Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હસતાં રમતાં સાવ અચાનક...મામાના ઘરે ટેણીયો રમતો-રમતો કારમાં પુરાઇ ગયોઃ ગુંગળાઇ જતાં મોત

દેવપરામાંથી દિકરા મંથન (ઉ.૫)ને લઇને જલ્પાબેન ભરવાડ માધાપર માતા-પિતાને ત્યાં આવ્યા'તાઃ પિતા તેના મિત્રની કાર લઇને માધાપર આવ્યા ત્યારે તેની ચાવી લઇ મંથન અંદર ગયો ને લોક થઇ ગયોઃ બે કલાક સુધી પુરાઇ રહેતાં પ્રાણ નીકળી ગયાઃ લાડકવાયાના મોતથી ભરવાડ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: ટાબરીયાઓ ઘણીવાર રમત-રમતમાં મુશિબત નોતરી લેતાં હોય છે. ઘણીવાર રમત આવા માસુમોને મોત સુધી દોરી જતી હોય છે. દેવપરામાંથી માતા સાથે માધાપર ચોકડીએ રહેતાં નાના-નાની-મામાના ઘરે આવેલો પાંચ વર્ષનો ટાબરીયો પિતા કાર લઇને આવ્યા ત્યારે તેની ચાવી લઇ રમતો-રમતો કારમાં લોક થઇ જતાં અને અંદાજે બે કલાક સુધી અંદર પુરાઇ રહેતાં ગુંગળાઇ જવાથી મોત નિપજતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ દેવપરા સાધના સોસાયટીમાં રહેતાં જલ્પાબેન મહેશભાઇ મુંધવા ભરવાડ પરિણીતા પોતાના પુત્ર મંથન (ઉ.૫)ને લઇ માધાપર રહેતાં માતા વજીબેન હમીરભાઇ લામકાને ત્યાં વેકેશન કરવા આવ્યા હતાં. અહિ ગત સાંજે મંથનના પિતા મહેશભાઇ રમેશભાઇ મુંધવા પોતાના મિત્રની સ્વીફટ કાર લઇને દિકરા મંથનને મળવા આવ્યા હતાં.

મહેશભાઇ અંદર બેઠા હતાં ત્યારે પાંચ વર્ષનો મંથન પિતા જે કાર લઇને આવ્યા હતાં તેની ચાવી લઇને રમતો-રમતો કાર પાસે પહોંચ્યો હતો અને લોક ખોલી અંદર ગયો હતો. આ વાતથી પરિવારજનો અજાણ હતાં. લગભગ બે કલાક બાદ મહેશભાઇને પરત જવું હોઇ તે કાર પાસે આવ્યા ત્યારે ચોંકી ગયા હતાં. પુત્ર અંદર બેભાન મળતાં તાકીદે ક્રાઇસ્ટ હોસ્પિટલમાં અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે જાણ કરતાં ગાંધીગ્રામના એએસઆઇ જે.એસ. હુંબલે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મંથન એલકેજીમાં અભ્યાસ કરતો હતો. એકના એક લાડકવાયાના મોતથી માતા-પિતા સહિતના સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. પિતા મહેશભાઇ ફ્રુટનો ધંધો કરે છે.

(11:04 am IST)