Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કાલે બેન્કના કર્મચારીઓના દેખાવો

તા.૩૦,૩૧ બે દિવસની હડતાલની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાતભરમાંથી દેખાવો : રાજકોટમાં બેન્ક ઓફ ઈન્ડિયા ખાતે સાંજે ૫:૧૫ વાગ્યે કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૩ : બેન્ક કર્મચારીઓની નોકરીની શરતો અને પગાર વધારાના પ્રશ્ને  લાંબા સમયથી વાટાઘાટ ચાલે છે. કાચબાની ગતિએ ચાલતી વાટાઘાટ વાંઝણી પુરવાર થઈ હોવાનું ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયનની એક યાદીમાં જણાવાયુ છે.

આઈબીએ તરફથી બેન્કોના તા.૩૧-૩-૧૭ના પગાર બીલ પર ૨% પગાર વધારો આપવાનો પ્રસ્તાવ કર્મચારી/ અધિકારીના નવ સંગઠનનું બનેલ યુએફબીયુએ ઠુકરાવી દીધેલ. સમાધાનના પ્રયાસરૂપે નાણામંત્રાલયની દરમિયાનગીરી પણ સંગઠન તરફથી વિનંતી કરવામાં આવેલ. પરંતુ નાણામંત્રાલય તરફથી હકારાત્મક પ્રતિભાવ મળેલ ન હોવાનું જણાવાયુ છે.

આઈબીએ તરફથી પગાર ઓછો આપવા પાછળ બેન્કોની ખોટનું કારણ બતાવવામાં આવે છે. પરંતુ બેન્કોનો ઓપરેટીંગ પ્રોફીટ વધતો જાય છે પરંતુ સામે બિનઉત્પાદક અસ્કયામતો પણ વધતી જાય છે. બિનઉત્પાદક અસ્કયામતો (એનપીએ)ના લગભગ ૭૩% ઉદ્યોગગૃહોને કારણે છે. આ લોન બેન્કોના બોર્ડ દ્વારા અથવા ઉચ્ચ અધિકારીઓ તરફથી આપવામાં આવે છે. કર્મચારીઓ એનપીએ બાબત કોઈપણ સંજોગોમાં જવાબદાર નથી પગાર બીલ ઉધાર્યા પછી જ ઓપરેટીંગ પ્રોફીટ નક્કી થાય છે જે છેલ્લા ૫ વર્ષમાં વર્ષોવર્ષ વધતો જાય છે.

કર્મચારી સંગઠનોએ ગત દ્વિપક્ષીય સમાધાનમાં ૧૫% પગાર વધારો મેળવેલ તેવો વ્યાજબી પગાર વધારાની માંગણી આગળ ધરી રહેલ છે. આઈબીએની નજીવા વધારાના સુચનથી કર્મચારીઓમાં ગુસ્સો ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે. તેને કારણે સંગઠનોએ આંદોલનનો સહારો લીધેલ છે. તા.૩૦-૩૧મેના રોજ બે દિવસની હડતાલની પૂર્વ તૈયારીરૂપે આવતીકાલે તા.૨૪ના ગુરૂવારે ગુજરાતના દરેક શહેરમાં દેખાવો યોજવાનંુ નક્કી કરેલ છે. રાજકોટમાં તા.૨૪ના સાંજે ૫:૧૫ કલાકે બેન્ક ઓફ ઈન્ડિયા સમક્ષ દેખાવો યોજવામાં આવશે. જેમાં ૮૦૦થી વધુ કર્મચારીઓ / અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેમ અંતમાં શ્રી કે. પી. અંતાણીએ જણાવ્યુ છે.

(4:20 pm IST)