Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

નેશન ફર્સ્ટ મંત્રને જીવી જાણનાર જંગલેશ્વરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મી- કોરોના વોરિયરોનું કરાયેલું અદકેરૂં સન્માન

રાજકોટ :રાજકોટ શહેર અને ગુજરાત રાજ્યનો પ્રથમ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો એવા જંગલેશ્વર વિસ્તારમાં જેમણે પાયાની સુદ્રઢ સેવા બજાવી છે તેવા કોરોના વોરિયરોનું. રાજકોટની પ્રાદેશિક માહિતી કચેરી ખાતે માહિતી પરિવારે અદકેરૂં સન્માન કર્યું હતું. આ પ્રસંગે આ આરોગ્ય કર્મીઓએ તેમના અનુભવો અને આ કઠિન પરિસ્થિતિમાં બજાવેલી ફરજોના પ્રતિભાવો શેર કર્યા હતા.  
            ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં જંગલેશ્વર વિસ્તાર કોરોના વાયરસના પ્રથમ કેસથી લઈને આજદિન સુધી કોરોનાથી પ્રભાવિત છે. અખબારો અને ન્યુઝ ચેનલના આધારે  જંગલેશ્વરની પરિસ્થિતિનું અનુમાન લગાવતા જ આપણે કોરોના અને હોટસ્પોટ વિસ્તારની ગંભીરતા અનુભવીએ છીએ તે જ વિસ્તારમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મયોગીઓ દિવસ રાત પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. ત્યારે આજરોજ રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા  જંગલેશ્વર વિસ્તારમાં ફરજ પુરી કરીને પોતાના મુળ કાર્યક્ષેત્ર તરફ જઈ રહેલા ૧૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ ભાઈઓ સર્વેશ્રી જાવેદભાઈ પઠાણ, અલ્પેશભાઈ ગાબુ, સોહિલ ભટ્ટી, રસિક બગડા, મહમદજુનેદ શેખ, તુષાર રૈયાણી, સચીન મકવાણા, સૂર્યકાંત પરમાર, મહમદરિયાઝ બુખારી, વિજય શેખરવા, રાહિલ ભટ્ટી, રાકેશ ડાભી, ઘર્મેશ બાવળીયા, સંદિપ મકવાણાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
               યુધ્ધના મેદાનમાં દેખાતા શત્રુને પરાસ્ત કરવા માટે શસ્ત્ર-સરંજામ લઈને ઉતરતા યોધ્ધાઓની જેમ આરોગ્ય ક્ષેત્રના યોધ્ધાઓ માસ્ક, સેનેટાઈઝર, પી.પી.ઈ કીટ અને સકારાત્મક ઉર્જા સાથે કોરોનાને હંફાવવા દેશભરના આરોગ્ય કર્મીઓ છેલ્લા બે મહિનાથી અવિરત સેવા આપી રહ્યા છે. તેમની આ સેવાને બિરદાવતા રાજકોટ પ્રાદેશિક કચેરીના સંયુકત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડએ કહ્યું હતું કે, " ઈમારતની સુંદરતા તેના મજબુત પાયા પર નિર્ભર હોય છે. જો પાયા મજબુત નહીં હોય તો ઈમારતનું અસ્તિત્વ થોડા સમય પુરતું જ સિમિત રહેશે. તેમ આપ ૧૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કસ આરોગ્ય વિભાગની કામગીરીના પાયા સમા છો. તમારી ઉમદા કામગીરીને કારણે જ કોરોના પોઝીટીવ લોકો આપણી સમક્ષ આવ્યા છે અને તેમને સમયસર સારવાર આપીને કોરોના મુક્ત કરાયા અને તેના સંક્રમણને મર્યાદિત રાખી શકાયા છે તેનો શ્રેય આપ સૌને જાય છે. "
               આ ૧૪ કર્મીયોગી મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સના પ્રમુખ જાવેદ પઠાણે માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓની ઋજુતા અને સત્કારની લાગણીનો આભાર માનતા કહ્યું હતું કે, " કોરોનાની લડાઈમાં અમે ઘાર્યું નહોતું કે અમને જંગલેશ્વરનો નવો પરિવાર મળશે. જંગલેશ્વરમાં બજાવેલી ફરજ આજીવન મારા અંત:કરણમાં સમાયેલી રહેશે." કોરોનાની કામગીરી અંગે વાત કરતાં જાવેદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, "લોકોને ખાસ કરીને ઘરમાં રહેવાની, સોશ્યિલ ડિસ્ટનસીંગનું પાલન કરવાની ખાસ સુચના આપવામાં આવે છે. જંગલેશ્વરને કોરોના મુક્ત કરવા માટે અમે લોકોને મૃદુતાથી સમજાવતા કે માસ્ક પહેરવું, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને કારણ વગર ઘરની બહાર ન નીકળવું. ફરજ દરમિયાન અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે પરંતુ દેશસેવા પાસે તે બાબતો ગૌણ છે."
              "સાહેબ જવા દો ને, દવા લેવાની છે....પોલીસ ભાઈ મારે પૈસા ઉપાડવા જવું છે...." જેવા અનેક બહાનાઓના સાક્ષી બનેલા જંગલેશ્વર વિસ્તારના મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સ અલ્પેશભાઈ ગાબુએ પોતાનો અનુભવ રજુ કરતાં કહ્યું હતું કે, જંગલેશ્વર શરૂ થાય તે ચેકપોસ્ટ પર હું ફરજ બજાવતો હતો. લોકોને સજાવવા પડતા કે બહાના કાઢીને બહાર જવાનું ટાળો. તમારી બેદરકારી અન્ય લોકોને મુશ્કેલીમાં મુકી શકે છે. પરંતુ ઘણીવાર વ્યાજબી કારણો સાથે આવતા લોકોને બહાર પણ જવા દીધા છે."
               આ તકે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક નિરાલા જોશી, સહાયક માહિતી નિયામકશ્રી સોનલબેન જોશીપુરા અને જગદીશ સત્યદેવએ મલ્ટી પર્પસ હેલ્થ વર્કર્સનું તેમના બેઠક સ્થળ પર જઈને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. તેમજ માહિતી કચેરી તરફથી દરેક હેલ્થ વર્કર્સને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તકો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.

(7:35 pm IST)
  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST

  • હવે જાગૃતતા માટે માટલાનો સહારોઃ આ તસ્વીર રાજસ્થાનના કિશનગઢની જ્યાં માટીના વાસણ બનાવનારે પીવાના પાણીના માટલા પર કોરોના પ્રત્યે જાગૃતતાનો સંદેશ લખ્યો છે તે દેખાય છે access_time 10:46 am IST

  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST