Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ની મંગળવારે વાર્ષિક સભા : કાજલ ઓઝા વેદ્યનું વકતવ્ય

રાજકોટ તા. ૨૩ : શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ની વર્ષ ૨૦૧૭-૧૮ ની વાર્ષિક સાધારણ સભા તા. ૨૯ ના મંગળવારે કાજલ ઓઝા વૈદ્યના વકતવ્ય સાથે યોજવામાં આવેલ છે.

આ અંગે વિગતો વર્ણવતા એસો.ના હોદેદારોએ જણાવેલ કે રાજકોટ ઔદ્યોગીક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યુ છે. તેમા શાપર વેરાવળ ઔદ્યોગીક ઝોનનો મોટો હીસ્સો રહ્યો છે. શાપર વેરાવળમાં ૧૫૦૦ એકર ખેતીની જમીન વ્યકિતગત ધોરણે બીનખેતી થઇ ઉદ્યોગો ધમધમી રહ્યા છે. તેના સંતુલિત વિકાસ અર્થે એસોસીએશનની રચના કરવામાં આવી છે.

આ એસો. દ્વારા ઉદ્યોગોના પ્રશ્નો સામે અવાજ ઉઠાવી જે તે સુવિધાઓ પ્રદાન કરાવવામાં આવી રહી છે. ખુબ સક્રીયતાથી કાર્યરત આ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસો.ની વાર્ષિક સાધારણ સભા આગામી તા. ૨૯ ના મંગળવારે સાંજે ૬ વાગ્યે કલાસીક પાર્ટી પ્લોટ, અવધ રોડ, રાજકોટ ખાતે મળનાર છે.

સાધારણ સભા દરમિયાન જાણીતા લેખિકા-વકતા કાજલ ઓઝા વૈદ્યનું પ્રેરક પ્રવચન પણ ગોઠવવામાં આવ્યુ છે.

સંસ્થાના સભ્યો, આગેવાનો, પદાધિકારીઓ, સંસ્થા અને આમંત્રિતોએ ઉપસ્થિત રહેવા એસો.ના ચેરમેન રમેશભાઇ  ટીલાળા અને પ્રમુખ કિશોરભાઇ પટેલે અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં વિગતો વર્ણવતા ચેરમેન રમેશભાઇ ટીલાળા, પ્રમુખ કિશોરભાઇ પટેલ, ઉપપ્રમુખ અમૃતભાઇ ગઢીયા, રતીભાઇ સાદરીયા, સેક્રેટરી વિનુભાઇ ધડુક, ખજાનચી રાજેશભાઇ ડોબરીયા, કારોબારી સભ્ય વસંતભાઇ વિરડીયા, મેનેજર પોપટભાઇ કાછડીયા (મો.૯૯૦૯૧ ૦૦૬૩૭) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:11 pm IST)