Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

Paytm અને Kyc અપડેટ કરવાનું છે કોલ આવ્યા બાદ પેટ્રોલ પંપ સંચાલકના ખાતામાંથી પૈસા ઉપડી ગયા

શાપર-વેરાવળમાં બનાવઃ રાજકોટના નિરવભાઇ ઉદેશીની ફરિયાદઃ શાપરનો ડાર્વીન માંકડીયા અને જામનગરનો અમીતસીંગ બૈરાગી સકંજામાં: રૂષી અને કોલ કરનારની શોધખોળ

રાજકોટ તા. ર૩: યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટમાં રહેતા પેટ્રોલ પંપના સંચાલકને એટીએમ અને કેવાયસી અપડેટ કરવાનું છે તેવો કોલ આવતા વેપારીના બેંક ખાતામાંથી રૂ. પ,૦ર૭ ઉપડી જતા શાપર-વેરાવળ પોલીસ મથકમાં ચાર શખ્સો વિરૂધ્ધ ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર જલારામ પ્લોટમાં રહેતા અને કાલાવડ નજીક પેટ્રોલ પંપ ધરાવતા નિરવભાઇ હસમુખભાઇ ઉદેશી (ઉ.વ. ૩૦) પરમ દિવસે પોતાના ઘરે હતા ત્યારે તેના મોબાઇલમાં ૮૩૮૮૮ ૦૩૮૧પ નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો. કોલ કરનાર શખ્સ હિન્દીમાં વાત કરતો હતો તેણે કહ્યું કે 'કેવાયસીમાંથી બોલું છું તમારૃં પેટીએમ અને કેવાયસી અપડેટ કરવાના છે. તમે પ્લે સ્ટોરમાંથી ટીમ વાયવર કવીકસ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરો' તેમ કહેતા નિરવભાઇએ પોતાના મોબાઇલમાં તે એપ્લીકેશન ડાઉનલોડ કરતા પોતાના ફોન હેક થઇ જતો પોતે તાકીદે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. બાદ ચાલુ કરતા પોતાના પેટીએમ એકાઉન્ટ સાથે જોડેલ બેન્ક ઓફ બરોડા બેંકના એકાઉન્ટમાંથી રૂ. ૪,૯૯૦ પેટીએમમાં ગીફટ વાઉચરમાં ટ્રાન્સફર થવાનો મેસેજ આવ્યો હતો મેસેજ આવતા પોતાની સાથે છેતરપીંડી થયાની ખબર પડતા પોતે તાકીદે રૂરલ એસ.પી. બલરામ મીણાને લેખીત અરજી કરતા આ અરજીની તપાસ એલસીબીના પીઆઇ એમ.એન.રાણાને સોંપવામાં આવી હતી. તપાસ દરમ્યાન શાપર-વેરાવળમાં પટેલ ટેલીફોમ વાળા ડાર્વીન મનસુખભાઇ માંકડીયા (રહે.નાના મવા સર્કલ રાજકોટ) અને અમીતસીંગ દીરયાસીંગ બૈરાગી (રહે. જામનગર નંદનપાર્ક સોસાયટી મુળ હરીયાણા) તથા રૂષી (મોટી પાર્ટી) તથા ફોન કરના શખ્સના નામ ખુલતા એલસીબીની ટીમે ડાર્વીન અને અમીત સીંંગને સકંજામાં લઇ લીધા હતા અને નીરવભાઇ ઉદેશીએ શાપર વેરાવળ પોલીસ મથકમાં ચારેય શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધવી હતી. આ બનાવમાં ડાર્વીન માંકડીયાએ અલગ-અલગ માણસો પાસેથી મોબાઇલ નંબરોના બીલ ભરવા માટે નંબરો મેળવી તે મોબાઇલ નંબરોના બીલ ભરવા માટે અપીતસીંગ બૈરાગીને નંબરો મોકલ્યા બાદ રૂષીએ એક શખ્સ પાસે ફોન કરાવી નિરવભાઇના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા હતા જેમાં અલગ અલગ મોબાઇલ નંબ્રો તથા બે ઇલેકટ્રીક વીજ બીલનું પેમેન્ટ કરવામાં આવ્યું હતું. આથી રૂ. ૫,૦૨૭ની રોકડની છેતરપીડી થયાનું બહાર આવતા પોલીસે વધુ તપાસ આદરી છે.

(12:04 pm IST)