Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

દેશી બનાવટની પિસ્તોલ કારતુસ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા.૨૨: ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ તથા કારતુસ રાખવાના ગુન્હામાં બે આરોપીઓ નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે કરણ દડુભાઇ કાઠી રહે.રૂખડિયા કોલોની રાજકોટ વાળાને એસ.ઓે.જી પોલીસ સ્ટેશનના અધિકારીએ કોઇ પરવાના કે આધાર વગર ગેરકાયદેસર પોતાના ઘરમાં દેશી બનાવડની પિસ્તોલ તથા કારતુસ સાથે મળી આવતા અટક કરેલ અને આ હથિયાર કરણ કાઠીએ જંગલેશ્વરના ઇમરાન અનિશભાઇ શેખ પાસેથી લીધેલ હોવાનું સ્વીકારતા બન્ને આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટની કલમ ૨૫(૧–બી) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ અને તપાસના અંતે ચાર્જસીટ કરવામાં આવેલ હતું આ કામમાં તમામ પોલીસ સાહેદો તથા પંચો વિગેરેને પ્રોસીકયુસન દ્વારા તપાસવામાં આવેલ. સદરહુ કેસમાં ફરિયાદો પક્ષ તેનો કેસ શંકાથી પર પુરવાર કરી શકેલ નથી તેમજ પોલીસ સાહેદો સિવાય અન્ય કોઇ સાહેદોના પોલીસ અધિકારી દ્વારા કોઇ સ્વતંત્ર સાહેદોના નિવેદન લીધેલ નથી. પોલીસ તપાસના કાગળો, સાહેદોની જુબાની અને કાયદાકીય પરિસ્થિતિને લક્ષમાં લઇ કોર્ટ એવા નિર્ણય પર આવેલ કે આર્મ્સ એકટની જોગવાઇ અનુસાર ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીને હથિયાર મોકલવામાં આવેલ હોય અને તે હથિયાર તપાસી પરવાનગી આપેલ હોય તેવી કોઇ વિગતો રેકર્ડ ઉપર જોવા મળતી નથી, જે તમામ હકીકતોને લક્ષમાં લઇ કરણ દડુભાઇ તથા ઇમરાન અનિશભાઇ શેખને આર્મ્સને એકટના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી કોર્ટ દ્વારા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ દરજજે ગૌતમ કે.ચાવડા, અશોકભાઇ ચાંડવા તથા હાર્દિકભાઇ જીવાણી રોકાયેલ હતા.

(4:04 pm IST)