Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કુંદન હોસ્પિટલના સતાધિશોએ રાત્રેજ હાથ ઉંચા કરી દીધા'તાઃ કહ્યું ઓકિસજન નથી

દર્દીના સગા કહે છે. અમોને સરખો જવાબ પણ આપવામાં આવતો નહતોઃ દર્દી જાગૃતિબેનને વ્હેલી સવારે જ ૧૦૮ મારફત સિવિલ હોસ્પીટલ ખસેડાયા

રાજકોટ તા.ર૩: અહિંની કુંદન હોસ્પિટલમાં એક જ રાતમાં ૪ દર્દીઓના ઓકિસજન ન મળતા મોત નિપજયા છે ત્યારે હોસ્પીટલના સતાધિશોએ મોડી રાતે જ દર્દીઓના સગાને ફોન કરી ઓકિસજનની વ્યવસ્થા કરી આપવા અથવા દર્દીને અન્ય હોસ્પિટલમાં લઇ જવા જણાવી દેવામાં આવ્યું હતું.

શહેરમાં ભકિતનગરમાં સર્કલ નજીક આવેલ કુંદન હોસ્પિટલમાં આજે સવારે ચાર દર્દીઓના મોત થયા છે. ત્યારે હોસ્પિટલના સત્તાધીશોએ બે મોત જ થયાનું જણાવ્યુંહતું દર્દીઓના સગાઓને ફોન પણ  કરવામાં આવ્યા હતા કે હોસ્પિટલમાં ઓકિસજનનો જથ્થો નથી.

જાગૃતિબેન ગોસ્વામી જે ટંકારાના છે તેમના સગાને પણ ફોન કરવામાં આવ્યો હતો કે જાગૃતિબેનને ઓકિસજનની જરૂર છે અમારી પાસે નથી તમે બીજે કયાંકથી વ્યવસ્થા કરી આપો વ્હેલી સવારે પાંચ વાગ્યે ૧૦૮ દ્વારા જાગૃતિબેનને સિવિલ હોસ્પીટલમાં લઇ ગયા હતા.

જાગૃતિબેનના સગાએ જણાવ્યું હતું કે ઓકિસજનની વ્યવસ્થા થઇ શકે તેમ નથી તમે દર્દીને બીજી હોસ્પિટલમાં લઇ જવાની વ્યવસ્થા કરો અન્ય એક દર્દીના સગાને પણ આ જ રીતે ફોન આવ્યો અને તેમને પણ બીજી હોસ્પિટલમાં શિફટ કરી દેવાનું જણાવાયું હતું આ હોસ્પિટલમાં ૪ થી પ દર્દીઓના મોત થયાનું જણાવેલ અને ૭૦ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયાનું જણાવેલ.

દર્દી જાગૃતી બેનના પુત્રએ જણાવેલ કે અમોને બીજી કોઇ જાણકારી આપવામાં આવતી ન હતી ડોકટરને મળવાની વિનંતી કરવા છતાં તેઓ અમોને મળતા ન હતા પેમેન્ટ પણ કરી દેવાનું જણાવતા હતા દર્દીની ખબર અંતર પુછીએ તો સરખો જવાબ પણ આપવામાં આવતો નથી.

(4:20 pm IST)