Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કાલે રામકૃષ્ણ આશ્રમમાં સર્વધર્મ સમન્વય પરિસંવાદ

ધર્મમાં સમસ્યાઓના ઉકેલ છુપાયા છે, ધર્મ જ સમસ્યારૂપ બની જાય એ લોકોની અસમજનું પરિણામઃ ભદ્રાબેન શાહઃ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ કમિટીના ટ્રસ્ટી ડો. ભદ્રાબેન શાહ 'અકિલા'ની મુલાકાતેઃ કાલે વિવિધ ધર્મના વકતાઓ સંબોધન કરશેઃ પૂ. ગોૈતમાનંદજીના અધ્યક્ષપદે આયોજનઃ રાજયપાલ ઉદ્દઘાટન કરશે

 

ડો. ભદ્રાબેન શાહ, પ્રભુતાબેન તથા પૂર્વીબેન અને મનીષભાઇ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: દરેક ધર્મના માર્ગો અલગ-અલગ છે, પણ ધ્યેય એક જ છે, લોકકલ્યાણ. ધર્મોમાં સમસ્યાઓના ઉકેલ છે, પણ ધર્મો જ સમસ્યારૂપ લાગવા માંડે એ લોકોની અસમજનું પરિણામ છે. ધર્મો પ્રત્યે સાચી સમજ પ્રસ્થાપિત થાય તો વસુધૈવ કુટુંબકમની ભાવના ફળીભૂત થાય.

આ શબ્દો ભદ્રાબેન શાહના છે. તેઓ વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલીજીયન્સ કમિટીના ટ્રસ્ટી છે. આવતીકાલે રામકૃષ્ણ આશ્રમ ખાતે સર્વધર્મ સમન્વય પરિસંવાદમાં તેઓ સંબોધન કરનાર છે. ડો. ભદ્રાબેન આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા અને ધર્મક્ષેત્ર અંગે વાતો કરી હતી.

ડો. ભદ્રાબેન મુળ સુરતના છે અને ૧૯૬૯થી અમેરિકામાં સ્થાયી થયા છે, વ્યવસાયે તેઓ ગાયનેક ડોકટર છે. રામકૃષ્ણ દેવ અને સ્વામી વિવેકાનંદજીથી ખૂબ પ્રભાવિત છે. રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા છે. પ્રતિવર્ષ ભદ્રાબેન ગુજરાત આવે છે અને સેવાકાર્યો કરે છે.

સ્વામી વિવેકાનંદજીએ ૧રપ વર્ષ પહેલા શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ પરીષદમાં અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું. તેની ૧૨૫મી જયંતિના ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. 'ઇન્ટરફેથ હારમોની ઓન ગ્લોબલ સિવિલાઇઝેશન'- 'વૈશ્વિક સભ્યતા માટે સર્વ ધર્મ સમન્વય ની આવશ્યકતા' વિષય પર શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક દિવસીય પરિસંવાદનું આયોજન કાલે સવારના ૯ થી સાંજના ૬ સુધી યોજવામાં આવ્યું છે. વિશ્વ ધર્મ પરિષદની પૂર્વભૂમિકા રૂપે આ એક દિવસીય પ્રી પાર્લામેન્ટમાં દેશભરના વિવિધ ધર્મ-સંપ્રદાયના પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાના છે. આ સેમીનારનું ઉદ્દઘાટન ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીના વરદ હસ્તે થશે. રામકૃષ્ણ મિશન ના ઉપાધ્યક્ષ પુજય સ્વામી ગોૈતમાનંદજી મહારાજ આ સેમિનારના પ્રથમ સત્રની અધ્યક્ષતા કરશે.

સેમિનારની પૂર્વભૂમિકાના ભાગરૂપે પ્રાર્થના સત્ર રાખવામાં આવેલ છે. જેમાં વિવિધ ધર્મના અનુયાયીઓ પોત પોતાના ધર્મની પ્રાર્થનાઓ રજૂ કરશે. આ માટે વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રીલીજીયન્સ કમિટીના ટ્રસ્ટી ડોકટર ભદ્રાબેન શાહ અમેરિકાથી ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ડોકટર જયેશભાઇ શાહ જેઓ વર્લ્ડ પાર્લમેન્ટના એમ્બેસેડર છે. તેઓ પણ વડોદરાથી આ માટે ખાસ પધારવાના છે. પ્રથમ સત્રની અધ્યક્ષતા બેલૂર મઠના આચાર્ય પૂજય સ્વામી ગોૈતમાનંદજી મહારાજ કરશે અને એ સત્રમાં વિવિધ ધર્મના પ્રતિનિધિઓ પોત-પોતાના ધર્મ પ્રમાણે કેવી રીતે સંવાદિતા સાધી શકાય એની વાતો રજુ કરશે. વર્લ્ડપીસ કાઉન્સિલ ઇન્ડિયાના પ્રેસીડેન્ટશ્રી સામી બુબેરે, મુંબઇથી પધારશે. જેઓ ઇસ્લામ ધર્મ વિશે વાતો કરશે. વિરાયતન વિદ્યાપીઠ કચ્છનાં સંસ્થાપિકા સાધ્વી શીલાપીજી જૈન ધર્મ વિશે વાત કરશે. બીબી કિરણ જોધપુર એક જનરલ સેક્રેટરી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અમૃતસરથી ખાસ આવી રહયા છે તે વિશે વાત કરશે. વારાણસીના સેન્ટ્રલ ઇન્સિટટયુટ ઓફ હાયર તિબેટીયન સ્ટડીઝના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ગેશે નાગવાન સામટેન બોૈદ્ધ ધર્મની વાત કરશે. મુંબઇના શ્રી યઝદી પંથકી, પારસી ધર્મ વિશે વાતો કરશે. ગાંધીનગરના આર્ચબિશપ થોમસ ખ્રિસ્તી ધર્મ વિશે વાતો કરશે. મુખ્યાલય બેલુર મઠના આચાર્ય સ્વામી શ્રદ્ધાનંદજી હિંદુ ધર્મ વિશેની વાતો કરશે. વિશ્વ ધર્મ પરિષદ આ વર્ષે ટોરંટોમાં એક થી સાત નવેમ્બરમાં યોજાવાની છે તેના વિશેની વાતો થશે અને એ સિવાય ઘણી બધી રસપ્રદ માહિતીઓ ઓડિયો વિઝયુઅલ દ્વારા રજુ કરવામાં આવશે દ્વિતીયસત્રમાં શિક્ષણ અને મિડીયાનો સર્વ ધર્મ સમન્વય માનવામાં શું ભૂમિકા એની હોઇ શકે એ વિશેનું સત્ર રહેશે જેમાં અજય ઉમટ નવગુજરાત સમય અમદાવાદના ચીફ એડિટર તેમજ પ્રોફેસર જે.એસ રાજપુત એનસીઆરટી ના ડાયરેકટર આ વિષય પર પોતાના વિચારો રજુ કરશે છેલ્લા સત્રમાં પ્રતિનિધિઓમાંથી કેટલાક પ્રતિનિધિઓ પોતાના પ્રતિભાવો રજૂ કરશે તેમ જ ટોરંટોમાં યોજાનારી પાર્લામેન્ટરી માં હાજર રહેવા માટેના રજીસ્ટ્રેશનની વિશેષ માહિતી આપવામાં આવશે. (૧.૧૮)

(4:08 pm IST)