકારે ટ્રાન્સપોર્ટ સંગઠન સાથે તુરત પરામર્શ કરી સર્વ માન્ય એવો ઉકેલ પ્રજાહીતમાં લાવવા ત્વરીત કાર્યવાહી કરવા કેન્દ્ર અને રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રીઓને ભારપૂર્વક અનુરોધ કરેલ છે તેમ રાજકોટ ચેમ્બરની યાદીમાં જણાવ્યુ છે.

(3:31 pm IST)