Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

સમાજ ઉધ્ધાર માટે સાયકલ યાત્રા

માણેકપરનો ગૌતમ બુધ્ધ ૬ ડીસેમ્બર ૨૦૧૬થી સાયકલ લઇને નિકળી ગયો છે : અત્યાર સુધીમાં ૬૦ હજાર કિ.મી. પુરા કર્યા : રસ્તામાં આવતા ગામ અને શહેરમાં મીટીંગો કરી સમાજ સુધારણાનો સંદેશો પ્રસરાવે છે

રાજકોટ તા. ૨૩ : એસ.સી., એસ.ટી. સમાજને થઇ રહેલ અન્યાય સામે અવાજ ઉઠાવી સમાજોધ્ધારનો સંદેશો પ્રસરાવવા માણસા તાલુકાના માણેકપૂરનો ગૌતમ બુધ્ધ સાયકલ યાત્રાએ નિકળેલ છે.

આજે રાજકોટમાં મુકામ કરનાર ગૌતમ બુધ્ધે એક મુલાકાતમાં જણાવેલ કે મે તા. ૬ ડીસેમ્બર ૨૦૧૬ થી સમાજ ઉધ્ધાર માટે અમદાવાદથી સાયકલ ભ્રમણની શરૂઆત કરી હતી. આજ સુધીમાં ૬૦ હજાર કિલો મીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે. માર્ગોમાં જે ગામ કે શહેર આવતા જાય ત્યાં મીટીંગો કરી ગામ આગેવાનો સમાજ આગેવાનોને મળી ચર્ચા વિચારણા કરીએ છીએ.

પછાતપણાનો અન્યાય સહન કરતા સમાજને ન્યાય મળે તે માટે અવાજ ઉઠાવવામાં આવે છે. ઉનાકાંડથી લઇને અત્યાર સુધીમાં જે બનાવો બનયા તેમાં ન્યાયી વલણ અપનાવવાને બદલે ભારોભાર અન્યાય થતો આવ્યો છે. જયારે જયારે અત્યાચાર થયા ત્યારે કાયદો અને પ્રશાસને મગનું નામ મરી પાડયુ નથી. પણ હવે આ બધુ સાખી નહી લેવાય તેવો ધ્રુજારો સાયકલ યાત્રા દ્વારા સમાજ ઉધ્ધાર માટે નિકળેલા ગૌતમ બુધ્ધ (મો.૭૨૦૨૦ ૩૨૭૮૧) એ ધ્રુજારો વ્યકત કરતા જણાવ્યુ હતુ.

તસ્વીરમાં સાયકલ યાત્રી ગૌતમ બુધ્ધ સાથે રાજકોટના પારસ ધવલ, અજય રાઠોડ, જીજ્ઞેશ વાણીયા, પંકજકુમાર ચુડાસમા (મો.૯૮૯૮૩ ૫૬૦૪૭), દિપકકુમાર ચુડાસમા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:01 pm IST)