Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

નાગપુરના હરેન્‍દ્રભાઇ તન્‍નાને લોહાણા મહાપરિષદ દ્વારા આંતરરાષ્‍ટ્રીય કલાપ્રતિભા એવોર્ડ એનાયત

રાજકોટ તા. ૨૩ : ગુજરાત બહાર રહીને પણ ગુજરાતી ભાષાને જીવંત રાખવા હંમેશા પ્રયાસો કરતા રહેલા નાગપુરના શ્રી હરેન્‍દ્રભાઇ રતિલાલ તન્‍નાને લોહાણા મહાપરિષદ દ્વારા સને ૨૦૨૧ નો આંતરરાષ્‍ટ્રીય કલાપ્રતિભા એવોર્ડ એનાયત કરાયો છે.
આ એવોર્ડ મળ્‍યાની ખુશી ‘અકિલા'ના આંગણે વ્‍યકત કરતા હરેન્‍દ્રભાઇએ જણાવ્‍યુ હતુ કે મારી જ્ઞાતિએ મને સન્‍માનિત કર્યો તેનો મને બહુ આનંદ છે. એમ તો વણીક સમાજ સહીત અન્‍ય સમાજોએ પણ મારી કલાની કદર કરી છે. હું પેઇડ આર્ટીસ્‍ટ નહીં પણ એમેચ્‍યોર આર્ટીસ્‍ટમાં માનુ છુ. નિસ્‍વાર્થ ભાવે સેવા કરતો રહ્યો છુ અને કરતો રહીશ.
અહીં ઉલ્લેખનીય છે કે હરેન્‍દ્રભાઇ તન્‍નાનો પરિવાર મુળ રાજકોટના બળધોઇ ગામનો છે. તેમના પિતાશ્રી રતિલાલ ત્રિભોવન તન્ના નાગપુર કરીયાણાનો વેપાર કરવા ગયા ત્‍યારથી તેમનો પરિવાર મહારાષ્‍ટ્રમાં સ્‍થાયી છે. નાગપુરમાં જ જન્‍મેલા હરેન્‍દ્રભાઇ એમ.કોમ., એમ.એ., એલ.એલ.બી. સુધીનો અભ્‍યાસ ધરાવે છે. તેમનો જીવ આજીવન કલાકાર બની રહ્યો. ડ્રામા, એકટીંગ, રાઇટીંગ અને સાહિત્‍ય સર્જનની પ્રવૃત્તિ તેઓએ ખુબ ધમધમાવી.જે બદલ તેઓને અત્‍યાર સુધીમાં બેસ્‍ટ સ્‍પીકીંગ એવોર્ડ, બેસ્‍ટ જેસીઝ એવોર્ડ, નાટય ક્ષેત્રે વિદર્ભના ભિષ્‍મપિતા એવોર્ડ સહીત અનેક સન્‍માનો મળી ચુકયા છે. તેઓ પોતે ૨૭ વર્ષથી નાગપુરમાં જ ‘ગુર્જર પુષ્‍પ' સાપ્‍તાહીક ચલાવી રહ્યા છે.બહુમુખી પ્રતિભા એવા હરેન્‍દ્રભાઇ અખિલ ભારતીય ગુજરાતી સમાજના પૂર્વ અધ્‍યક્ષ, વિશ્વ ગુજરાતી સમાજના પૂર્વ અધ્‍યક્ષ, આકોલા અર્બન કો.ઓપ. બેંકના લોકલ ડાયરેકટર, ગુજરાત કલ્‍ચરલ અકાદમીના ચેરમેન તેમજ નાગપુર જલારામ પ્રાર્થના ભવનના સ્‍થાપક છે.
આ તમામ કામગીરીઓની કદરરૂપે લોહાણા મહાપરિષદ દ્વારા નાસીક મુકામે યોજાયેલ સમારોહમાં પરિષદ અધ્‍યક્ષ સતિષભાઇ વિઠ્ઠલાણીના હસ્‍તે ‘કલા પ્રતિભા એવોર્ડ' એનાયત કરવામાં આવતા હરેન્‍દ્રભાઇ તન્ના (મો.૯૮૨૩૧ ૭૦૪૫૬) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. તસ્‍વીરમાં આ અંગેની ખુશી ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શેર કરતા હરેન્‍દ્રભાઇ રતિલાલ તન્‍ના અને બાજુમાં રાજુભાઇ ભોજાણી નજરે પડે છે.

 

(12:00 pm IST)