Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

૧૦૦ વારનો પ્લોટ, ૧ એકર ખેતીની જમીન, નોકરી, મૃતકના નાના ભાઇના ભણતરનો ખર્ચ અને નોકરી...

માંગણીઓ સ્વીકારી લેવાતાં માણેકવાડાના રાજેશ પરમારનો મૃતદેહ સ્વીકારી લેવાયો

ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાખાભાઇ સાગઠીયાની પોલીસ અને કલેકટર તંત્ર સાથે મોડી રાત સુધી વાટાઘાટોઃ ૮ આરોપીઓ પણ પોલીસના સકંજામાં

હત્યાનો ભોગ બનનાર રાજેશ પરમારનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને માંગણીઓ સ્વીકારવામાં આવ્યાની માહિતી આપી રહેલા તેના માતા હસુબેન પરમાર

 

રાજકોટ તા. ૨૩:  કોટડાસાંગાણીના માણેકવાડામાં બાપા સિતારામના મંદિર પાસે મંગળવારની રાત્રે જુના ડખ્ખાને કારણે માણેકવાડાના રાજેશ (રાજુ) નાનજીભાઇ સોંદરવા (ઉ.૧૯) નામના વણકર યુવાનને ધોકા-પાઇપ-તલવારના ઘા ફટકારી પતાવી દેવામાં આવતાં દલિત સમાજમાં રોષ ફેલાઇ ગયો હતો. ગઇકાલે રાજકોટ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કરાયા હતાં અને પાંચ માંગણીઓ ૨૪ કલાકમાં ન સ્વીકારાય તો લાશ નહિ સંભાળાય તેવો નિર્ણય કરાયો હતો. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ સાંજે રાજકોટ પહોંચી હત્યાનો ભોગ બનેલા યુવાનના કુટુંબીજનોને સાથે રાખી કલેકટરશ્રીને રજૂઆત કરી માંગણીઓ મુકી હતી. અંતે પાંચ માંગણીઓ સ્વીકારી લેવામાં આવતાં રાજેશનો મૃતદેહ સ્વીકારી લેવાયો છે. પારડીમાં પ્લોટ, ખેતીની જમીન, નોકરી, ભણતરનો ખર્ચ સહિતની માંગણીઓ સ્વીકારી લેવામાં આવ્યાનું હત્યાનો ભોગ બનનારના માતા હસુબેન નાનજીભાઇ પરમારે જણાવ્યું હતું. પોલીસે આઠ આરોપીઓને પણ ઝડપી લીધા છે.

હત્યા સંદર્ભે પોલીસે મૃતક રાજેશના નાના ભાઇ અજય નાનજીભાઇ સોંદરવા (ઉ.૧૮)ની ફરિયાદ પરથી માણેકવાડાના યશપાલસિંહ અક્રમસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ઉર્ફ કુમાર મહેન્દ્રસિંહ જાડેજા, હરદિપસિંહ ઉર્ફ માલી નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, ધર્મરાજસિંહ ઉર્ફ ધનુભા ચંદુભા જાડેજા, યશપાલસિંહનો ભાઇ તથા ધ્રુવરાજસિંહ ધર્મરાજસિંહ ઉર્ફ ધનુભા જાડેજા અને હરદિપસિંહ ગોહિલ ઉર્ફ ભાણો એમ ૮ શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૦૨, ૩૨૫, ૩૨૬, ૧૨૦-બી, ૧૩૫, એટ્રોસીટીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ તમામને પોલીસે સકંજામાં લઇ લીધા છે. જેતપુર ડીવાયએસપી જે. એમ. ભરવાડની રાહબરીમાં આ તપાસ થઇ રહી છે.

ગઇકાલે હત્યાનો ભોગ બનનાર રાજેશના કુટુંબીજનોએ છ જેટલી માંગણી મુકી હતી. આ માંગણી સંતોષાય પછી જ મૃતદેહ સ્વીકારાશે તેવો નિર્ણય કર્યો હતો. દલિત સમાજના આગેવાનો લાખાભાઇ સાગઠીયા, વશરામભાઇ સાગઠીયા સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં અને બાદમાં બપોરે હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કર્યા હતાં. એ પછી પોલીસ અને કલેકટરતંત્રની સમાજાવટથી ચક્કાજામ પુરા કરાયા હતાં.

સાંજે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ રાજકોટ પહોંચી મૃતકના સ્વજનોને દિલાસો પાઠવ્યો હતો. બાદમાં તેમને સાથે રાખી કલેકટરશ્રીને રૂબરૂ મળી માંગણીઓ મુકી હતી. અંતે આ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હતી. એ સાથે જ સ્વજનો રાજેશ પરમારનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થઇ ગયા હતાં. સિવિલ હોસ્પિટલ ખાતે રાતભર ઉચ્ચ અધિકારીઓ અને હથીયારધારી પોલીસ સાથે બંદોબસ્ત ગોઠવાયો હતો.

હત્યાનો ભોગ બનનારના માતા હસુબેન નાનજીભાઇ પરમારે જણાવ્યું હતું કે અમારી માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જેમાં અમને પારડીમાં ૧૦૦ વારનો પ્લોટ, ખેતી માટે ૧ એકર જમીન, રાજકોટમાં ૧૨ હજારના પગારથી નોકરી, વિધવા સહાય પણ ચાલુ રાખવી, મારા દિકરા અજયના ભણતરનો ખર્ચ આપવો અને નોકરી આપવી  સહિતનો સમાવેશ થાય છે. એક મહિનામાં આ માંગણીઓ પુરી થઇ જશે. આરોપીઓને તાકીદે પકડી લેવાની માંગણી પણ સ્વીકારી લેવામાં આવતાં અમે મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છીએ.

એસપી શ્રી બલરામ મીણા, કલેકટરશ્રી રાહુલ ગુપ્તા તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, જીજ્ઞેશ મેવાણી સહિતના રાતભર હોસ્પિટલ ખાતે હાજર હતાં. (૧૪.૫)

(11:05 am IST)