Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં આપઘાત કરનાર નયના પણ દારૂની મહેફીલમાં સાથે હોવાનું મુકેશનું રટણ!

પુર્વ પ્રેમી પર હુમલામાં સામેલ હોવાની ંશંકાએ પુછતાછમાં બોલાવાયેલી ઢાંઢણી ગામની કોળી મહિલાને શનિવાર સાંજે જ પોલીસે ઘરે જવાનું કહેલું, પણ પતિ ખીજાશે એ બીકે રાતે પોલીસ સ્‍ટેશને રોકાઇ જતાં મહિલા પોલીસની હાજરીમાં બારનીશી રૂમમાં સુવડાવાઇ હતી : શુક્રવારે સાંજે ઘરેથી ગઢકા રોડ પર રવિ નામના શખ્‍સ સાથે દેશી દારૂ પીધા બાદ બેભાન થઇ ગયો ને શનિવારે કપાળે ગંભીર ઇજા સાથે મળ્‍યોઃ રવિ સાથે પૂર્વ પ્રેમિકા નયના પણ હોવાનું હોસ્‍પિટલના બિછાનેથી મુકેશનું રટણઃ હુમલામાં નયનાના કોઇ પરિચીતની સંડોવણી અંગે તપાસ : ફરિયાદમાં મુકેશે જેનું નામ આપ્‍યું એવો રવિ નામનો કોઇ શખ્‍સ અણીયારામાં છે જ નહિ!

આપઘાત કરનાર અણીયારા ગામની નયના કુકડીયા (કોળી) , મહેફીલ બાદ ઘટના સ્‍થળે જે હાલતમાં મુકેશ મળ્‍યો તે તસ્‍વીર તથા આજે સવારે મુકેશની હોસ્‍પિટલમાં લેવાયેલી તસ્‍વીર
રાજકોટ તા. ૨૩: ત્રંબાના ઢાંઢણી ગામની નયનાબેન પ્રફુલ કુકડીયા (ઉ.વ.૩૫) નામની કોળી પરિણીતાએ ગઇકાલે આજીડેમ પોલીસ સ્‍ટેશનના લેડીઝ વોશરૂમમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેના કારણે મહિલાએ આત્‍મહત્‍યા કરી એ ત્રંબાનો તેનો પૂર્વ પ્રેમી મુકેશ માધવજીભાઇ અઘારા (ઉ.વ.૪૩) શુક્રવારે સાંજે ઘરેથી નીકળ્‍યા બાદ શનિવારે સવારે ત્રંબાની સીમમાં ગઢકા રોડ પરથી કપાળે ગંભીર ઇજા સાથે મળ્‍યો હતો. મુકેશ પર હુમલામાં નયના કંઇક જાણતી હોવાની શંકાએ આજીડેમ પોલીસે શનિવારે તેણીને પુછતાછ માટે બોલાવી હતી અને સાંજે ઘરે જવા કહ્યું હતું. પરંતુ પોતાને પતિ ખીજાશે એવી બીકે તે રાતે પોલીસ સ્‍ટેશને જ રોકાશે તેમ કહેતાં તેને મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલની દેખરેખ હેઠળ બારનીશી રૂમમાં સુવડાવાઇ હતી. એ પછી તેણીએ રવિવારે બાથરૂમ જવાના બહાને આપઘાત કર્યો હતો. બીજી તરફ હોસ્‍પિટલના બિછાનેથી મુકેશ કોળીએ ફરીથી એવું રટણ કર્યુ છે કે પોતે રવિ સાથે દારૂની મહેફીલ માંડી હતી ત્‍યારે ત્‍યાં નયના પણ હાજર હતી! હુમલામાં નયનાના કોઇ નજીકના સામેલ હોવાની શંકાએ તપાસ થઇ રહી છે.
ઘટનાની વિગતો જોઇએ તો ત્રંબાનો મુકેશ અઘારા શનિવારે સવારે ગઢકા રોડ પરથી કપાળે ગંભીર ઇજા સાથે મળતાં અર્ધબેભાન જેવી હાલતમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. તે મોડેથી ભાનમાં આવતાં પોલીસે તેની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૩૨૬, જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્‍યો હતો.
મુકેશે ફરિયાદમાં કહ્યું હતું કે હું ઘરે ઇમિટેશનનું કામ કરુ છું. તા. ૨૦/૫ના શુક્રવારે સાંજે સાડા આઠેક વાગ્‍યે અણીયારાના મારા મિત્ર રવિ કોળીનો ફોન આવ્‍યો હતો. જેથી હું મારું એક્‍સેસ જીજે૦૩એલએસ-૯૪૧૮ લઇને ગયો હતો. રવિએ કહેલું કે ગઢકા રોડ પર ઘરઘંટના કારખાના પાસે ખુલ્લા પટમાં આપણે દારૂ પીવાનો છે. હું પટમાં પહોંચતા રવિ હાજર હતો અને તેની પાસે પ્‍લાસ્‍ટીકની બોટલમાં દેશી દારૂ હતો. જે અમે બંનેએ થોડો થોડો પીધો હતો. એ પછી હું ત્‍યાં જ ખુલ્લા પટમાં સુઇ ગયો હતો. શનિવારે સવારે આઠેક વાગ્‍યે જાગતાં મને કપાળ માથા મોઢા પર અને આંખ પાસે ઇજાના નિશાનો હતાં. દાઢી અને માથાના વચ્‍ચેના ભાગે પથ્‍થરના ઘા માર્યા હોય તેવી ઇજા હતી. ખુબ જ લોહી નીકળતું હતું અને હુંઅર્ધબેભાન જઇ ગયો હતો.
મેં તપાસ કરતાં મેં પહેરેલો સોનાનો દોઢ તોલાનો ચેનઇ રૂા. ૫૦ હજારનો, કાંડામાંથી સોનાની દોઢ તોલાની લક્કી ૫૦ હજારની, આંગળીમાંથી ૭ હજારની વીંટી તેમજ મારો ૫૦૦૦નો મોબાઇલ ફોન ગાયબ હતાં. મારા કોઇ ગામના વ્‍યક્‍તિ નીકળતાં મારા સગાને જાણ કરતાં તેઓ આવી ગયા હતાં અને મને દવાખાને ખસેડયો હતો. આજીડેમ પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં એએઅસાઇ એસ. એસ. ગોસાઇ સહિતે મુકેશની આ કેફીયત મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
કોણે હુમલો કર્યો અને કોણ દાગીના મોબાઇલ લઇ ગયું? તે અંગે પોતે જાણતો ન હોવાનું મુકેશે કહ્યું હતું. પોલીસે તપાસ કરતાં મુકેશને અગાઉ ત્રંબા રહેતી અને હાલ ઢાંઢણી ગામે સાસરૂ ધરાવતી નયના પ્રફુલ કુકડીયા નામની મહિલા સાથે મુકેશેને  તે કુંવારી હતી ત્‍યારે પ્રેમસંબંધ હોવાનું અને ફરીથી છએક મહિનાથી બંને ફોનમાં વાતો કરતાં હોવાનું જણાતાં તેમજ મુકેશના પત્‍નિ રેખાબેન સહિતે પણ શંકા દર્શાવતાં પોલીસ નયનાને શનિવારે પુછતાછ માટે આજીડેમ પોલીસ સ્‍ટેશને લાવી હતી. રૂટીન મુજબ કાર્યવાહી બાદ સાંજે મહિલાને ઘરે જવા દેવાનો નિયમ હોઇ નયનાને પણ ઘરે જવા કહેવાયું હતું. પરંતુ પોતાને પતિ ખીજાશે એવી બીક લાગતાં નયનાએ પોતે સવારે જશે તેમ કહેતાં પોલીસના કહેવા મુજબ તેણીને બારનીશી રૂમમાં સુવડાવાઇ હતી. ત્‍યાં મહિલા કોન્‍સ્‍ટેબલને પણ રખાયા હતાં.
રવિવારે સવારે નયનાબેને પોલીસ મથકના લેડીઝ બાથરૂમમાં જઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણીના માતવર કસ્‍તુરબાધામ ત્રંબામાં રહે છે. તેના લગ્ન ઢાંઢણીના પ્રફુલ કુકડીયા સાથે થયા હતાં. સંતાનમાં બે પુત્ર છે. ઘટનાને પગલે ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી વી. એમ. રબારી સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. પીઆઇ વી. જે. ચાવડા અને ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી.
બીજી તરફ આજે સવારે હોસ્‍પિટલના બિછાનેથી મુકેશ અઘારાએ એવું રટણ કર્યુ હતું કે શુક્રવારે પોતે રવિ સાથે દારૂની મહેફીલમાં ગયો ત્‍યારે ત્‍યાં નયના કુકડીયા પણ હાજર હતી. વર્ષો પહેલા એ કુંવારી હતી ત્‍યારે મારે તેની સાથે પ્રેમ હતો. પરણી ગયા પછી સંબંધ પુરો થઇ ગયો હતો. આજથી છએક મહિના પહેલા ફરીથી અમે ફોનમાં વાત ચાલુ કરી હતી. ત્‍યાં મારી પત્‍નિ રેખાને ખબર પડી જતાં તેણીએ નયનાના પતિને ફરિયાદ કરી હતી. શુક્રવારે રવિ સાથે નયના પણ હાજર હતી. જો કે મારા પર હુમલો કોણે કર્યો? તેની મને ખબર નથી. મુકેશના આ રટણમાં કેટલી સચ્‍ચાઇ છે? તેની તપાસ થઇ રહી છે.
પોલીસે તપાસ કરતાં અણીયારામાં રવિ નામનો કોઇ શખ્‍સ મળ્‍યો નથી. ત્‍યારે મુકેશે હજુ પણ સાચી વિગતો છુપાવી રહ્યાની શક્‍યતા છે. હુમલામાં નયનાના જ કોઇ નજીકના સામેલ હોવાની દિશામાં પણ તપાસ થઇ રહી છે. ઝડપથી સાચી વિગતો સામે આવશે તેવો આશાવાદ પોલીસે વ્‍યક્‍ત કર્યો છે. નયનાની અને મુકેશની તસ્‍વીરો ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

 

(11:07 am IST)