Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

અડધા કરોડના પટોળાની ચોરી જાણકાર વ્‍યવસાયીના ઇશારે બે સરદારજીએ કરી'તીઃ તમામ માલ કબ્‍જે

રાજકોટના સર્વેશ્વર ચોકમાં આવેલી વી.જે.સન્‍સ પટોળાનું ઓપનીંગ થાય તે પહેલા હાથ મારવામાં આવ્‍યો હતોઃ ચોરાઉ પટોળાના પાર્સલ ટ્રાવેલ્‍સ મારફત મુંબઇ મોકલી દેવાયા'તાઃ મંદીમાં સપડાયેલા વ્‍યવસાયીએ બીજાના માલ ઉપર ઝપટ મારી

રાજકોટ, તા., ર૩: રાજકોટના યાજ્ઞીક રોડ પર  સર્વેશ્વર ચોકમાં  આવેલી વી.જે.સન્‍સ  નામની પટોળાની હજુ ચાલુ થવા જઇ રહેલી દુકાનમાંથી ૪૬.૯૩ લાખની કિંમતના પટોળા, દુપટ્ટા, ચણીયાચોલીની થયેલી ચોરીનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચે માત્ર ૪૮ કલાકમાં  ઉકેલી નાખી મુખ્‍ય ભેજાબાજ હરીભાઇ સહિત ૩ ને સકંજામાં લીધા છે.
મળતી માહીતી મુજબ ચોરીનો પ્‍લાન ઘડનાર હરીભાઇ લીંબડી પંથકનો હોવાનું બહાર આવી રહયું  છે. તેના ઇશારે સુરેન્‍દ્રનગર પંથકના ચીખલીકર જેવા બે સરદારજી શખ્‍સોએ ચોરી કર્યાનું ખુલ્‍યું છે. ચોરીમાં ઉપયોગમા લેવાયેલી ટેક્ષીના નંબરના આધારે પગેરૂ દબાવી ક્રાઇમ બ્રાન્‍ચે ઘટનાના અંકોડા મેળવી લીધા હતા. મંગળવારે તા.ર૧મીની વહેલી સવારે ૩.૦૦ થી પ .૦૦ વાગ્‍યા વચ્‍ચે ઇકો કારમાં આવેલા અજાણ્‍યા શખ્‍સોએ દુકાનનું શટર ગણેશીયા જેવા હથીયારથી ઉંચકાવી અંદર પડેલા  કિંમતી પટોળા અને અન્‍ય લેડીઝ આઇટમોના થેલા ચોરી લીધા હતા. ટેકસીના ડ્રાઇવરને તેની સાથે આવેલા શખ્‍સોએ ચોરી કર્યાની ભનક પણ આવવા દીધી ન હતી.
મળતી માહીતી મુજબ ચોરાયેલો તમામ માલ ખાનગી ટ્રાવેલ્‍સ મારફત મુંબઇ મોકલી દેવામાં આવ્‍યો હતો. ચોરાઉ માલ બારોબાર વેચી નાખવામાં આવે તે પહેલા જ રાજકોટ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. જે.વી.ધોળા, પીઆઇ વાય.બી.જાડેજા, પીએસઆઇ એમ. જે. હુણ સહીતની ટુકડીએ સમગ્ર પ્‍લાન પુરો પડે તે પહેલા જ ૩ને અટકાયતમાં લઇ લીધા છે.  વી.જે.સન્‍સના માલીક રામકૃષ્‍ણનગર-૩ માં રહેતા વિપુલભાઇજીવરાજભાઇ વાઢેર (ઉ.વ.૪ર) જાગનાથ પ્‍લોટ રપ-બની સામે સેફાયર કોમ્‍પલેક્ષમાં આવેલી વી. જે. સન્‍સ નામનો શોરૂમ થોડા સમય બાદ શરૂ કરવાના હતાં તે પહેલા ચોરી થતા કોઇ જાણકાર આ ઘટનામાં સંડોવાયાની પ્રથમથી શંકા હતી. જે મહદઅંશે સાચી ઠરે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
હરીભાઇ નામના શખ્‍સે ચોરીનો પ્‍લાન ઘડયો હતો. તે મંદીનો સામનો કરી રહ્યો હતો. બે સરદારજીને રોટલીયા તરીકે ઉપયોગમાં લેવાયા હતા. વધુ એક શખ્‍સની  પુછપરછ ચાલી રહી છે.  પાંચથી છ લોકોની સંડોવણી ખુલે તેવી  શક્‍યતા જોવાઇ રહી છે.

 

(3:21 pm IST)