Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જયસન ગેરેજમાં લિફટ નીચે દબાઇ જતાં બે યુવાનના મોત

ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે આવેલા કારના ગેરેજમાં બનાવઃ સંચાલક લેઉવા પટેલ યુવાન મુળ ટંકારા સાવડીના અલ્પેશ ગોસરા (ઉ.૨૫) અને કારીગર ટંકારાના ગણેશપુરાના લેઉવા પટેલ દિવ્યેશ ભાગીયા (ઉ.૨૫)ના મોતઃ અલ્પેશના ગયા વર્ષે જ લગ્ન થયા'તા : કારને ઉપર-નીચે લાવવા માટેની લિફટ છટકતાં બંને દબાયાઃ ગેરેજના ભાગીદાર તથા બીજા લોકોએ બંનેને જેક-જેસીબીથી લિફટ ઉંચી કરી બહાર કાઢ્યા

જ્યાં દૂર્ઘટના બની તે જયસન ગેરેજની અંદરની લિફટ, લોહીના ધાબા અને બંને હતભાગી મૃતક યુવાન તસ્વીરમાં જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: ગોંડલ રોડ પર ક્રિષ્ના પાર્ક પાસે આવેલા કારના ગેરેજમાં એક જીવલેણ દૂર્ઘટના બની છે. જેમાં કારને ઉપર-નીચે લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વજનદાર તોતીંગ લિફટ નીચે દબાઇ જતાં આ ગેરેજના સંચાલક મુળ ટંકારાના સાવડીના લેઉવા પટેલ યુવાન અને તેના કર્મચારી ટંકારાના ગણેશપુરાના લેઉવા યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ ટંકારાના સાવડીનો વતની લેઉવા પટેલ યુવાન અલ્પેશ મનસુખભાઇ ગોસરા (ઉ.૨૪) કેટલાક સમયથી ગોંડલ રોડ ચોકડી પાસે રહેતો હતો અને ક્રિષ્ના પાર્ક સામે કિરણ ફર્નિચરની પાસે જયેશ ગોવિંદભાઇ ભુવા સાથે જયસન મોટર ગેરેજ નામે ભાગીદારીમાં ગેરેજ ચલાવતો હતો. તે  તથા તેનો કર્મચારી ટંકારાના જ વિરવાવના ગણેશપુરા ગામનો લેઉવા પટેલ યુવાન દિવ્યેશ ગણેશભાઇ ભાગીયા (ઉ.૨૫) સવારે ગેરેજમાં કામ કરી રહ્યા હતાં ત્યારે કારને ઉપર નીચે લઇ જવા માટેની લોખંડની લિફટને સામાન ભરવા માટે નીચે ઉતારવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતે લિફટ છટકીને બંનેની માથે પડતાં બંને દબાઇ ગયા હતાં.

આ વખતે અલ્પેશના ભાગીદાર જયેશ ભુવા સહિતના લોકોએ જેસીબી અને જેકની મદદથી મહામહેનતે દબાયેલા બંનેને બહાર કાઢ્યા હતાં અને લોહીલુહાણ હાલતમાં વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતાં. જો કે અહિ બંન યુવાનના મોત નિપજ્યા હતાં.

બનાવ અંગે વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ ખાતેથી સિકયુરીટી સુપરવાઇઝર રમેશભાઇ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરતાં આજીડેમના પીએસઓ એમ. ડી. ગોસ્વામીએ ઘટનાની નોંધ કરી હતી. હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને કિરીટભાઇ રામાવતે ઘટના સ્થળે અને વોકહાર્ટ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ શરૂ કરી છે. 

વધુ માહિતી મુજબ ગેરેજમાં દૂર્ઘટનામાં  લિફટ નીચે દબાઇ જતાં ગંભીર ઇજા પામેલા અલ્પેશ અને દિવ્યેશને  રાજકોટ શિવપાર્ક-૨માં રહેતાં અભયભાઇ મહેશભાઇ લીંબાસીયાએ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

મૃત્યુ પામનાર અલ્પેશભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતો અને ગયા વર્ષે જ વૈશાલી નામની યુવતિ સાથે તેના લગ્ન થયા હતાં. જ્યારે દિવ્યેશ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તે કેટલાક સમયથી અલ્પેશ સાથે ગેરેજમાં કામ કરવા આવ્યો હતો. ઘટનાથી બંનેના પરિવારજનોમાં તથા ભાગીદાર સહિતના મિત્રો-સ્વજનોમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટના ખરેખર કઇ રીતે બની? તે અંગે હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને કિરીટભાઇ રામાવતે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:55 pm IST)