Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ટ્રાન્‍સપોર્ટ હડતાલને પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમામ જણસીઓની આવકો બંધ કરાઇઃ કરોડોનું ટર્નઓવર ઠપ્‍પ

માલની હેરફેર ન થતા વેપારીઓએ ખરીદી બંધ કરતા કમીશન એજન્‍ટ એસોસીએશનનો નિર્ણયઃ ટ્રાન્‍સપોર્ટ હડતાલનો નિવેડો ન આવે ત્‍યાં સુધી યાર્ડ બંધ રહેશેઃ ખેડુતોને માલ ન લાવવા અપીલ

રાજકોટ, તા., ર૩:  ટ્રાન્‍સપોર્ટ હડતાલને કારણે  રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં આજથી તમામ જણસીઓની આવકો બંધ કરાઇ છે. ટ્રાન્‍સપોર્ટ પુર્ણ ન થાય ત્‍યાં સુધી યાર્ડ પણ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે. યાર્ડમાં હરરાજી બંધ રહેતા કરોડોનું ટર્નઓવર અટકી ગયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટ્રાન્‍સપોર્ટ એસોસીએશન દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે ૪ દિ'થી હડતાલ ચાલી રહી છે. આ ટ્રાન્‍સપોર્ટ  હડતાલની અસર માર્કેટ યાર્ડમાં પણ થઇ હતી. હડતાલને પગલે મગફળીની ખરીદી તો બંધ જ થઇ ગઇ હતી. સાથે સાથે અન્‍ય જણસીઓની ખરીદી વેપારીઓએ બંધ કરતા કમીશન એજન્‍ટ એસોસીએશને તમામ જણસીની આવકો બંધ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ અંગે માર્કેટ યાર્ડના સતાધીશોએ લેખીતમાં જાણ કરી હતી.

કમીશન એજન્‍ટ એસોસીએશનના  પ્રમુખ  અતુલ કામાણીના જણાવ્‍યા મુજબ ટ્રાન્‍સપોર્ટ હડતાલને કારણે યાર્ડમાં વેપારીઓએ ખરીદી બંધ કરી દીધી છે. ખેડુતો માલ લઇને આવે તો તેની હરરાજી થઇ શકતી નથી. ચોમાસાના કારણે આ માલ પડતર રહે તો બગડી જાય જેના કારણે જયાં સુધી ટ્રાન્‍સપોર્ટ હડતાલનો નિવેડો ન આવે ત્‍યાં સુધી યાર્ડમાં તમામ જણસીઓની આવકો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.  ખેડુતોને માલ ન લાવવા અપીલ છે.

ટ્રાન્‍સપોર્ટ હડતાલના પગલે બેડી માર્કેટ યાર્ડને અચોક્કસ મુદત સુધી બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્‍પ થઇ ગયું છે.

(11:49 am IST)