Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

રાજકોટ કોર્પોરેશને ૭૩ અરજી મંજુર કરી રાજ્યભરમાં પ્રથમ સ્થાને : બંછાનિધી પાની

ઓનલાઇન બાંધકામ પરવાનગીની ગાડી પાટે ચડી

રાજકોટ તા. ૨૩ : રાજય સરકારશ્રી દ્વારા તા.૨૬-૪-૨૦૧૮ થી અમલમાં મુકવામાં આવેલી ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશનના સફળ અને પરિણામલક્ષી અમલીકરણમાં રાજકોટ મહાનગરપાલિકાએ શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી હાલ રાજયમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આજે જણાવ્યું હતું.

આંકડાકીય માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજયમાં કુલ ૩૫૦ ઓનલાઈન અરજી નોંધાઈ હતી, જે પૈકી ૯૨ અરજીઓ તો માત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જ નોંધાઈ હતી. ૯૨ અરજીઓ પૈકી ૧૩ અરજીઓ નિયમાનુસાર નહી હોવાથી પરમિશનને પાત્ર બની શકી નથી. જયારે ૭૩ અરજીઓ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન માટેના તમામ પેરામીટર્સ પૂર્ણ કરી રહી હતી અને બાકીની ૬ અરજીઓની ચકાસણી જુદા જુદા કારણોસર પ્રક્રિયામાં છે. ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમની મદદથી બાંધકામ પરવાનગીની પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બની છે.

આ સંદર્ભમાં વિસ્તૃત વાત કરતા કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ રજીસ્ટર્ડ આર્કિટેકટસ, એન્જીનીયર, કલાર્ક ઓફ વર્ક વગેરેની માહિતીનો એક ડેટાબેઝ તૈયાર કરેલો અને તે ચોક્કસ ફોરમેટમાં ગાંધીનગર ખાતે સ્થિત સી.ટી.પી. ઓફિસને મોકલવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાએ આ તમામ લોકોને માર્ગદર્શન આપવા માટે ખાસ મિટિંગનું આયોજન પણ જે તે સમયે કરવામાં આવ્યું હતું. સાથોસાથ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવેલ છે. તો વળી, રાજકોટ મહાનગરપાલિકાના તમામ એ.ઈ., એ.એ.ઈ., એ.ટી.પી.,વગેરેને તાલીમ માટે સી.ટી.પી. ઓફિસ, ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતાં. જયાં ચીફ ટાઉન પ્લાનર શ્રી પી.એલ. શર્માએ રાજયભરના અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે પણ ચીફ ટાઉન પ્લાનર શ્રી પી.એલ. શર્માની ઉપસ્થિતિમાં એક ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ વધુમાં ઉમેર્યું કે, રાજયના અન્ય શહેરોની તુલનાએ રાજકોટ મહાનગરપાલિકાએ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમનો અમલ થતાની સાથે જ, શરૂઆતથી જ ઓનલાઈન અરજીઓની નોંધણીમાં અગ્ર ભૂમિકા ભજવી છે. આ સિસ્ટમમાં રાજયનો સર્વપ્રથમ ઓનલાઈન ડેવલપમેન્ટ પરમિશન પ્લાન પણ રાજકોટ મહાનગરપાલિકાનો રહયો હતો અને રાજયના માન. મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા.૭-૫-૨૦૧૮ ના રોજ સુપ્રત કરવામાં આવ્યો હતો.

(3:57 pm IST)