Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

રૂ. બે લાખનો ચેક પાછો ફરતા દિલ્હીની પેઢીના પ્રોપરાઇટર સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ તા ૨૩  :  રાજકોટના રહીશ અને ક્રિષ્ના પ્લાસ્ટ નામની પેઢીના પ્રોપરાઇટર બાબુભાઇ એસ. ડાંગરએ દિલ્હીમાં એ.આર. પેકિંગ સોલ્યુશન નામની પેઢીના પ્રોપરાઇટર રવિંદરકુમાર ઉર્ફે રવિન્દ્રકુમાર સામે રૂ. ૨,૦૦,૦૦૦/- નો ચેક ડીસઓનર થતાં રાજકોટ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.

ફરીયાદની વિગતો મુજબ ફરીયાદી બાબુભાઇ ક્રિષ્ના પ્લાસ્ટ નામની પેઢીના પ્રોપરાઇટર છે, અને તેઓ પ્લાસ્ટીક પેકીંગ મટીરીયલ -પેકીંગ સ્ટ્રીપનું ઉત્પાદન તથા વેચાણ કરવાનો ધંધો કરે છે. ફરીયાદમાં દર્શાવેલ તહોમતદાર રવિન્દ્રકુમાર એ.આર. પેકીંગ સોલ્યુશન, મુકુંદ વિહાર, કરવાલ નગર દિલ્હી મુકામે પેકીંગ મટીરીયલ તથા પેકીંગ સ્ટ્રીપ્સ વેચવાનો ધંધો કરે છે.

તહોમતદારે ફરીયાદીને ત્યાં તેની પેઢીના નામનું ખાતુ પડાવી, ઉધાર માલની ખરીદી કરેલ છે. જેના ખાતાની રૂએ રૂ. ૩,૨૫,૪૮૭/- આરોપી પાસે બાકી લેણા નીકળે છે, જે બાકી લેણું કબુલ રાખી પાર્ટ પેમેન્ટ કરવા ફરીયાદીની તરફેણમાં એકસીસ બેંક લી. યમુના વિહાર, ન્યુ દિલ્હી શાખાનો રૂ. ૨,૦૦,૦૦૦/- નો ચેક ઇસ્યુ કરી આપેલ. સદરહુ ચેકની વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતા જે તે ચેક '' ફંડ ઇનસફીશીયન્ટ'' ના કારણોસર ડીસઓનર થયેલ, જેથી ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારને નોટીસ પાઠવી ડીસઓનર થયેલ ચેકની રકમની ડિમાન્ડ કરેલ. ફરીયાદી દ્વારા પાઠવવામાં આવેલ નોટીસ તહોમતદારને પ્રાપ્ત થઇ ગયા બાદ વાહીયાત વિગતો સાથેનો પ્રત્યુતર પાઠવેલ છે. પરંતું ડીસઓનર થયેલ ચેકની રકમ નહીં ચુકવતા, ફરીયાદીને તહોમતદારના બદ ઇરાદાનો ખ્યાલ આવતા, તેઓએ રાજકોટ કોર્ટમાં ને.ઇ. એકટ કલમ ૧૩૮ મુજબ  ફોજદારી ફરીયાદ દાખલકરેલ છે.

ફરીયાદની વિગતો તથા રેકર્ડ ઉપરના દસ્તાવેજો ધ્યાને લઇ કોર્ટએ આરોપી સામે કોર્ટમાં હાજર થવા માટે સમન્સ ઇસ્યુ કરેલ છે. આ કામમાં ફરીયાદ ક્રિષ્ના પ્લાસ્ટના પ્રોપરાઇટર બાબુભાઇ ડાંગર વતી વિકાસ કે. શેઠ, તથા વિવેકભાઇ ધનેશા એડવોકેટ દરજ્જે રોકાયેલ છે.

(2:40 pm IST)