Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઉત્તર એમપી-દિલ્હી તરફ સિસ્ટમ્સની ગતિઃ ગુજરાતના રાજસ્થાન-એમપી બોર્ડરના જિલ્લાઓને વરસાદનો લાભ મળશે

આજથી સૌરાષ્ટ્ર - કચ્છ અને બાકીના વિસ્તારમાં ઝાપટાથી હળવો અને કોઈ - કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડશે : જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની ૨૭મીના શુક્રવાર સુધીની આગાહી

રાજકોટ, તા. ૨૩ : બંગાળની ખાડીવાળી સિસ્ટમ્સ ઉત્તર એમપી અને દિલ્હી તરફ ગતિ કરી રહી હોય હાલના અનુમાનો મુજબ ગુજરાતના રાજસ્થાન, એમપી બોર્ડરના જીલ્લાઓને વરસાદનો લાભ મળશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને બાકીના વિસ્તારોમાં ઝાપટાથી હળવો અને કોઈ - કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે બે દિવસ પહેલા બંગાળની ખાડીમાં ડિપ્રેશન સિસ્ટમ હતી જે આજે નોર્થ ઈસ્ટ એમપીને લાગુ નોર્થ વેસ્ટ ઝારખંડ આસપાસ છે. તેને આનુસંગિક સાયકલોનીક સરકયુલેશન ૫.૮ કિ.મી.ની ઉંચાઈ સુધી છે અને તે મુખ્યત્વે વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂકાવ છે. સિસ્ટમના વાદળા સામાન્ય રીતે સિસ્ટમથી પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમે હોય આ સિસ્ટમ આવતા બે-એક દિવસમાં નોર્થ એમપી લાગુ યુપી, લાગુ દિલ્હી આસપાસ પહોંચશે. જેનું અપરએર સાયકલોનીક સરકયુલેશન આ સિસ્ટમથી દક્ષિણે રહેશે.

તા.૨૩થી ૨૭ જુલાઈ સુધીની આગાહી કરતા અશોકભાઈ જણાવે છે કે આ સિસ્ટમનો લાભ બોર્ડર વિસ્તાર રાજસ્થાન અને એમપી બોર્ડર વિસ્તારમાં રહેશે. દક્ષિણ ગુજરાત તેમજ રાજસ્થાન ગુજરાત બોર્ડરના જિલ્લાઓ, એમપી ગુજરાત બોર્ડરના જિલ્લાઓમાં ૫૦ થી ૮૦ મીમી આ બધા જીલ્લાઓની બાજુના જિલ્લામાં ૨૫ થી ૫૦ મી.મી., સૌરાષ્ટ્ર-કચ્છ અને બાકીના વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો તેમજ કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડશે.

ચોમાસુધરી હાલમાં બીકાનેર, જયપુર, ગ્વાલિયર ત્યાંથી લોપ્રેશરનું સેન્ટર અને ત્યાંથી નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી સુધી લંબાય છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન ઉપર એક અપરએર સાયકલોનીક સરકયુલશેન ૧.૫ કિ.મી.ની લેવલનું છે.

હાલમાં ૩.૧ કિ.મી.ના લેવલમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘણા વિસ્તારોમાં ભેજનું પ્રમાણ ઓછુ થયુ છે.

(3:29 pm IST)