Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગ્રાન્ટેડ મુરલીધર હાઈસ્કૂલે ફરી સિદ્ધ કરી સફળતાઃ ધોરણ ૧૦નું ૮૫ ટકા પરિણામઃ ટોપટેન ૨ છાત્રો

નજીવી ફી ઉત્તમ શિક્ષણ, સમગ્ર શિક્ષક ટીમને આભારીઃ દર્શીત જાની

રાજકોટ, તા. ૨૩ :. પેલેસ રોડ પર વર્ધમાનનગરમાં આવેલી મુરલીધર હાઈસ્કૂલ છેલ્લા ૨૫ વર્ષથી પ્રતિવર્ષ બોર્ડનાં પરિણામમાં ઉજ્જવળ પરિણામ આપી રહી છે. આ વર્ષે માર્ચ-૨૦૧૯ના પરિણામમાં શાળાના બે વિદ્યાર્થીઓ સોલંકી હર્ષ (૯૯.૯૭ પી.આર.) સમગ્ર બોર્ડમાં ત્રીજા સ્થાને અને વિડજા વિવેક (૯૯.૯૨ પી.આર.) બોર્ડમાં આઠમું સ્થાન પ્રાપ્ત કરીને ઉજ્જવળ પરિણામની હારમાળા સર્જી છે. શાળાનું કુલ પરિણામ ૮૫ ટકા જેટલુ ઉંચુ આવેલ છે. જેમાં ૪૦ વિદ્યાર્થીઓએ ૯૦ પી.આર.થી વધુ ગુણ મેળવ્યા છે.

શાળાના સંચાલક દર્શીતભાઈ જાની જણાવે છે કે ખાસ કરીને વર્તમાન સમયમાં વાલી અને વિદ્યાર્થીઓ ખૂબ જ ઉંચી ફી ભરીને શિક્ષણ મેળવવું પડે છે. ત્યારે વાલીશ્રીઓની આ મુશ્કેલી નિવારવા માટે મુરલીધર હાઈસ્કૂલ ગ્રાન્ટેડ વિભાગ નજીવી ફીમાં ઉત્તમ શિક્ષણ પુરૂ પાડીને બોર્ડના પરિણામમાં સ્થાન મેળવી આશિર્વાદરૂપ કાર્ય સમગ્ર ટીમ દ્વારા કરી રહ્યો છું તેનો આનંદ અને ગૌરવ છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રવિણાબેન જાની જણાવે છે કે શહેરની મધ્યમાં આવેલી આ સંસ્થા ૭પ વર્ષના શૈક્ષણિક વારસા સાથે ચાલતી સંસ્થા છે. જેમાં શિસ્ત, સંસ્કાર તેમજ શિક્ષણના સમનવય થકી બાળકોનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે અને પ્રતિ વર્ષ આવતા ઉત્તમ પરિણામો તેની પ્રતીતિ કરાવે છે.

આ સંસ્થામાં પ્લેહાઉસથી ધોરણ-૧ર સુધીનું ઉતમ આપવામાં આવે છે અને ખાસ કરીને આર્થિક રીતે સામાન્ય પરિસ્થિતિ ધરાવતા પરિવારના બાળકોની ઉચ્ચ કારકીર્દી ઘડવામાં આ શાળા સતત પ્રયત્નશીલ છે. મુરલીધર હાઇસ્કૂલની ધોરણ ૯ થી ૧ર ની ટીમ ખૂબ જ અનુભવી વિષય નિષ્ણાંત શિક્ષકોની બનેલી છે. જેમાં કિશોરભાઇ જાની, ડો. અતુલભાઇ વ્યાસ, પ્રકાશભાઇ જેઠવા, ભાવેશભાઇ જોશી, મુકેશભાઇ વ્યાસ વગેરેની ટીમ કાર્યરત છે. દર્શીતભાઇ જાનીએ સમગ્ર ટીમ તથા વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓને અભિનંદન પાઠવ્યા છે.

માર્ચ ૨૦૧૯નાં એસએસસીના પરિણામમાં સમગ્ર બોર્ડમાં ત્રીજુ સ્થાન મેળવનાર સોલંકી હર્ષ એક સાધારણ પરિવારમાંથી આવે છે. તેમના વાલી શ્રી જણાવે છે કે હર્ષ નાનપણથી હોશિયાર અને મહેનતુ છે. મને ઘણી બધી પ્રાઈવેટ સ્કૂલમાંથી એડમીશન માટે ભલામણ હતી પરંતુ મને મુરલીધર ગ્રાન્ટેડ શાળા પર અને તેમના શિક્ષકો પર અતૂટ વિશ્વાસ હતો અને ખરા અર્થમાં તેઓએ ૯૯.૯૭ પી.આર. જેવા ગુણ અપાવી મારા વિશ્વાસને ચરિતાર્થ કર્યો છે ત્યારે હું બધા વાલીગણને અનુરોધ કરૂ છું કે ઉંચી ફી ભરીને શિક્ષણ મેળવવા કરતા નજીવી ફીમાં ઉચ્ચ શિક્ષણ આપતી શાળા મુરલીધર જેવી શાળામાં જ બાળકોને શિક્ષણ આપવું જોઈએ.

(2:39 pm IST)