Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

યાર્ડના એન્ટ્રી ગેઇટના બે કર્મચારી પર એન્ટ્રી ફી મામલે હુમલો થયો

જીજે૩એડબલ્યુ-૭૬૫૦ નંબરની રિક્ષામાં આવેલા બે શખ્સે ઢીકા-પાટુ મારી પથ્થર ફટકાર્યો

રાજકોટ તા. ૨૩: માર્કેટ યાર્ડ પાસે સાગરનગર-૨માં રહેતાં અને યાર્ડમાં ગેઇટ કલાર્ક તરીકે નોકરી કરતાં ગોૈતમ ગોપાલભાઇ હરણ (ઉ.૨૭) નામના રબારી યુવાનને સાંજે યાર્ડના ગેઇટ પાસે હતો ત્યારે સીએનજી રિક્ષા નં. જીજે૩એડબલ્યુ-૭૬૫૦માં આવેલા બે શખ્સોએ એન્ટ્રી ફી બાબતે ઝઘડો કરી ઢીકા-પાટુનો માર મારી તેમજ માથામાં પથ્થર ફટકારતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

ગોૈતમ સારવાર માટે હોસ્પિટલે પહોંચતા સાત ટાંકા લેવા પડ્યા હતાં. બી-ડિવીઝનના પીએસઆઇ એમ. એમ. ઝાલાએ તેની ફરિયાદ પરથી રિક્ષામાં ભાગેલા બે શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ગોૈતમના કહેવા મુજબ પોતે યાર્ડમાં ગેઇટ કલાર્ક તરીકે નોકરી કરે છે. ગેઇટ કોન્ટ્રાકટકના સહકર્મચારી મેહુર હકાભાઇ મોરીને યાર્ડમાં આવતાં જતાં વાહનોની રૂ. ૧૦ એન્ટ્રી ફી લેવાની હોય છે. તેના બદલામાં તે પહોંચ પણ આપે છે. આ ઉપરાંત યાર્ડમાંથી માલ ભરીને બહાર નીકળતા વાહનોના ગેઇટ પાસ પણ તપાસવાના હોય છે. એન્ટ્રી ગેઇટ કોન્ટ્રાકટ શિતલ એસોસિએશન વાળા રામદેવસિંહ જાડેજાનો છે.

ગઇકાલે તેની અને મેહુરની નોકરી બપોરના બે થી રાતના દસ સુધીની હતી. આ વખતે સાંજે એક સીએનજી રિક્ષા આવતાં મેહુરે તેની પાસે એન્ટ્રી ફી માંગતા ચાલક સહિત બે જણાએ ફી નહિ આપી ઝઘડો કરી તેને ઢીકા-પાટુનો માર મારવાનું શરૂ કરતાં પોતે છોડાવવા જતાં પોતાને પણ માર માર્યો હતો. એક શખ્સે પથ્થર ઉપાડી માથામાં ફટકારી દેતાં પોતે લોહીલુહાણ થઇ ગયો હતો. માણસો ભેગા થઇ જતાં બંને શખ્સ રિક્ષામાં ભાગી ગયા હતાં.

પોલીસે ગોૈતમની ફરિયાદ પરથી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૮)

(12:32 pm IST)