Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

આત્મનિર્ભર ગુજરાત યોજના-૨ની સરળ સમજણ સાથે યોજના ૧ અને ૨ વચ્ચેના મહત્વના તફાવતની છણાવટ

સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશનના સી.ઇ.ઓ. કાયદેસમ્રાટ ડો. પુરૂષોત્તમ પીપરીયા દ્વારા

રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોના વાયરસની પરિસ્થિતિના કારણે સમગ્ર દેશમાં તા.રપ/૦૩/ર૦ર૦ થી લોક–ડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોક–ડાઉનના કારણે રાજયની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થયેલ.

આવી વિકટ પરિસ્થિતીમાં પણ ગુજરાતની આર્થિક પ્રગતિનો વેગ ધીમો ન પડે અને રાજ્યના વિકાસની ગતિ જળવાઇ રહે તે માટે નાના વેપારીઓં મઘ્યમ વર્ગની વ્યકિતઓ વ્યકિતગત કારીગરો તથા શ્રમિકો સહિત રાજયના અર્થતંત્રના દરેક ઘટકને ચેતનવંતુ બનાવવાના આશયથી રાજ્યસરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના–ર હેઠળ વધુ રૂ।.૩૦૦ કરોડ ફાળવ્યા.

સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના–ર હેઠળ ગુજરાત રાજ્ય સહકારી બેંક જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંકસ તથા રાજ્યમાં આવેલ તમામ મલ્ટિસ્ટેટ સહિતની રાજ્યમાં નોંધાયેલ નાગરિક સહકારી બેંકો દ્વારા રૂપિયા એક લાખથી વધુ અને મહત્ત્।મ રૂપિયા અઢી લાખની મર્યાદામાં સરળતાથી ધિરાણ મળી રહે તે માટે યોજના જાહેર કરવામાં આવે છે.

આ યોજના વિષે અકિલા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો–ઓપરેટિવ બેંક ફેડરેશનના સી.ઇ.ઓ. અને આર.સી.સી. બેંકના સી.ઇ.ઓ એન્ડ જનરલ મેનેજર ડો.પુરૂષોત્ત્।મ પીપરીયાએ જણાવેલ કેટલાક પ્રશ્નોના જવાબોમાં નીચે મુજબની જણાવેલ કે, આ યોજનામાં કોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

આ યોજનામાં નાના વેપારીઓ, મઘ્યમ વર્ગની વ્યકિતઓ, વ્યકિતગત કારીગરોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.   

આ યોજના હેઠળ કઇ નાણાકીય સંસ્થાને માન્યતા આપવામાં આવેલ છે.

આ યોજના હેઠળ સ્ટેટ, ડિસ્ટ્રીકટ અને રાજ્યમાં નોંધાયેલ શહેરી સહકારી બેંકોને માન્યતા આપવામાં આવી છે.

આ યોજના ક્રેડીટ કો–ઓપરેટિવ સોસાયટીને લાગુ પડશે ?

ના જી, આ યોજના ક્રેડીટ કો–ઓપરેટિવ સોસાયટીને લાગુ નહી પડે. 

આ યોજના કયારથી અમલમાં આવશે?

આ યોજના તા. ૦૧/૦૭/ ર૦ર૦ થી અમલમાં આવશે.

આ યોજનાનો મૂળભૂત હેતુ શું છે.

આ યોજનાનો મૂળભૂત હેતુ લાભાર્થી આર્થિક ઉપાર્જનની પ્રવૃતિને વેગ આપી શકે તે માટેનો છે.

આ યોજના હેઠળ કેટલી રકમ સુધીનું ધિરાણ મળી શકશે ?

આ યોજના હેઠળ, એક લાખ થી વધુ અને અઢી લાખની મર્યાદામાં અરજદારની જરૂરીયાત મુજબ ધિરાણ મળી શકશે.

સરકારશ્રીએ આ યોજના માટે ધિરાણના જે ધોરણો નકિક કરેલ છે તે સિવાય કોઇ ધોરણો લાગુ પડશે ?

આ યોજના હેઠળના ધોરણો ઉપરાંત જે તે બેંકોની ધિરાણનિતી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માર્ગદર્શક સુચનાઓ લાગુ પડશે.

બેંકો ધિરાણ આપતી વખતે કઇ મહત્વની બાબત ઘ્યાને લેશે ?

ધિરાણ પરત કરવાની ક્ષમતા, ધિરાણનો હેતુ, ધિરાણની રકમનો આખરી વપરાશ, અને સીકયોરીટી વિગેરે બાબતોને વિશેષ મહત્વ આપશે.

આ ધિરાણ કયા સેકટરના વ્યવસાયીઓ / ધંધાર્થીઓને મળશે.

આ ધિરાણ બેંક જે વ્યવસાય/ધંધાને શોર્ટ લીસ્ટ કરેતે વ્યવસાય/ધંધા માટે ધિરાણ મળશે.

મહત્વનો પ્રશ્ન વ્યાજ કોણ અને કેટલું ભોગવશે.

આ યોજના હેઠળ ૪% વ્યાજ લાભાર્થી ભોગવશે. ૪% વ્યાજ ગુજરાત સરકાર ભોગવશે અને બેંકો તેમના પ્રવર્તમાન દર અને ૮% દર વચ્ચેનો જે ડિફરન્સ હશે તે બેંક ભોગવશે.

આ યોજના હેઠળ ગુજરાતમાં વસવાટ કરતા હોય તેવા તમામને લોન મળી શકશે ?

આ યોજના હેઠળ ગુજરાતમાં વસવાટ કરતા હોય ઉપરાંત ગુજરાતના વતની (ડોમીસાઇલ) હોય તેને જ લોન મળશે.

પ્રવર્તમાન અમલમાં છે તે આત્મનિર્ભર યોજના હેઠળ લાભ મેળવેલ હોય તેને પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે ?

ના જી, આ યોજના હેઠળ તેઓને લાભ મળશે નહી.

આ યોજના હેઠળની લોન કેટલા સમય માટે આપવામાં આવશે?

આ યોજના હેઠળ ત્રણ વર્ષ ના સમય માટે આપવામાં આવશે.

લોન મંજુરી અંગેનો નિર્ણય બેંક કેટલા સમયમાં કરશે ?

અરજી કયાં તારીખથી ૩૧/૧૦/ર૦ર૦ સુધીમાં લોન મંજુરી અંગેનોે નિર્ણય બેંકોએ કરવાનો રહેશે.

આ યોજના હેઠળ લોનનું વિતરણ કેટલા સમયમાં કરવાનું રહેશે. ?

આ યોજના હેઠળનું વિતરણ લોન મંજુર થયા તારીખથી ૧પ/૧૧/ ર૦ર૦ કે તે પહેલા કરેલ હશે તો જ સબસિડીને પાત્ર ગણાશે.

આ યોજના હેઠળ ધિરાણનો લાભ કોને નહી મળી શકે ?

તા.૦૧/૦૧/ર૦ર૦ ના રોજ વ્યવસાય કે તે પહેલા વ્યવસાય કરતા ન હોય અથવા અગાઉની અથવા ચાલુ લોન મુદતવિતી હોય અથવા કેન્દ્ર, રાજ્ય, સ્થાનીક સ્વરાજ્યની સંસ્થા, બોર્ડ, નિગમ, બેંકો માં નોકરી કરતા કર્મચારીઓને મળી શકશે નહી.

આ યોજના હેઠળની નોડલ એજન્સી તરીકે કોને માન્યતા આપવામાં આવી છે ?

આ યોજનાની નોડલ એજન્સી તરીકે જે તે જીલ્લાના સહકારી મંડળીઓના  રજીસ્ટ્રારને માન્યતા આપવામાં આવી  છે.

આ યોજના હેઠળ વ્યાજની ચુકવણી કયારે કરવાની રહેશે ?

આ યોજના હેઠળ ધિરાણ મેળવનારે દર માસે ૮% વ્યાજની નિયમીત ચૂકવણી કરવાની રહેશે. સરકાર તરફથી દર ત્રણ માસે વ્યાજ મળ્યે ધિરાણ મેળવનારના ખાતે જમા કરવામાં આવશે ત્યાર બાદના હપ્તામાં જમા થયેલ વ્યાજ મજરે મળશે.

આ યોજના હેઠળ વ્યાજ ગણતરી પદ્ઘતિ શું રહેશે ?

આ યોજના હેઠળ ધિરાણનો ૮% વ્યાજદર વ્યાજના વ્યાજ સાથે રહેશે અને ઘટતી જતી બાકીએ ગણવાનો રહેશે.

આ યોજના હેઠળ વ્યાજના હપ્તા ભરવામાં છુટતો સમય (મોરેટોરીયમ પીરીયડ) કેટલો રહેશે અને હપ્તા ભરવા માટેનો  સમય કેટલો રહેશે ?

ત્રણ વર્ષના સમયગાળાની આ યોજના હેઠળની લોનનો મોરેટોરીયમ પીરીયડ ૬ માસનો રહેશે અને હપ્તા ભરવા માટે ૩૦ માસનો સમય આપવામાં આવશે. મોરીટોરીયમ સમયગાળાનું વ્યાજ લાભાર્થીએ નિયમિત ભરપાઈ કરવાનું રહેશે, જે સરકાર તરફથી મળ્યે મજરે આપવામાં આવશે.

આ યોજના હેઠળ ધિરાણ આપનાર બેંકને સરકાર તરફથી શું સહાય મળશે ?

આ યોજના હેઠળ માત્ર  ધિરાણની રકમના ર% રાજ્યસરકાર તરફથી બેંકોને મળશે.

શું કેવાયસીના ધોરણો લાગુ પડશે ?

હા, કેવાયસીના ધોરણો ચુસ્ત પણે લાગુ પડશે.

આ યોજના હેઠળ ધિરાણ મેળવવાના ખર્ચ બાબતે શું કહેશો ?

આ યોજના હેઠળ ફોર્મ ફી, પ્રોસેસીંગ ચાર્જ, સ્ટેમ્પ ડયુટી, રજીસ્ટે્રશન ફી ગ્રાહકોએ ચુકવવાની નથી.

આ યોજના હેઠળ પ્રાઇમ સીકયુરીટી કે કોલલેટરલ સીકયુરીટી લેવામાં આવશે ?

આ બાબત જે તે બેંકોની લોન પોલીસી ઉપર નિર્ભર હોય છે. જો કે એક લાખ ઉપરના ધિરાણો માટે સામાન્ય રીતે બેંક સીકયુરીટીમાં મિલ્કત મોર્ગેજ કરાવે છે.

ફોર્મમાં કઇ વિગતો હશે ?

સામાન્ય રીતે ફોર્મમાં નામ, સરનામું, ધંધો/વ્યવસાય, જામીનોની વિગત, ઉમર, કેવાયસી, મોર્ગેજ આપવાની મિલ્કતની માહિતી, જાતી ,પાન નંબર, આધાર નંબર, રેશનકાર્ડ નંબર, મોબાઇલ નંબર, ઇ–મેઇલ, કુટુંબની માસીક આવક, ખર્ચ, કુટુંબની સંખ્યા વિગેરે વિગતો આપવી પડશે. ખાસ કરીને અરજદારના બેંક ખાતાની માહિતી, ત્રણ વર્ષના ઇન્કમ ટેક્ષના રીર્ટન અને મિલ્કતના દસ્તાવેજો રજુ કરવા જોઇશે. 

વિશેષમાં કઇ કહેશો ?

આ આત્મનિર્ભર ગુજરાત યોજનાઓ માત્ર ઉપાર્જનના હેતુ માટે છે. નહિ કે વપરાશી હેતુ માટે. અરજદારોએ એ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ ધિરાણની રકમનો ઉપયોગ શેમાં કરવાનો છે.

બેંકોએ ધિરાણ થાપણદારોની થાપણો અને બેંકના નિજી ભંડોળોમાંથી કરવાનું હોય બેંક એ પુરતી કાળજી રાખશે કે ધિરાણની રકમ સમયસર ભરપાઇ થાય અને કસુર થયે પુરતી વસુલાત થઇ શકે તેવી સદ્ઘરતા ઘ્યાને લેશે, એટલે કે સ્થાવર અને / અથવા જંગમમિલ્કત મોર્ગેજ કરાવશે.

થાપણદારોની સુરક્ષા જાળવવી તે બેંકના સંચાલકોની પ્રાથમિક જવાબદારી છે.

આલેખન

ડો. પુરૂષોત્તમ પીપરીયા

મો. ૯૪૨૭૨ ૨૦૫૪૪

(4:04 pm IST)