Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

લોહાણા મહાજનની ચૂંટણીમાં ૨૮ ઉમેદવારી ફોર્મ ઉપડ્યા : પડાપડી

જનકભાઈ કોટક, પરેશભાઈ પોપટ, બિપીનભાઈ કેસરીયા વગેરેએ ફોર્મ ઉપાડતા ચૂંટણીનો માહોલ ગરમાયો : તડજોડના સમીકરણો પણ રચાશેઃ પ્રમુખપદના ઉમેદવારી ફોર્મ મેળવવા માટેની અંતિમ તા.૨૭ જૂન

રાજકોટ, તા. ૨૩ : લોહાણા મહાજન રાજકોટના પ્રમુખપદની ચૂંટણીમાં ઉભા રહેવા અને ચૂંટાવવા માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવા માટે રીતસર પડાપડી થઈ રહી છે અને આજે બપોરે એક વાગ્યા સુધીમાં ૨૮ જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રમુખપદના ઉમેદવારી ફોર્મ મેળવવા માટેની અંતિમ તારીખ ચૂંટણી નિરીક્ષકો દ્વારા ૨૭ જૂન સાંજે ૭ વાગ્યા સુધી રખાવી હોવાનું જાણવા મળે છે. ભરેલા ફોર્મ પરત આપવાની એકમાત્ર તા.૨૮ જૂન નિયત કરેલી છે. ચૂંટણી નિરીક્ષક તરીકે રામભાઈ બરછા, સુરેશભાઈ ચંદારાણા તથા શાંતનુભાઈ રૂપારેલીયા સેવા આપી રહ્યા છે.

ગઈકાલે બપોર પછી અને આજે એક વાગ્યા સુધીમાં ફોર્મ ઉપાડનારાઓમાં રાજકોટના પૂર્વ મેયર અને લોહાણા મહાજનના પૂર્વ ઉપપ્રમુખ જનકભાઈ કોટક, પરેશભાઈ પોપટ (આર.ડી. ગ્રુપ), બીપીનભાઈ કેસરીયા, પ્રશાંતભાઈ સુચક, ઘનશ્યામભાઈ કારીયા વગેરેનો સમાવેશ થાય છે. જનકભાઈ કોટક તથા પરેશભાઈ પોપટ દ્વારા ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યકત કરાતા ચૂંટણીનો માહોલ રીતસર ગરમાયો છે. સમાજમાં પણ ઉત્તેજના વ્યાપ્તી જાય છે અને તમામ જ્ઞાતિજનોની ચૂંટણી તરફ કેન્દ્રીત થતી જતુ હોવાનું દેખાય છે.

જો કે એકસામટો આટલા બધા ઉમેદવારોએ પ્રમુખપદની ચૂંટણી લડવા ઈચ્છા ધરાવતા તડજોડની નીતિ પણ ચોક્કસપણે બળવતર બનતી જશે. ફોર્મ ઉપાડનારાઓમાં તો ઘણા જ્ઞાતિજને તો ડમી તરીકે પણ ફોર્મ ઉપાડ્યા હોવાનું સંભળાય રહ્યુ છે. એવી પણ ચર્ચા છે કે ઘણાને તો સમાજ ઓળખતો થાય અને જ્ઞાતિમાં અને કહેવાતા શકિતશાળી - લડાયક અગ્રણી ઉમેદવારો પાસે પોતાનું મહત્વ વધે તે માટે ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હોવાનું સંભળાય છે. આ બધી બાબતો વચ્ચે એક વાત ચોક્કસ છે કે લોહાણા સમાજને ઘણા વર્ષો પછી નવા ચહેરા, નવુ જોમ, નવો ઉત્સાહ, જ્ઞાતિની સેવા કરવા માટે થનગનતા ઉમેદવારો અને છેવાડાના વિસ્તારમાં રહેતા જ્ઞાતિજનોની કાળજી લેવાનું શરૂ કરનાર વ્યકિતએ સામે આવી રહ્યા છે.(૩૭.૭)

 

(4:11 pm IST)