Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

પૈસા નહિ તો પાણી નહિ? કોર્પોરેશન પાસે નર્મદાના નીરના ૧૦૫ કરોડની ઉઘરાણી

ર૦૧૭થી સૌની યોજનાના નાણા બાકી હોવાનો સિંચાઇ વિભાગનો પત્રઃ પાણીની હાલની માંગણીનો નિર્ણય નર્મદા નિગમ હસ્‍તક

રાજકોટ, તા. ર૩ : રાજય સરકારે સર્વની યોજના અંતર્ગત રાજકોટ શહેરને પાઇપલાઇનથી પાણી પુરૂ પાડવાના બદલામાં બાકી નાણાની ઉઘરાણી કરી છે. સિંચાઇ વિભાગે ર૦૧૭ થી અત્‍યાર સુધીના લેણા પેટે રૂા.૧૦પ.ર૪ કરોડ ચુકવવા કોર્પોરેશનને પત્ર લખ્‍યો છે. આજીનું તળીયુ દેખાય ગયું હોવાથી કોર્પોરેશનને આજી-ન્‍યારી ફરીથી પાઇપલાઇનથી ભરવા માટે માંગણી કરી છે. તેનો નિર્ણય નર્મદા નિગમ દ્વારા લેવામાં આવશે. કોર્પોરેશન તાત્‍કાલીક નાણા ન ચુકવે તો સરકાર જરૂરી પાણી આપશે કે કેમ ? તે હજુ સ્‍પષ્‍ટ થયું નથી.
સરકાર દ્વારા નર્મદાના નીર પાઇપલાઇન મારફત આજી-ન્‍યારીમાં ઠાલવાની વ્‍યવસ્‍થા છે. ભૂતકાળમાં આ રીતે આપેલ પાણીના બદલામાં બાકી લેણાં રૂા. ૧૦પ.ર૪ કરોડની સિંચાઇ વિભાગે મ્‍યુ. કોર્પોરેશન પાસે માંગણી કરી છે. આજી-૧ ના ૭૯.ર૬ કરોડ અને ન્‍યારી ના રપ.૯૬ કરોડ બાકી છે. કોર્પોરેશન શુ જવાબ આપે છે અને સરકાર શું વલણ અપનાવે છે ? તે જોવાનું રહ્યું. અઠવાડીયામાં વરસાદી પાણીની આવક ન થાય અને સરકાર પાણી ન આપે તો રાજકોટમાં હાલના ધોરણે પાણી પુરૂ પાડવા માટે મુશ્‍કેલી સર્જાશે.

 

(3:20 pm IST)