Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

નવ વર્ષ જુના પ્રેમ પ્રકરણને કારણે વિશાલ વાળંદની ઓફિસમાં ઘુસી હુમલોઃ ચેઇન અને મોબાઇલની લૂંટ

રૈયા ટેલિફોન એક્ષચેન્જવાળી શેરીમાં રોયલ ટ્રાવેલ્સમાં મોડી રાત્રે બનાવઃ પરિણીતાના ભાઇ સિધ્ધરાજસિંહ ઝાલા અને સાથેના મહેન્દ્રસિંહ જાડેજાએ ધમાલ મચાવ્યાની ફરિયાદ

રાજકોટ તા. ૨૩: ભકિતનગર સ્ટેશન રોડ પર રહેતાં અને રૈયા ટેલિફોન એક્ષચેન્જવાળી શેરીમાં પાણીના ટાંકા પાસે રોયલ ટ્રાવેલ્સ નામે ઓફિસ ધરાવતાં વિશાલ વિનોદભાઇ ચોૈહાણ (ઉ.૩૦) નામના વાળંદ યુવાન પર નવ વર્ષ જુના પ્રેમ પ્રકરણને કારણે પરિણીતાના ભાઇ સહિત બે શખ્સે હુમલો કરી માર મારી ઓફિસમાં તોડફોડ કરી મોબાઇલ ફોન અને સોનાના ચેઇનની લૂંટ ચલાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે વિશાલ ચોૈહાણની ફરિયાદ પરથી ગુરૂપ્રસાદ ચોક મધુવન સોસાયટી-૨માં રહેતાં મહેન્દ્રસિંહ જાડેજા અને સિધ્ધાર્થસિંહ દેવુભા ઝાલા સામે આઇપીસી ૩૨૩, ૩૯૪, ૪૨૭, ૪૫૨, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિશાલના કહેવા મુજબ તે પરિવાર સાથે રહે છે અને ટ્રાવેલ્સનો ધંધો કરે છે. શુક્રવારે રાતે અગિયારેક વાગ્યે પોતે ઓફિસે હતો ત્યારે પી.ડી. માલવીયા કોલેજ પાછળ રહેતાં સ્ધ્ધિરાજસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ વર્ના કાર લઇને આવ્યા હતાં અને ઓફિસમાં ઘુસી ગયા હતાં. બાદમાં તેનો મોબાઇલ ફોન આંચકી લીધો હતો અને ગાળાગાળી શરૂ કરી હતી. સિધ્ધરાજસિંહે 'તું હજુ મારી બહેન પાછળ પડેલો છે, તારા કારણે બહેનનું ઘર બરબાદ થયું છે' તેમ કહેતાં પોતાને હવે કોઇ રિલેશન નથી તેવો જવાબ આપ્યો હતો.

એ પછી મહેન્દ્રસિંહે ગઢદા-પાટુનો માર મારવાનું શરૂ કરી ઢસડીને દિવાલમાં માથુ પછાડ્યું હતું. તેમજ સોનાનો ચેઇન રૂ. ૩૦ હજારનો ખેંચીને કાઢી લઇ પોતાના પેન્ટના ખિસ્સામાં રાખી દીધો હતો. તેમજ ઓફિસમાં જ પડેલા ધોકાથી માર માર્યો હતો અને એપલનો ૩૫ હજારનો મોબાઇલ તથા ૩૦ હજારનો ચેઇન મળી ૬૫ હજારની મત્તા લૂંટી લીધી હતી. તેમજ બીજો મોબાઇલ તોડી નાંખ્યો હતો. લોકો ભેગા થઇ જતાં આ બંને ભાગી ગયા હતાં.

વિશાલે પોલીસને આ ઘટનાના કારણ અંગે જણાવ્યું હતું કે નવ વર્ષ પહેલા પોતે કોલેજમાં હતો ત્યારે સાથે અભ્યાસ કરતાં સિધ્ધરાજસિંહની બહેન સાથે પ્રેમ હતો. બંનેના પ્રેમસંબંધની જાણ તેણીના ઘરે થઇ જતાં તેણીના લગ્ન દિવ્યરાજસિંહ જાડેજા સાથે કરાવી દેવાયા હતાં.

દરમિયાન આજથી બે વર્ષ પહેલા તેણીએ વિશાલને ફોન કરી સાસરિયામાં ત્રાસ હોવાની વાત કરતાં વિશાલે તેણીને માવતરને જાણ કરવાનું કહ્યું હતું. ત્યાર પછી એટલે કે આજથી અઢી મહિના પહેલા તેણી વિશાલના ઘરે આવી હતી અને તેની જાણ તેના ભાઇ સિધ્ધરાજસિંહને થતાં તે પણ આવેલ અને સમજાવીને તેની બહેનને લઇ ગયેલ. એ પછી તેણી તેની દિકરીને લઇને નીકળી ગઇ હતી. જેથી શંકા સાથે અરજી અપાતાં પોલીસે વિશાલને બોલાવ્યો હતો. ત્યાં તેણી મળી ગઇ હતી અને નારી ગૃહમાં જતી રહી હતી. તે વખતે મિત્ર વિરાજભાઇ ચોૈહાણે સમાધાન કરાવ્યું હતું. ત્યારે પણ સિધ્ધરાજસિંહે ઘરે આવી ઝઘડો કર્યો હતો અને એવું કહેલ કે તું નારીગૃહમાં જઇને તેણીને તેના ઘરે જવા સમજાવી દે. જેથી વિશાલ નારીગૃહમાં ગયો હતો અને તેના પરિવારજનોની હાજરીમાં તેણીને સમજાવી હતી. પરંતુ તે પિયરે કે સાસરે જવા તૈયાર ન થતાં તે બાબતનો ખાર રાખી તેણીના ભાઇ સહિત બે જણાએ ઓફિસમાં ઘુસી વિશાલને માર મારી લૂંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. પીએસઆઇ કે. એન. ડોડીયાએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)