Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

A ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્ત્રી સશકિતકરણઃ પ્રથમ મહિલા કુલપતિ ડો. નિલાંબરીબેન દવેનું પદગ્રહણ

શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓએ આપી શુભેચ્છા નિમણુકથી નારાજ ચોૈહાણ જુથની સુચક ગેરહાજરી

રાજકોટઃ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા કુલપતિ તરીકેનો કાર્યભાર હોમ સાયન્સ ભવનના અધ્યક્ષ ડો. નીલાંબરીબેન દવેએ સંભાળ્યો હતો. પ્રસ્તુત તસ્વીરમાં સરસ્વતી દેવીનું પૂજન કરતા કુલપતિ ડો. નીલાંબરીબેન દવે નજરે પડે છે. નીચે પદગ્રહણ સમયે બાજુમાં સિન્ડીકેટ સભ્ય ડો. નેહલ શુકલ, નિદત બારોટ, હરદેવસિંહ જાડેજા, ધરમ કાંબલીયા, નિલેશ સોની સહિતના નજરે પડે છે.

રાજકોટ તા.૨૩: આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૨મા સ્થાપના દિવસે સવારે ૧૦:૩૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ શ્રી તરીકે હોમસાયન્સ વિદ્યાશાખાના ડીનશ્રી અને હોમસાયન્સ ભવનના અધ્યક્ષ ડો. નિલાંબરીબેન દવેએ પદભાર સંભાળ્યો હતો. પૂર્વ, કાર્યકારી કુલપતિ ડો. કલમ ડોડીયા, યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. નેહલભાઇ શુકલ, ડો. ભાવિનભાઇ કોઠારી, ડો. વિજયભાઇ પટેલ, ડો. પ્રફુલ્લાબેન રાવલ, ડો. હરદેવસિંહ જાડેજા, ડો. ધરમભાઇ કાંબલીયા, પૂર્વ સિન્ડીકેટ સભ્યશ્રીઓ ડો. વિજયભાઇ દેશાણી, ડો. નિદતભાઇ બારોટ, ડો. મહેશભાઇ ચોહાણ, ડો. અમીતભાઇ હપાણી, સેનેટ સભ્યશ્રીઓ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, બિન શેક્ષણિક કર્મચારીઓએ કાર્યકારી કુલપતિશ્રીને શુભેચ્છાઓ પાઠવેલ હતી.

 સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના દિન નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીલાંબરીબેન દવેના નેતૃત્વ હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ વિદ્યાશાખાના ડીનશ્રીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શેક્ષણિક અને બિન શેક્ષણિક કર્મચારીઓની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પરિસરમાં આવેલા સરસ્વતી મંદિર ખાતે માં સરસ્વતીની મુર્તિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. નિલાંબરીબેન દવેએ પૂજા કરી શ્લોકોના ગાન વચ્ચે માં સરસ્વતીને ફુલહાર અર્પણ કરેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટીચર્સ એસોશીએશન (સુટા) વતી ઉપપ્રમુખ ડો. કલાધરભાઇ આર્ય અને ડો. નિકેશભાઇ શાહ, બિન શેક્ષણિક કર્મચારી પરિવારના પ્રમુખ વિરલસિંહ પરમાર અને અન્ય હોદેદારોએ ફુલહાર અર્પણ કરેલ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. કિરીટભાઇ પાઠકે યુનિવર્સિટીના વહીવટી વડા તરીકે ફુલહાર અર્પણ કરેલ હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય વહીવટી સંકુલમાં આવેલ સરસ્વતી મંદિર ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીલાંબરીબેન દવેની ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળથી પ્રથમવાર મહિલા કુલપતિશ્રી (કાર્યકારી) તરીકે હોમસાયન્સ વિદ્યાશાખાના ડીનશ્રી ડો.નીલાંબરીબેન દવેએ આજરોજ બાવનમાં સ્થાપના દિવસે પદભાર સંભાળેલ હતો. જેના અનુસંધાને આજરોજ ૧૨.૦૦ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય વહીવટી બિલ્ડીંગ ખાતે આવેલ સેનેટ હોલ ખાતે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો શુભેચ્છા મિલન કાર્યક્રમ યોજાયેલ હતો.

આ કાર્યક્રમ કુલસચિવ ડો. કિરીટ પાઠકે પુષ્પગુચ્છ દ્વારા કાર્યકારી કુલપતિનું સન્માન કરેલ. સુટા વતી ડો. નિકેશભાઈ શાહે, ઓફિસર્સ એસોસીએશન વતી ઓડીટર લીનાબેન ગાંધી, ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી એસોસીએશનના પ્રમુખ મહાવીરસિંહ ઝાલા, કર્મચારી પરિવારના પ્રમુખ વિરલસિંહ પરમાર, રીક્રિએશન કલબના પ્રમુખ ઈન્દુભા ઝાલા, શૈક્ષણિક મંડળી વતી ડો. કનેરીયા, બિનશૈક્ષણિક કર્મચારી મંડળીના પ્રમુખ જીતુભાઈ સોલંકી તથા શૈક્ષણિક સંઘ વતી મનીષભાઈ શાહે કુલપતિનું પુષ્પગુચ્છથી સન્માન કરેલ હતું. કુલસચિવ ડો. કિરીટભાઈ પાઠકનું પુષ્પગુચ્છથી સન્માન કર્મચારી પરિવારના મહામંત્રી જે.સી. શેરસીયાએ કરેલ હતું.

અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કાર્યકારી કુલપતિ ડો. નીલાબેન દવેએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે ૩૦ વર્ષથી હું સંકળાયેલ છુ. આ યુનિવર્સિટીના દરેક કર્મચારીઓ મારો પરિવાર છે. યુનિવર્સિટીના સ્થાપનાકાળથી આજ સુધીના ઈતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ (કાર્યકારી) તરીકે ગુજરાત રાજ્ય સરકાર શ્રીએ મને જવાબદારી સોંપી છે તેની મને ખુબ જ આનંદ અને ગર્વ છે. ભારતના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ગુજરાત રાજયના ખંતીલા મુખ્યમંત્રીશ્રી હંમેશા મહિલા સશકિતકરણને પ્રાધાન્ય આપી અને દેશમાં મહત્વના પદો પર મહિલાઓને જવાબદારી સોંપી સાચા અર્થમાં મહિલા સશકિતકરણની વાતને સાકાર કરી રહયા છે ત્યારે આજે મને કુલપતિ તરીકે જે જવાબદારીઓ સોંપવામાં આવેલ છે તે માટે હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તથા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરું છુ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૪માં 'નેક' માં ગુજરાત રાજયમાં પ્રથમવાર 'એ' ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને આગામી વર્ષ ૨૦૧૯ માં જયારે ફરીથી 'નેક' કમીટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું રી-એક્રેડીટેશન માટે આવનાર છે ત્યારે આપણે સૌ સાથે મળીને આપણી યુનિવર્સિટી 'એ' પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે કાર્ય કરવા અનુરોધ કરેલ હતો અને પ્રાધ્યાપકથી કાર્યકારી કુલપતિશ્રી તરીકેની જવાબદારીઓ મળવા બદલ પોતાના માતાપિતા  અને સ્નેહીજનોનો આભાર વ્યકત કરેલ હતો.

કાર્યક્રમનું સુંદર સંચાલન હયુમન રીસોર્સ ડેવલોપમેન્ટ સેન્ટરના ડાયરેકટર ડો. કલાધર આર્યએ તથા આભારવિધિ પરીક્ષા નિયામક ડો. અમીતભાઇ પારેખે કરેલ હતી.

 આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્યશ્રીઓ,સેનેટ સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રોઅી, પ્રાધ્યાપકશ્રીઓ, શેક્ષણિક પરિવાર (સુટા) ના પ્રમુખ/મહામંત્રીશ્રી, યુનિવર્સિટી કર્મચારી પરિવારના પ્રમુખ/ મહામંત્રી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

ડો. નીલાંબરીબેન દવેની રાજ્ય સરકાર દ્વારા કાર્યકારી કુલપતિ પદે પસંદગી થતા માજી કુલપતિ ચૌહાણનુ જુથ ખૂબ નારાજ થયુ છે. વર્ષો સુધી સામસામે રહેલા બે જુથમાથી નીલાંબરીબેન દવે સર્વોચ્ચ પદે બિરાજમાન થતા આજે પ્રતાપસિંહ ચૌહાણ અને સંજય ભાયાણી માત્ર હાઉકલી કરીને નિકળી ગયા હતા. જ્યારે ચૌહાણ જુથના ગણાતા પ્રવીણસિંહ ચૌહાણ, પ્રશાંત ચાવાલા સહિતના કોઈ નજરે પડયા ન હતા.

(3:55 pm IST)