Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૪મો સ્થાપના દિન પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને પુષ્પાંજલિ

રાજકોટ તા. ૨૩ : શિક્ષકનો જીવ, શિક્ષણવિદ્ અને શિક્ષણનાં પંડીત સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનાં સ્થાપક અને પ્રથમ કુલગુરૂ ડોલરરાય માંકડ (ડોલરકાકા) ની દિર્ઘદ્રષ્ટી અને સૌરાષ્ટ્રનાં યુવાનોને ઉચ્ચશિક્ષણ માટે રાજય બહાર ને દુર સુધી ન જવું પડે તેવા વિચારને મુર્તીમંત્ર કરી ડોલરકાકા એ વર્ષ ૧૯૬૭ની ૨૩ મી મે નાં સૌરાષ્ટ્રનાં પાટનગર એવા રાજકોટ ખાતે 'સૌરાષ્ટ્ર યુનીવર્સિટી'ની સ્થાપના કરી અને સૌરાષ્ટ્રને શિક્ષણનું હૃદય અર્પણ કર્યું.

ધરમપુરનાં ઉતારાથી શરૂ થયેલ સૌરાષ્ટ્ર યુનીવર્સિટીની આ યાત્રા આજે ૫૪ મા વર્ષે સર્વે કુલગુરૂઓ, સત્તામંડળનાં સભ્યો, પ્રાધ્યાપકો, આચાર્યો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓનાં સહીયારા અવિરત પ્રયાસથી 'વટવૃક્ષ' બની ઉભી છે. આજે પુજય ડોલરકાકાનું સ્વપ્ન પુર્ણ થયેલું જણાય છે.ઙ્ગ

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ઉચ્ચ કક્ષાના હોદેદારો, જજો, વકીલો, ડોકટરો, અનેકવિધ મહાનુભાવો સૌરાષ્ટ્ર યુનીવર્સિટીનાં પુર્વ વિદ્યાર્થીઓ છે જે ગૌરવની વાત છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ યુનીવર્સિટીનાં ૫૪ મા સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

સૌરાષ્ટ્ર યુનીવર્સિટીએ ગુજરાત રાજયની સૌપ્રથમ એ-ગ્રેડ પ્રાપ્ત કરનાર યુનીવર્સિટી છે અને આ યુનીવર્સિટી દ્વારા ઉચ્ચશિક્ષણની આ જયોત અવિરત પ્રગટતી રહેશે અને સૌરાષ્ટ્ર યુનીવર્સિટી એ વિશ્વકક્ષાએ અગ્રીમ હરોળમાં સ્થાન પ્રાપ્ત કરશે.માતા સરસ્વતીજી પૂજન અને પૂજય ડોલરકાકાના પુષ્પાંજલિ કાર્યક્રમમાં કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક નીલેશભાઈ સોની તથા સર્વ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:35 pm IST)