Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડવા અંગે પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ર૩ : રાજકોટના ભીમજીભાઇ વાલજીભાઇ દોંગાની ક્રિ.પ્રો.કો. કલમ રપપ(૧) જુગારધારા કલમ ૧ર-અ અન્વયેના ગુન્હામાં રાજકોટના એડી. ચીફ જયુ.મેજી.એ આરોપીને પુરાવાના અભાવે છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, તા. ર-૧-ર૦૧૬ના રોજ કલાક ૧૮-ર૦ના અરસામાં યુનિ. રોડ ઉપર, પંચાયત ચોકમાં મનીષ પાનની દુકાન પાસે રોડ ઉપર આ કામના આરોપીએ જાહેરમા ઉભા રહી અને ર૦-ર૦ મેચ પર હારજીતના મોબાઇલ અને ફોન ઉપર સોદા કરી કાગળની સ્લીપમાં બોલપેનથી લખતા આ કામના ફરીયાદીને પેટ્રોલીંગ દરમ્યાન મળી આવેલ હોય રાજકોટના એડી. ચીફ જયુ. મેજી.ની કોર્ટમાં ક્રિ.પો. કોડની કલમ રપપ(૧) અન્વયે જુગારધારા કલમ-૧ર-અ મુજબ ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું આરોપી ભીમજી વાલજી દોંગાના એડવોકેટશ્રી મલ્હાર કે. સોનાપાલે પોતાની દલીલમાં એવું જણાવેલ કે હાલના કામે પંચ સાહેદો પંચનામાની હકીકતને લેશમાત્ર સમર્થન આપતા નથી અને તેથી પંચનામાની હકીકતો સાબીત થતી નથી. તેમજ રેઇડવાળો વિસ્તાર જાહેર વિસ્તાર હોવા છતાં અને ત્યાં સ્વતંત્ર સાહેદો આસાનીથી મળી શકે તેમ હોવા છતાં હાલના કામે ફરીયાદ પક્ષ દ્વારા કોઇ સ્વતંત્ર સાહેદો તપાસવામાં આવેલ નથી તે સંજોગોમાં માત્ર પોલીસ સાહેદ તથા તપાસ કરનારની જુબાનીના આધારે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય તેમ ન હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા અરજ કરેલ.

આમ આરોપી ભીમજી દોંગાના એડવોકેટ મલ્હાર સોનપાલની દલીલો ધ્યાને લઇ રાજકોટના એડી. ચીફ જયુ.મેજી.એ આરોપી ભીમજી દોંગાને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી ભીમજીભાઇ વાલજીભાઇ દોંગા વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી મલ્હાર કમલેશભાઇ સોનપાલ રોકાયેલ હતાં.

(4:05 pm IST)