Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

રૈયાના આરટીઆઇ એકટીવિસ્ટ મહેશ પરમારને કોન્ટ્રાકટર પેમા ઉર્ફ બસલીની ખૂનની ધમકી

પૂર્વ ઝોનના વોટર વર્કસના ૬ કામો રી-ઓપન કરાવવાની માંગણી કરી હોઇ ખાર રાખી ધમકી : પેમાએ બે શખ્સોની હાજરીમાં છરીના ઘોદા મારી દેવાની વાત કરી હોવાની અરજી પરથી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૩: રૈયા ગામમાં રહેતાં આરટીઆઇ એકટીવિસ્ટ મહેશ મનસુખભાઇ પરમાર (ઉ.૩૩) નામના વણકર યુવાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના ૬ કોન્ટ્રાકટરના વોટર વર્કસના કામોમાં ગેરરીતિની શંકાએ આ કામો રિ-ઓપન કરાવવા લડત શરૂ કરી હોઇ તે અંતર્ગત વિજીલન્સની તપાસ શરૂ થતાં તેનો ખાર રાખી શિવ કન્ટ્રકશનવાળા કોન્ટ્રાકટર અને બે અજાણ્યા શખ્સોએ તેને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં દાખલ થયો છે. ગત ફેબ્રુઆરી માસમાં આ ધમકી અપાઇ હતી. અરજી પરથી પોલીસે કાર્યવાહી કરી છે.

બનાવ અંગે મહેશ પરમારની ફરિયાદ પરથી પેમો ઉર્ફ બસ્લી અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો છે. મહેશ પરમારે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતી કરવા ઉપરાંત વેપાર કરુ છું. ગત તા. ૩/૨/૧૮ના સાંજે સવા આઠેક વાગ્યે હું ઘરે હતો ત્યારે વેજાગામના મારા મિત્ર ઘેલાભાઇનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે તારે અને પેમાને કંઇ માથાકુટ હોય તો સમાધાન કરી નાંખીએ. આથી હું તા. ૪ના રોજ સવારે રૈયા રોડ આલાપ ગ્રીન સીટી પાસે ગયો હતો. જ્યાં મિત્ર ઘેલાભાઇ આવ્યો હતો.

આ વખતે ઘેલાભાઇએ વાત કરેલી કે અમારા ગામમાં વાણીયા પરિવારના માંડવામાં પેમો આવ્યો હતો અને એ તારૂ નામ લઇને માથાકુટ કરતો હતો. આથી મને ખબર પડી હતી કે તારે પેમા સાથે માથાકુટ ચાલે છે. તું કહેત ો હું પેમા સાથે સમાધાન કરાવી દઇશ. આ વાત પછી હું લગ્નપ્રસંગમાં રોકાઇ ગયો હતો. ૨૩/૨ના રોજ મિત્રના ભાઇ ભગુભાઇ ડાભીએ રૈયા ચોકડીએ મળી વાત કરી હતી કે વાણીયા પરિવારના માંડવામાં પેમો અને બે શખ્સો  રૈયાના મહેશને છરીના ઘોદા મારી દેવા છે તેવી વાતો કરી ધમકી આપતાં હતાં. લોકોએ તેને માંડવામાં બેસાડી દીધા હતાં.

આમ ભગુભાઇ દ્વારા પણ મને પેમા સહિતના ત્રણ જણાએ ધમકી આપ્યાની વાત જાણવા મળી હતી. જેથી તેના વિરૂધ્ધ અરજી આપી હતી. આ અરજી પરથી યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. એચ. એસ. પરમારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેશ પરમારના કહેવા મુજબ પોતે આરટીઆઇ એકટીવિસ્ટ છે અને પૂર્વ ઝોનના વોટર વર્કસના કામોમાં ગેરરીતિ થઇ હોઇ આ કામો રી-ઓપન કરાવવા કોર્પોરેશનમાં અરજી કરી હતી. જેમાં પેમાના શિવ કન્ટ્રકશનનું કામ પણ સામેલ હોઇ જે બાબતે મનદુઃખ ચાલતું હોવાથી તે મારી નાંખવાની વાતો કરતો રહે છે.

ઉલ્લેખનિય છે કે મહેશ પરમારે આ કામો રી-ઓપન કરાવવાની માંગણી સાથે અગાઉ ૧૩/૬ના રોજ મ્યુ. કોર્પોરેશન કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે કમિશ્નરે વિજીલન્સ તપાસ કરાવી હતી.

મહેશ પરમારે અગાઉ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાકટરોએ ભરપુર માત્રામાં ખોટા બીલો રજૂ કરી  મહાપાલિકાને ચૂનો લગાવ્યો છે. આ કામોના બીલો ખોલીને બતાવવા માટેની અરજી તેણે ૨૫-૪-૧૭ના સીટી એન્જીનિયર શ્રી કામલીયાને કરી હતી. પણ કોન્ટ્રાકટરોને છાવરીને અરજી ધ્યાને ન લેતાં કંટાળીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તે વખતે પોલીસે અટકાયત કરી હતી. અંતે આ કામો રી-ઓપન કરવાની તપાસ વિજીલન્સ દ્વારા શરૂ થતાં ધમકી શરૂ થઇ હતી. તેમ મહેશ પરમારે જણાવ્યું હતું.

(12:51 pm IST)