Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પ્રથમ કલાકમાં રાજકોટના નવા બસ સ્ટેશન ઉપરથી ૧૮ બસો ઉપડી : રોજ ૧૭૫ બસો દોડશે

અમદાવાદ - વડોદરા - સુરત - ઉત્તર - દક્ષિણ - મધ્ય ગુજરાત - ઝાલાવાડની બસો ઉપડશે : શનિવારથી બીજી ૩૫૦ બસો ઉમેરાશે : સવારથી સારો રીસ્પોન્સ : ટ્રાફિક પણ વધ્યો

એસ.ટી.નું નવું બસ સ્ટેન્ડ ધમધમતું થયું : રાજકોટઃ અહિંના ઢેબર રોડ સ્થિત એસ.ટી.નું બસસ્ટેન્ડ નવા રંગરૂપ સાથે ફરીથી ધમધમતું થયું છે. મુસાફરોનું થર્મોલ ગનથી ચકાસણી કર્યા બાદ સેનેટાઈઝ કર્યા બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. તસ્વીરમાં મુસાફરોની ચહલ-પહલ જોવા મળી રહી છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : સવારથી આજે ઢેબર રોડ પરના અદ્યતન ૧૧ હજાર ચો.મી. બનાવાયેલા નવા બસ સ્ટેશનનો અષાઢી બીજના પવિત્ર દિવસે વિધિવત પ્રારંભ થયો હતો. આજે પ્રથમ બસ અમદાવાદ - સુરેન્દ્રનગર તરફ સવારે ૭ વાગ્યે રવાના થઇ હતી.

ડેપો મેનેજર શ્રી નિશાંત વરમોરાએ ઉમેર્યું હતું કે, ઇન્કવાયરી - કન્ટ્રોલરૂમ શરૂ થઇ ગયા છે, તમામ સ્ટાફ પણ સવારે ૭ વાગ્યાથી હાજર રહ્યો હતો.

તેમણે 'અકિલા'ને જણાવેલ કે, ટ્રાફિક પણ સારો છે, અને લોકોનો રિસ્પોન્સ પણ સારો રહ્યો છે, પ્રથમ કલાકમાં જ ૧૮ બસો રવાના કરાઇ હતી. હાલ દરરોજ ૧૭૫ બસો રાજકોટથી ઉપડશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, ઉત્તર ગુજરાત, દક્ષિણ, મધ્ય ગુજરાત અને ઝાલાવાડ પંથકનો સમાવેશ થાય છે.

વરસાદને કારણે સેલરમાં અને બસ સ્ટેશનમાં પાણી ભરાયાની બાબતને ડેપો મેનેજર શ્રી નિશાંત વરમોરાએ નકારી કાઢી હતી, તેમણે જણાવેલ કે, ગઇરાત્રે બધુ ચેકીંગ કર્યું છે, અને તેનો વીડિયો પણ જાહેર કરાયો છે.

તેમણે જણાવેલ કે, શનિવારથી વધુ ૩૫૦ બસો નવા બસ સ્ટેશનમાં ઉમેરાશે, કચ્છ - ભુજ - મોરબી પંથકની બસો આવી જશે, અપડાઉન કરનારા તમામ માટે નવા બસ સ્ટેશનનો લાભ મળશે, શનિવારથી લગભગ ૫૨૫ જેટલી બસો નવા બસ સ્ટેશન ઉપરથી દોડવા માંડશે.

(11:12 am IST)