Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

કોટપા એકટ હેઠળ દરોડા

શાળા આસપાસ ગુટકા-સીગારેટ વેચનાર ૨૮ને ૧૪૦૦નો દંડઃ ૮ કિ. તમાકુનો નાશ

સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ તથા આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરના સુચન બાદ કાર્યવાહીઃ ૧૨૮ તમાકુવાળી ફાકી, ૧૩૦ સીગારેટ પેક, ૫૪૦ જુડી બીડી સહિતની તમાકુ પ્રોડકટનો નાશ કરાયોઃ નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની ટીમ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૨૩ :. મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આજે સ્કૂલની આજુ-બાજુના ૧૦૦ મીટર વિસ્તારમાં ગુટકા કે તંબાકુ પ્રોડકટ વેચવા ઉપર પ્રતિબંધના કોટપા એકટની અમલવારી કરી અને ૨૮ વેપારીઓને ત્યાંથી કુલ ૮ કિલો તમાકુ સહિતની તંબાકુ પ્રોડકટનો નાશ કરી તમામ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧૪૦૦નો દંડ વસુલ કર્યો હતો.

આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડની યાદીમાં જણાવ્યા મુજબ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરના સૂચન મુજબ આજે શહેરની શાળા-કોલેજો આસપાસના ૧૦૦ મીટર વિસ્તારમાં ગુટકા અને તંબાકુ પ્રોડકટના વેચાણ ઉપર પ્રતિબંધના સી.ઓ.ટી.પી. (કોટપા) એકટની અમલવારી માટે ૧૭ જેટલી શાળાઓના ૧૦૦ મીટર વિસ્તારમાં કુલ ૪૧ વેપારીઓને ત્યાં ચેકીંગ કરી અને ૨૮ વેપારીઓને ત્યાંથી કુલ ૮ કિલો તમાકુ, ૧૨૮ નંગ તમાકુવાળી ફાકીઓ તથા ૧૩૦ જેટલા સીગારેટના પેકેટ અને ૫૪૦ નંગ બીડીની ઝુડીઓ ઝડપી લઈ અને તેનો નાશ કર્યો હતો. તેમજ તમામ વેપારીઓ પાસેથી કુલ રૂ. ૧૪૦૦નો દંડ વસુલ કર્યો હતો.

ઉપરોકત કોટપા એકટ હેઠળ સરદારનગર પટેલ બોર્ડીંગ સ્કૂલ, માયાણીનગર, યુનિવર્સલ સ્કૂલ, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ, પરિમલ સ્કૂલ કાલાવડ રોડ, જીવરાજ પાર્ક, નચિકેતા સ્કૂલ, રાજકોટ પબ્લિક સ્કૂલ, ધરમનગરમાં એસ.કે.પી. સ્કૂલ, ધોળકીયા સ્કૂલ, આર.કે.સી., કુંડલીયા કોલેજ, વિરાણી સ્કૂલ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ, પી.ડી.એમ. કોલેજ, બાયસાહેબબા સ્કૂલ વગેરે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે દરોડા પાડી અને પાન-બીડીના દુકાનદારો ઉપરાંત ખાણી-પીણીના લારી-ગલ્લાવાળાઓને ફુડ લાયસન્સ લેવા માટે નોટીસો ફટકારી હતી.

કોટપા એકટ કાયદા હેઠળના પ્રતિબંધ

રાજકોટ : નાયબ આરોગ્ય અધિકારી ડો. પંજક રાઠોડે જણાવેલ કે COTPA (કોટપા) ૨૧૦ સીગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ અકટ કાયદાના મુખ્ય મુદ્દા

૧. જાહેરમાં ધ્રુમપાન કરવા પર પ્રતિબંધ છે. (રોડ, બગીચા, હોસ્પિટલ, ઓફિસો, હોટેલ વિગેરે જગ્યાએ આવી જગ્યાએ નક્કી કરેલા સ્મોકર ઝોનમાં જ ધ્રુમપાન થઇ શકે).

૨. સીગરેટ કે અન્ય તમાકુ પ્રોડકટની જાહેરાત પર મનાઇ છે. આ અંગેના દુકાન પર બોર્ડ પણ ન રાખી શકાય.

૩. શાળાની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તાર તથા ૧૮ વર્ષથી નાના બાળકોને તંબાકુની પ્રોડકટ વેચવી ગુન્હો બને છે.

૪. કોઇપણ તંબાકુની પેકમાં વેચાતી પ્રોડકટસના લેબર પર નિકોટીનનું પ્રમાણ, અન્ય ઉમેરેલ વસ્તુ દર્શાવવી ફરજીયાત છે. ધ્રુમપાનથી મૃત્યુ તથા તંબાકુ ખાવાથી કેન્સર થાય છે તે પેકેટ ઉપર સ્પષ્ટ ભાષામાં દર્શાવવું ફરજીયાત છે.

૫. તંબાકુ પ્રોડકટના ઉત્પાદકો જો પેકેટ ઉપર ચેતવણીનુું લખાણ કરેલ ન હોયતો પ્રથમ વખતે ૫૦૦૦નો દંડ તથા ર વર્ષની જેલની સજાની જોગવાઇછે બીજીવાર આવુ કરે તો દંડની રકમ ૧૦૦૦૦ તથા પ વર્ષની જેલીની સજાની જોગવાઇ છે.

૬. શાળાની ૧૦૦ મીટરની આજુબાજુ ગુટખા વેચતા ૧૮ વર્ષથી નાની ઉંમરના તંબાકુ પ્રોડકટ વેચતા અથવા તો જાહેર સ્થળોએ ધ્રુમપાન કરતા આસામીઓને ૧૦૦ના દંડની જોગવાઇ છે.

૭. તંબાકુ પ્રોડકટની જાહેરાત કરવાના પ્રથમ કિસ્સામાં ર વર્ષ જેલ તથા રૂ. ૧૦૦૦/- નો દંડ અને ત્યારબાદ પાંચ વર્ષ જેલ તથા પાંચ હજાર દંડની જોગવાઇ છે.

(4:00 pm IST)