Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

વાળંદ યુવાનને છોડાવવા માટે પોલીસે યુવાનના પિતા બનીને અપહરણકારો સાથે વાત કરી સકંજામાં લીધા

ભાડાનો રૂમ શોધવા આવેલી ગોંડલની પરિણીતા સાથે વાળંદ યુવાનને થયેલી ઓળખાણ અપહરણ સુધી પહોંચી : ગોંડલના પ્રદિપ સિંધવ (રજપૂત)ની બહેન સાથે લક્ષ્મીનગરના પરિણીત યુવાન નિલેષ વાળંદને પ્રેમ હોવાની શંકાએ દૂકાનેથી ઉઠાવી જવાયો'તોઃ પોલીસની ભારે જહેમત બાદ છુટકારો થયો : પ્રદિપ સિંધવ તથા તેના મિત્રો સુખદેવસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ દોડ, યશ રાજગોર, અનિલ ગોહેલ, મેહુલ જસાણી અને ધર્મેશ ડોડીયાની ધરપકડ

તસ્વીરમાં જેને ઉઠાવી જવાયો હતો તે વાળંદ યુવાન નિલેષ (માથે પાટો બાંધ્યો છે તે) તથા અપહરણકારો સાથે નિલેષના પિતા તરીકે વાત કરી તેને સમાધાનની વાત કરવા બોલાવવા તૈયાર કરનાર હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા તથા બાજુની તસ્વીરમાં પીએસઆઇ કાનમીયા તથા નીચેની તસ્વીરમાં પકડાયેલા શખ્સો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: લક્ષ્મીનગર-૨/૩માં રહેતાં અને ૧૫૦ ફુટ રીંગ રોડ પર ગિરીરાજ હોસ્પિટલવાળી શેરીમાં જગન્નાથ ચોકમાં સાગર હેર આર્ટ નામે વાળંદ કામની દૂકાન ધરાવતાં પરિણીત વાળંદ યુવાન નિલેષ ઉર્ફ નરેન દિલીપભાઇ રાઠોડ (ઉ.૩૦) નામના વાળંદ યુવાનને ગત સાંજે પાંચેક વાગ્યે તેને ગોંડલની પરિણીતા સાથે પ્રેમસંબંધ હોવાની શંકાએ આ પરિણીતાનો ભાઇ સહિતના સાત શખ્સો ઉઠાવી ગયા હતાં. આ યુવાનને છોડાવવા પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. અપહરણકારોને છેતરીને સમાધાનની વાત કરવા માટે સામે આવવા બાબતે સમજાવવા  એક હેડકોન્સ્ટેબલે ફોન પર પોતે અપહૃતના પિતા દિલીપભાઇ બોલે છે તેમ કહી વાતો કરી હતી અને છેલ્લે તમામને મળવા બોલાવી સકંજામાં લઇ અપહૃતને હેમખેમ છોડાવ્યો હતો.

તાલુકા પોલીસે નિલેષના પિતા દિલીપભાઇ મોહનભાઇ રાઠોડ (ઉ.૫૮)ની ફરિયાદ પરથી આઇપીસી ૩૬૫, ૪૫૨, ૩૨૩, ૧૪૩, ૧૧૪ મુજબ અપહરણ કરી ગોંધી રાખી મારકુટ કરવા સબબ ગુનો નોંધી ૭ શખ્સો ગોંડલ ઉમવાળા ફાટક પાસે રહેતાં પ્રદિપ છગનભાઇ સિંધવ (રજપૂત) (ઉ.૨૨) તથા રાજકોટના તેના મિત્રો સુખદેવસિંહ પોપટભાઇ ચાવડા (ઉ.૨૯-રહે. ગોકુલ પાર્ક-૩ કોઠારીયા રોડ), નરેન્દ્રસિંહ મનસુખસિંહ દોડ (ઉ.૨૩-રહે. વિરાટનગર-૩), યશ રાજશેભાઇ રાજગોર (ઉ.૨૨-રહે. ખીજડવાળો રોડ, આરએમસી કવાર્ટર),   અનિલ પ્રતાપભાઇ ગોહેલ (ઉ.૪૦-રહે. લક્ષ્મીનગર-૬), મેહુલ અરવિંદભાઇ જસાણી (ઉ.૩૦-રહે. મવડી ચોકડી) તથા ધર્મેશ નટુભાઇ ડોડીયા (ઉ.૩૫-રહે. ગોકુલધામ-૩)ની ધરપકડ કરી છે.

નિલેષ ઉર્ફ નરેન સાંજે પાંચ વાગ્યે તેની દૂકાને હતો ત્યારે કેટલાક શખ્સો મારકુટ કરીને ઉઠાવી ગયાની જાણ થતાં પિતા દિલીપભાઇ રાઠોડ, ભાઇ સહિતના પરિવારજનોએ શોધખોળ કરી હતી. નિલેષને ફોન જોડતાં તેણે પોતાને બાઇકમાં બેસાડી પ્રદિપ સિંધવ, નરેન્દ્રસિંહ, સુખદેવસિંહ સહિતના ઉઠાવી ગયાનું જણાવ્યું હતું. શોધખોળ બાદ દિલીપભાઇએ પોલીસને જાણ કરતાં ક્રાઇમ બ્રાંચ અને તાલુકા પોલીસની ટીમોએ દોડધામ શરૂ કરી હતી.

બીજી તરફ એડી. ડીસીપી હર્ષદ મહેતાની રાહબરીમાં ઇન્ચાર્જ પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, પીએસઆઇ આર. સી. કાનમીયા, પીએસઆઇ જોગરાણા, નગીનભાઇ ડાંગર, અરજણભાઇ, રાહુલભાઇ, ગોપાલભાઇ, હિરેનભાઇ સહિતની ટીમે દોડાધામ શરૂ કરી હતી.

અપહરણકાર પૈકીનો પ્રદિપ સતત અપહૃત નિલેષના પિતાને ફોન કરી 'મારી બહેનને ગમે ત્યાંથી લઇ આવો અને તમારા દિકરાને લઇ જાવ, નહિતર ઉંધો ટીંગાળશું અને આગળ વધશું' તેવી ધમકી આપતો હતો. બાદમાં હેડકોન્સ. હર્ષદસિંહે આ ફોન લઇ લીધો હતો અને પોતે જ નિલેષના પિતા બોલતાં હોય એ રીતે અપહરણકાર સાથે વાત કરી તેને છેતરીને  રૂબરૂ વાતચીત કરવાના બહાને બોલાવતાં એ મળવા માટે તૈયાર થયો હતો અને અપહૃતને સાથે લઇને પુનિતનગર પાણીના ટાંકા પાસે આવતા જ તમામને દબોચી લઇ નિલેષને મુકત કરાવાયો હતો. પોલીસની સુઝબુઝ કામ કરી ગઇ હતી.

અપહરણ પાછળનું કારણ એવું છે કે ગોંડલની એક રજપૂત પરિણીતા પતિ સાથે મનમેળ ન હોઇ જેથી રાજકોટ આવી હતી. તેણીને નિલેષ ઉર્ફ નરેન વાળંદે રૂમ શોધી આપવામાં મદદ કરી હતી અને એક મોલમાં નોકરીએ પણ રખાવી દીધી હતી. આ કારણે બંને વચ્ચે ઓળખાણ થઇ ગઇ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકાએ અગાઉ પણ એક વખત નિલેષને ઉઠાવી જવાયો હતો. જો કે ત્યારે ફરિયાદ કરી નહોતી. આ વખતે ફરીથી પરિણીતાના ભાઇએ મિત્રો સાથે મળી નિલેષને ઉઠાવી જઇ પુનિતનગર પાસેના મિનરલ વોટરના ગોડાઉનમાં ગોંધી રાખી મારકુટ શરૂ કરી હતી. આ ગોડાઉન ભાજપ કાર્યકરનું હોવાની ચર્ચાઓ વહેતી થઇ હતી. પોલીસે ઝડપાયેલા તમામને કાયદાનું ભાન કરાવ્યું હતું.

(12:49 pm IST)