Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

લોકોએ નશામાં ધૂત શખ્સોને માર મારતાં એકનું મોત થયું

નવી ધરમપુરમાં બનેલી ઘટનાનો વીડિયો વાયરલ : મોરબીના ગામમાં દારુના નશામાં ચૂર થયેલા બે શખ્સોએ મહિલાને કરિયાણાની દુકાન બંધ કરવા જબરદસ્તી કરી

રાજકોટ,તા.૨૩ : મોરબીના એક ગામમાં ચિક્કાર દારુ પીને બે શખ્સોએ ધમાલ કરી હતી. નશામાં ધૂત આ શખ્સોએ મહિલાની કરિયાણાની દુકાન બંધ કરાવી હતી અને તેને લાકડીથી માર માર્યો હતો. જે બાદ એકત્રિત થયેલા ગ્રામજનોએ આ બંને શખ્સોને મેથીપાક આપ્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા આ બંને શખ્સોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં એકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની વિગતે વાત કરીએ તો, મોરબી જિલ્લાના નવી ધરમપુર ગામે વ્યવસાયે રિક્ષાચાલકો ભરત પરમાર (૩૧ વર્ષ) અને તેના મિત્ર જગદીશ ઠાકોર ચંદ્રિકા ગોસ્વામી નામના મહિલાની કરિયાણાની દુકાને ગયા હતા. આ બંને નશાની હાલતમાં કરિયાણાની દુકાને પહોંચ્યા હતા અને ચંદ્રિકાબેને દુકાન બંધ કરવા માટે બળજબરી કરતા હતા. ચંદ્રિકાબેને બંનેને ત્યાંથી જતા રહેવાનું કહ્યું ત્યારે ભરત અને જગદીશ ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિ વણસી અને ભરત લાકડી ઉઠાવીને ચંદ્રિકાબેન પાછળ દોડ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે જેમાં ભરત ચંદ્રિકાબેનને લાકડીથી માર મારતો જોવા મળી રહ્યો છે.

         અન્ય મહિલાઓ સહિત ગ્રામજનો ચંદ્રિકાબેનને પોલીસ બોલાવાનું કહી રહ્યા હતા. આ વિડીયો ફરતો થતાં કેટલાક સ્થાનિકો ભરત અને જગદીશના ઘરે પહોંચ્યા હતા અને તેમને લોખંડની પાઈપો તેમજ અન્ય સાધનોથી માર માર્યો હતો. ઈજાગ્રસ્ત થયેલા આ બંને શખ્સોને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ભરતે ફરી તોફાન મચાવ્યું હતું. જેથી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો પરંતુ ત્યાં તેની સ્થિતિ વણસતા ફરી હોસ્પિટલ લવાયો હતો. જ્યાં તેનું મોત થયું*, તેમ પોલીસે જણાવ્યું. જ્યારે જગદીશને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ભરતના મોત બાદ તેની પત્ની મંજુએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આઠ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મંજુએ જાદવ ભરવાડ, બેચર ભરવાડ, સલિયો ભરવાડ, માયલો કોળી, સંજય કોળી, બેલિયો કોળી, શિવો કોળી અને તેના દીકરા સહિતના લોકોના નામ પોલીસ ફરિયાદમાં લખાવ્યા હતા. મંજુમો આરોપ છે કે, આ શખ્સોએ જૂની અદાવત રાખીને ભરતની હત્યા કરી છે.

(9:18 pm IST)