Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

બોગસ માર્કશીટ કૌભાંડમાં મિતેશ પટેલ અને પંકજ સંઘવીની આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

બંને આરોપીઓએ મુખ્ય આરોપી પ્રકાશને માર્કશીટો મોકલ્યાનું ફલિત થાય છેઃ અદાલત

રાજકોટ તા.૨૩: રાજકોટ ના એડીશ્નલ જજ શ્રી વી.વી. પરમારે મિતેશ ઘનશ્યામભાઇ પટેલ, રહે. ભરૂચ અને પંકજ બચુભાઇ સંઘવી, રહે. વડોદરાનાઓની બોગસ માર્કશીટ કોૈભાંડમાં આગોતરા જામીન રદ કરેલ છે.

આ કેસની વિગત એવા પ્રકારની છે કે, પ્રકાશ ગોહિલ નામનો આરોપી પોતાના અંગત ટયુશન કલાસીસ ચલાવે છે અને મોટી રકમ આપે તેવા વિદ્યાર્થીઓને વગર પરીક્ષાએ પાસ થયાની બોગસ માર્કશીટો અપાવી દે છે. આવી બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશને ગુનો નોંધી સ્ટીંગ ઓપરેશન હાથ ધરી આરોપી પ્રકાશ ગોહિલના કલાસીસ ઉપર થાપો મારેલ હતો અને પુછપરછ કરતા તેઓએ પૈસા લઇને વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટો અપાવી દેવાની કબુલાત કરેલ હતી જેમાં આવી માર્કશીટો આગોતરા જામીન અરજીના અરજદારો મિતેશ ઘનશ્યામભાઇ પટેલ, રહે. ભરૂચ અને પંજક બચુભાઇ સંઘવી, રહે. વડોદરાવાળાઓએ મોકલેલ હોવાનું નિવેદન આપેલ હતું.

આ મુજબની કબુલાતના આધારે પ્રકાશ ગોહિલની ધરપકડ કરવામાં આવેલ હતી જેઓ હાલ જેલમાં છે. આ પ્રકાશ ગોહિલની કબુલાતના આધારા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.બી. ધાંધલીયાએ તપાથ હાથ ધરી આ બંને આરોપીઓની ભાળ મેળવેલ હતી અને જુદા-જુદા વિદ્યાર્થીઓના નિવેદનો નોંધેલ હતા જેઓએ જણાવેલ હતું કે, આ પ્રકાશ ગોહિલ  તેઓને બોલાવી રૂ. ૪૦,૦૦૦/- થી ૬૦,૦૦૦/- રકમની માંગણી કરી બોગસ માર્કશીટ અપાવી દેવા માટે ઓફર કરેલ હતી. આ મુજબની તપાસ આગળ ચાલતા માર્કશીટ મોકલનાર અરજદારો મિતેશ ઘનશ્યામભાઇ પટેલ અને પંજક બચુભાઇ સંઘવીએ પોતાના ધરપકડ થવાની દહેશત જાહેર કરી આગોતરા જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં રજુ કરેલ હતી.

સરકાર તરફે જિલ્લા સરકારી વકિલશ્રી એસ.કે. વોરાએ રજુઆત કરેલ હતી કે બંને અરજદાર/ આરોપીઓ હાલ નાશતા ફરે છે. આ બંને આરોપીઓ વિરૂધ્ધ જે પુરાવા છે તે સાચા અને સચોટ છે કે કેમ તે માટે જયાં સુધી આરોપી કાયદાની જોગવાઇ મુજબ ૨૪ કલાકની પ્રાથમિક પુછપરછ માટેની કસ્ટડીમાં પોલીસ પાસે આવે નહીં ત્યાં સુધી પ્રોસીકયુશનનો તેઓ સામે કોઇ સચોટ કેસ કે પુરાવો નથી તેવી રજુઆત કરી શકે નહી. પ્રાથમિક રીતે જયારે મુખ્ય આરોપી પ્રકાશ ગોહિલએ કબુલાત આપી હોય અને બંને અરજદાર/ આરોપીઓ આ ગુનામાં નામ જાહેર કરેલ હોય ત્યારે આ બંને અરજદાર/ આરોપીઓ નાશતા-ભાગતાં ફરી પ્રોશીકયુશન ઉપર સચોટ પુરાવા રજુ કરવાની જવાબદારી થોપી શકે નહી.

આરોપી પ્રકાશ ગોહિલની કબુલાતના આધારે માર્કશીટો કબ્જે કરવામાં આવેલ છે. ભારતીય પુરાવા અધિનિયમની કલમ -૨૭ મુજબ જયારે આવી કબુલાતના આધારે કોઇ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ હોય ત્યારે પોલીસ કસ્ટડી દરમ્યાન કરવામાં આવેલ કબુલાત પણ પુરાવામાં ગ્રાહય છે અને તેના આધારે આરોપીઓને તકસીરવાન ઠરાવી શકાય છે. આ તમામ રજુઆતો માન્ય રાખી એડીશ્નલ સેશન્સ જજ શ્રી વી.વી. પરમારે મિતેશ ઘનશ્યામભાઇ પટેલ અને પંકજ બચુભાઇ સંઘવીની આગોતરા જામીન અરજીઓ રદ કરેલ છે.

આ કેસમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ શ્રી સંજયભાઇ કે. વોરા રોકાયેલા હતા. (૧.૭)

(4:04 pm IST)