Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

શુક્રવારે જૈનોની મોટી ચૌમાસી પાખીઃ ધર્મ સ્થાનકોમાં પ્રાર્થના, પ્રવચન, પૌષધ, પ્રતિક્રમણ સહિત ધર્મભીના આયોજનો

  રાજકોટઃ એકદમ સરળ ભાષામાં કહીએ તો અઠવાડિયે આવે તે આઠમ,દર પંદર દિવસે એટલે કે પખવાડીએ આવે તે પાખી અને ચાર મહીને જે આવે તે ચૌમાસી પાખી.એક વર્ષમાં કુલ ૨૪ આઠમ અને ૨૪ પાખી આવે છે તેમાં ૩ ચૌમાસી પાખીનો સમાવેશ થઈ જાય છે.

જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે અષાઢ સુદ પૂનમ, કારતક સુદ પૂનમ અને ફાગણ સુદ પૂનમ આ ત્રણની મોટી પાખીમાં ગણના થાય છે.જ્ઞાની ભગવંતોએ પર્વનું અનેરૂ મહત્વ બતાવ્યું છે. કોઈ પણ જીવાત્માના આયુષ્યનો બંધ તેના કુલ આયુષ્યના ત્રીજા ભાગે પડે છે.જીવનું આયુષ્ય કેટલું છે તે છદ્મસ્થો એટલે કે આપણે અજ્ઞાનીઓ જાણી શકતાં નથી,પરંતુ જ્ઞાનીઓની ગણતરી મુજબ પ્રાય  કરીને આયુષ્યનો બંધ પર્વના દિવસોમાં પડે છે. બીજ,પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પૂનમ અનુભવીઓ આ દિવસોને ભારે દિવસો પણ કહે છે.

અષાઢી પૂનમ, ચૌમાસી પાખીનું જયાં પ્રતિક્રમણ કર્યું હોય ત્યાં  પૂ.સાધુ - સાધ્વીજીઓને ચાતુર્માસ કલ્પ એટલે કે વર્ષાકાલ વ્યતિત કરવાનો હોય છે.ચૌમાસી પાખીના પવિત્ર દિવસોમાં વધારેમાં વધારે સમય ધર્મ ધ્યાનમાં રત રહેવું, આર્ત  ધ્યાન - રોદ્ર ધ્યાનથી આત્માને દૂર રાખવો. શુભ ભાવમાં આયુષ્યનો બંધ પડે તો શુભ ગતિનું આયુષ્ય બંધાય છે.

ચૌમાસી પાખીના પાવન દિવસે અનેક હળુ કર્મી આત્માઓ પરીપૂર્ણ પૌષધ કરશે, તપસ્વીઓ ઉપવાસ, આયંબિલ જેવા નાના - મોટા તપથી આત્માને ભાવિત કરશે. દરેક ભાગ્યશાળીઓ અનુકૂળતા મુજબ પ્રાર્થના,પ્રવચન-પ્રતિક્રમણ,પૌષધમાં જોડાઈ આત્માને કર્મથી હળવો ફૂલ બનાવશે (૪૦.૩)

(12:21 pm IST)