Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ટ્રાફિક પોલીસ જમાદારની લાંચ લેતો વિડીયો વાયરલ થવાના કેસમાં આગોતરા જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

પોલીસ જમાદાર વિરૂધ્ધ ગંભીર ગુનો છેઃ સરકારી વકીલની સફળ રજૂઆત બાદ કોર્ટનો ચુકાદો

રાજકોટ તા. ર૩: અહીંના ગોંડલ રોડ ઓવરબ્રીજ પાસે રૂ. પ૦૦ની ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલે લાંચ લેવા અંગે વિડીયો મોબાઇલ ઉપર વાયરલ થયેલ તે અંગે એ.સી.બી. પોલીસમાં લાંચ રૂશ્વત ધારા હેઠળ થયેલ ફરિયાદના અનુસંધાને ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ રાહિદભાઇ અબ્દુલભાઇ રામાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન મેળવવા કરેલ અરજીને એડી. સેસન્સ જજ શ્રી વી. વી. પરમારે નકારી કાઢી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગોંડલ રોડ ચોકડી પાસે ત્રિપલ સ્વારીમાં બાઇક ઉપર જઇ રહેલા શખ્સોને ટ્રાફિક જમાદાર રાહિદભાઇએ અટકાવીને રૂ. ૧પ૦૦ ની લાંચ માંગી હતી. બાદમાં રૂ. પ૦૦માં નકકી થતાં રૂ. પ૦૦ લેતા અંગેનું મોબાઇલમાં વિડીયો શુટીંગ કરીને વિડીયો વાઇરલ કરી દીધો હતો.

આ વિડીયો વાઇરલ થતાં પોલીસ વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આ ગુનામાં ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ રાહિદ અબ્દુલભાઇ શમાએ સંભવિત ધરપકડ સામે આગલોતરા જામીન મેળવવા અરજી કરતાં સરકારી વકીલશ્રી મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપી જમાદાર વિરૂધ્ધ પ્રથમ દર્શનીય લાંચરૂશ્વત અંગેનો ગંભીર ગુનો છે આવા બનાવો દિનપ્રતિદિન વધતાં જાય છે ત્યારે આવા બનાવને અંકુશમાં લેવા જરૂરી હોય સમાજમાં દાખલો બેસાડવા આરોપીની આગોતરા જામીન અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસ. જજ શ્રી વી. વી. પરમારે આરોપી ટ્રાફિક જમાદારની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતાં.

(2:41 pm IST)