Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હિરાસર નજીક ‘કટીંગ’ વખતે જ રાજકોટ ક્રાઇમ બ્રાંચ ત્રાટકીઃ ૪૨૫ પેટી દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું

ટ્રક ટ્રેલર અને બોલેરો પીકઅપ સાથે વાંકાનેર રૂપાપરાના પ્રવિણ ગાંગડીયા, વાંકાનેરના સલિમ શેખ અને રાજસ્થાન બાડમેરના ખિયારામ ચોધરીને ઝડપી લઇ હદ વાંકાનેર તાલુકા પોલીસની હોઇ મુદ્દામાલ-આરોપીઓને ત્યાં સોંપાયા : ઍઍસઆઇ સી. ઍમ. ચાવડા અને કરણભાઇ મારૂની બાતમી : ટ્રેલરની અંદર બે ખાનામાંથી અને બોલેરોમાંથી દારૂનો જથ્થો મળ્યો

રાજકોટ,તા. ૨૩: વાંકાનેરના હિરાસર ગામે પાસે વિદેશી દારૂના કટીંગ વખતે રાજકોટ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૪૨૫ પેટી દારૂ ભરેલુ ટ્રેલર અને એક બોલેરો પીકઅપ સાથે ત્રણ શખ્સોને પકડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના હિરાસર ગામ નજીક વિદેશી દારૂનું કટીંગ થવાનું હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. સી.એમ.ચાવડા તથા કોન્સ.કરણભાઇ મારૂને બાતમી મળતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણ કુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાની સુચનાથી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ, યુ.બી.જોગરાણા તથા એમ.વી. રબારી, એ.એસ.આઇ સી.એમ.ચાવડા, બી.આર.ગઢવી, જયંતિભાઇ ગોહેલ, હેડ કોન્સ. હરદેવસિંહ, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, ભાવીનભાઇ ગઢવી, કોન્સ. ઇન્દ્રજીતસિંહ, કરણભાઇ મારૂ અને પુષ્પરાજસિંહ જાડેજા સહિત વાંકાનેર રોડ પર હિરાસર ગામ પાસે વોચમાં હતા. ત્યારે વસુંધરા ગામ નજીક ભરડીયા નજીક ખુલ્લી જગ્યામાં દરોડો પાડી આરજે ૧જીએ ૪૧૦૫ નંબરના ટ્રેલરની પાછળનું કન્ટેનર ખાલી હતું. બાદ તેની આગળનું કન્ટેનર ચેક કરતાં તેમાંથી વિદેશી દારૂ જથ્થો મળી આવતા પોલીસે ટ્રેલર ચાલક ખીયારામ ગંગારામભાઇ બેનીવાલ ચૌધરી (ઉવ.૨૫) (રહે. બાડમેર -રાજસ્થાન) તથા બોલેરોમાં આવેલ પ્રવિણ નાથાભાઇ ગાંગડીયા (ઉવ.૩૫) (રહે. રૂપાપરા ગામ તા. વાંકાનેર) અને સલીમ ઇકબાલભાઇ શેખ (ઉવ.૪૦) (રહે.વાંકાનેર )ને પકડી લીધા હતા. પોલીસે ટ્રેલરના કન્ટેનરમાંથી અને બોલેરોમાંથી મળી ૨૫૦થી વધુ દારૂની પેટી કબ્જે કરી હતી. પોલીસે વસુંધરા ગામના સર્વે નંબર વાળી જગ્યા પરથી તપાસ કરતા વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદ આવતી હોવાથી ક્રાઇમ બ્રાંચે  ત્રણેય આરોપી તથા બોલેરા, ટ્રેલર અને દારૂનો જથ્થો વાંકાનેર તાલુકા પોલીસને સોંપવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)