Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

સરધારમાં 'તારો ભાઇ કેમ ટૂંકા કપડા પહેરીને ફરે છે?'કહી હંસાબેન મકવાણાનો હાથ ભાંગી નાંખ્યો

પડોશી વિનુ લુણસીયા અને તેની પત્નિ પ્રભા પાઇપથી તૂટી પડ્યાઃ વણકર મહિલા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો

રાજકોટ તા. ૨૩: સરધારમાં લીલી સાજડીયાળી રોડ પર આનંદનગર કવાર્ટરમાં રહેતાં હંસાબેન જેસીંગભાઇ મકવાણા (ઉ.૩૦) નામના દલિત મહિલા પર તેની સામે જ રહેતાં દલિત દંપતિ વિનુભાઇ લુણસીયા અને તેની પત્નિ પ્રભાબેન લુણસીયાએ પાઇપથી હુમલો કરી જમણો હાથ ભાંગી નાંખતા અને પથ્થરમારો કરતાં હંસાબેન તથા તેના પરિવારજનોને ઇજા થતાં ફરિયાદ થઇ છે.આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ એફ. આર. રાઠવાએ હંસાબેનની ફરિયાદ પરથી તેના પડોશી દલિત દંપતિ સામે ગુનો નોંધ્યો છે. હંસાબેનના કહેવા મુજબ તેનો ભાઇ વિજય (ઉ.૧૯) સર ગામનો વતની છે અને હાલમાં પોતાની સાથે રહી કડીયા કામની મજૂરી કરે છે. તે બાથરૂમમાંથી નહાઇને ટુવાલ પહેરીને રૂમમાં જવા નીકળે છે. સામે જ રહેતાં વિનુભાઇ અને અમારા ઘરની વચ્ચે દિવાલ નથી, માત્ર કાંટાની વાડ છે. રૂમમાં જવા માટે ફરજીયાત ફળીયામાં આવવું પડે છે. આ સામે વિનુભાઇ અને તેના પત્નિએ વાંધો ઉઠાવી 'તારો ભાઇ કેમ ટૂંકા કપડા પહેરીને અમારા ઘર સામે જોવે છે?' તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ હુમલો કર્યો હતો. પોલીસે બંનેની ધરપકડની તજવીજ કરી છે. (૧૪.૭)

(11:45 am IST)