Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ડો.શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડીતતા માટે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું

જનસંઘ- ભાજપના સ્થાપક ડો.મુખર્જીને શબ્દાંજલી પાઠવતા રાજુભાઈ ધ્રુવ : બંગાળના ભાગલા વખતે પણ ભારતના હકકો માટે લડયા હતાઃ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવાનું તેઓનું સપનું નરેન્દ્રભાઈ મોદીની સરકારે સાકાર કર્યુ

રાજકોટઃ કરોડો દેશભકતોના પ્રેરણાસ્ત્રોત અને એક અગ્રણી રાષ્ટ્રવાદી વિચારક શ્રદ્ઘેય ડોકટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ નિમિત્ત્ે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, ૨૩ જૂન,૧૯૫૩ના રોજ જમ્મુ-કાશ્મીરના પ્રીમિયર (મુખ્યપ્રધાન) શેખ અબ્દુલ્લાની સરકારના કેદી તરીકે રહસ્યમય સંજોગોમાં મોતને ભેટેલા જનસંઘ-ભાજપના જન્મદાતા અને કલમ ૩૭૦ના પ્રખર વિરોધી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની ૨૩મી જુને પુણ્યતિથિ છે. જનસંઘ-ભાજપના સ્થાપક અને એક અચ્છા શિક્ષક એવા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિનને સમગ્ર દેશમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માત્ર બાવન વર્ષની નાની ઉંમરમાં એમણે મા ભારતી માટે કરેલા અનન્ય યોગદાન બદલ બંગાળ ભાજપના અધ્યક્ષ રહેલા તથાગત રાયે એમની જીવનકથા લખીને એનું શીર્ષક આપ્યું છે.અપ્રતિમ નાયક ડો. શ્યામાપ્રસાદ મુખર્જી. ડો. મુખર્જી અને તેમનું જીવન ખરા અર્થમાં અપ્રિતમ હતું.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, આઝાદી પછી જો એક નામ મનમાં આવે જેમણે રાષ્ટ્રવાદના વિચારને પ્રોત્સાહન આપ્યું છે, જે રાષ્ટ્રીય એકતા માટે દૃઢ હતા, જેમણે દેશમાં એક મજબૂત રાજકીય વિકલ્પનું બીજ વાવ્યું, તે બીજા કોઈ નહીં પણ શ્યામાપ્રસાદ મુખર્જી છે. જોકે શ્યામાપ્રસાદ મુખર્જી આઝાદી પછી દેશ માટે બલિદાન પોતાના પ્રાણ ની આહુતિ ભારતમાતા ના ચરણે ધરવાને કારણે તેમણે વહેલી વિદાય લીધી પરંતુ તેમની વિચારધારા અને તેમના સંઘર્ષોએ ભારતીય રાજનીતિ પર અમીટ છાપ છોડી છે. દેશભકત અને રાષ્ટ્રવાદી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતની એકતા અને અખંડીતતા માટે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય જનસંઘના સંસ્થાપક સભ્યોમાંથી એક હતા. જમ્મુ-કાશ્મીરમાં લગાવવામાં આવેલા અનુચ્છેદ- ૩૭૦સામે મુખ્ય રીતે અવાજ ઉઠાવનારા લોકોમાં શ્યામાપ્રસાદ મુખર્જીનું નામ સૌથી મોખરે હતું. શ્યામાપ્રસાદ મુખર્જી સ્વતંત્ર ભારતની પહેલી કેબિનેટમાં પ્રધાન પણ રહ્યા હતા. જોકે, પ.નહેરુ ની પાકિસ્તાન અંગેની નીતિ તેમજ જમ્મુ-કાશ્મીર મામલા પર તેમણે રાજીનામું આપી દીધું હતું.

આઝાદીનાં સમયથી જ દેશવાસીઓની લાગણી સાથે અક્ષમ્ય ચેડા કરીને કોંગ્રેસે કાશ્મીરને સદાય રાષ્ટ્રીય પ્રવાહથી અળગું રાખ્યું છે. કોંગ્રેસના આવા અત્યંત નિરાશાજનક વલણ સામે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ખુલ્લીને બહાર આવ્યા હતા અને કાશ્મીર સત્યાગ્રહની લડતનો આરંભ કર્યો હતો. કાશ્મીરમાં અલગ ધ્વજ, અલગ બંધારણ અને અલગથી વઝીરએઆઝમની નિમણૂંક જેવી બાબતો પર તેમણે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ભારતીય સંસ્કૃતિની પ્રબળ વિચારધારા ધરાવતા હતા. તેઓ ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારે તેના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. કાશ્મીર માટે તેમની લડત અને એક દેશમાં દો વિધાન, દો પ્રધાન, દો નિશાન નહીં ચલેગાની માંગ સાથે લડ્યા હતા. તેઓ કાશ્મીર માટે લડતા લડતા ત્યાંની જેલમાં જ શહીદ થયા હતા. કાશ્મીરમાંથી કલમ ૩૭૦દૂર થાય એવા ડો. શ્યામપ્રસાદ મુખર્જીનાં સપનાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂર્ણ કરી તેમના બલિદાનની ખરા અર્થમાં અંજલી પાઠવી છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મજબૂત ઇચ્છાશકિત અને સમર્પણ હતું તેમજ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહની કુશળ વ્યૂહરચના અને આયોજન હતું કે ઓગસ્ટ ૨૦૧૯ માં ભારત કલમ ૩૭૦ કાયમ માટે રદ્દ કરવામાં સફળ રહ્યું. ભારત માતાના ચરણોમાં પોતાનું સમગ્ર જીવન અપર્ણ કરી દેનારા આ મહાનત્તમ અને શ્રેષ્ઠતમ નરકેસરી ડો શ્યામાપ્રસાદ મુખરજીનું જીવન લાખો-કરોડો લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે અને ભાવિ પેઢીઓને પણ પ્રેરણા આપનારુ બની રહેશે તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે તેમની દેશસેવા, રાષ્ટ્રપ્રેમ અને દેશની એકતા અને અખંડિતા માટે કરેલા સમર્પણ અને બલિદાનને ભાવપૂર્વક યાદ કરી અંજલી પાઠવી હતી.

(2:58 pm IST)