Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

કૌભાંડોની 'મેરેથોન'!

કોર્પોરેશનના વાહન ભાડામાં અર્ધા લાખનો કડદો ઝડપી લેતા ઉદય કાનગડ

મેરેથોન દોડમાં એકટીવા, ઇલેકટ્રીક સ્કુટર અને રિક્ષાને ઇનોવા કારમાં ખપાવી હજારોના બીલ મંજુર કરાવી લેવાયા : સ્ટેન્ડીંગ ચેરમેને ભાંડો ફોડયો : હવે છેલ્લા બે વર્ષના વાહન ભાડા બીલની તપાસનાં આદેશો : જવાબદારો સામે પગલા લેવાશે

રાજકોટ,તા.૨૩: નવનિયુકત સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે બે દિવસ અગાઉ મેરેથોન દોડમાં સેફટીપીન અને મંડપનાં બીલોમાં લાખોનો કડદો થયાની શંકાએ મેરેનોનનાં તમામ બિલોની ઉંડી તપાસ કરાવતા વધુ એક વાહનોનાં ભાડાનું અડધા લાખથી વધુનું કોંભાંડ બહાર આવ્યુ છે.જેમાં ટુ વ્હીલર અને રીક્ષાને મોટરકારમાં ખપાવીને હજારોનાં બીલ મંજુર કરાવી લેવાયાના જબરૂ કારસ્તાન ખુલતા કોર્પોરેશનનાં વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતુ કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી માસમાં મેરેથોન દોડ સ્પર્ધાનું અયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધાનો વિવિધ પ્રકારનો કુલ ૯૦ લાખનો ખર્ચો મંજુર કરવામાં માટે સ્ટેન્ડિગ કમિટિમાં દરખાસ્ત આવી હતી પરંતુ આ ૯૦ લાખ પૈકી સેફટીપીન,મંડપ ખર્ચ અને વાહન ભાડા ખર્ચ જેવા  ખર્ચાઓમાં શંકાસ્પદ આંકડાઓ જોવા મળતા સ્ટેન્ડિગ કમિટિએ દરખાસ્ત પેન્ડિગ રાખી અને તમામ બિલોની ઉંડી તપાસ ઓડિટર મારફત શરૂ કરાવી હતી.

શ્રી કાનગડે જણાવ્યુ હતુ કે, ઓડિટરની તપાસમાં મેરેથોન દોડ દરમિયાન કોર્પોરશેનને ઇનોવા એસી કાર ભાડે આપનાર શ્રી રામકૃપા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ  દ્વારા વાહન ભાડા માટે અપાયેલ ૯૦ હજારના બીલમાં ૪ વાહનોનાં જે નંબર દર્શાવાયા હતા તેની આરટીઓમાં તપાાસ કરવામાં આવતા આ ચાર વાહનો પૈકી એક વાહનનો નંબર રજીસ્ટર નહિ  હોવાનું ,એક વાહન ઇલેકટ્રીક સ્કુટર હોવાનું, એક ઝેન મોટર કારનો, એક એકટીવા સ્કુટરનો  અથવા રીક્ષાનો હોવાનો ખુલ્યુ હતુ.

આમ, મેરેથોન દોડમાં વાહન ભાડાના બીલોમાં કુલ ૩૫૦૦૦થી વધુનું કડદો થયાનું ઓડીટરની તપાસમાં ખુલતા હવે કોર્પોરેશનનાં તમામ વિભાગોમાં અપાતા વાહન ભાડાના છેલ્લા બે વર્ષનાં બીલોની ઉંડી તપાસ હાથ ધરવા તેમજ આ કોૈભાંડમાં સામેલ જવાબદારો સામે ફોજદારી સહિતનાં કડક પગલા લેવા મ્યુનિ.કમિશ્નરને સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન ઉદય કાનગડે પત્ર લખ્યો છે.(૨૮.૪)

રાજકોટમાં મેરેથોન દોડ બંધ  નહિ થાયઃ ઉદય કાનગડ

રાજકોટઃ મેરેથોન દોડનાં ખર્ચ બાબતે સ્ટેન્ડિગ કમિટિએ તપાસ શરૂ કરાવતા તેમાં અનેક કડદાઓ ખુલ્લી રહ્યા છે ત્યારે આવતા વર્ષે મેરેથોન દોડ બંધ થઇ જશે તેવુ નોટીંગ અધિકારીઓ દ્વારા ફાઇલમાં કરવામાં આવ્યુ હતુ. પરંતુ હવે પછી મેરેથોન દોડ યોજાશે અને તેનો ખર્ચના હિસાબ માટે ખાસ કમિટિ બનાવી પારદર્શક રીતે જાહેર જનતા માટે જાહેર થાય તે પ્રકારની વ્યવસ્થા સાથે આવતા વર્ષે મેરેથોન દોડ યોજાશે અને મેરેથોન દોડ બંધ નહિ થાય તેમ સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે ભારપુર્વક જાહેર કર્યુ હતુ.

(3:31 pm IST)